About Janmashtmi Festival : જન્માષ્ટમી વેકેશન ના છ એ છ દિવસો આપણે કઈ રીતે અને શા માટે ઉજવીએ છીએ એની નાની એવી ઝાંખી…
1 . બોળચોથ
જન્માષ્ટમીના વેકેશનની લગભગ શરૂઆત થઈ જતી હૉય છે બોળચોથ ના દિવસ થી..
વાસ્તવમાં ‘ બોળચોથ વ્રત ‘ મહિલાઓ પોતાના બાળકોના સારા અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે કરે છે. આજના દિવસે ગૌમાતાને માન આપવા કોઈપણ પ્રકારની દૂધની બનેલી વસ્તુનુ સેવન કરવામાં આવતુ નથી. આ રીતે ભારતીય સંસ્કૃતિ મુજબ આ તહેવાર સંપૂર્ણપણે ગૌમાતાને સમર્પિત છે એવુ કહી શકાય.
જોકે હવેના યુગમાં આ વ્રતો કરતા ભક્તોની સંખ્યા ખાસ્સી ઘટી ગઈ છે પણ આજે પણ આપણામાંથી ઘણા બધા લોકો બપોરના ભાણા માં મગ અને રોટલો બનાવીને આ પરંપરા જાળવતા જોવા મળે છે.
2. નાગપંચમી
એક માન્યતા અનુસાર આ દિવસે નાગદેવતાના 12 સ્વરૂપોની પૂજા કરીને દૂધ ચડાવવાથી આવનારી સાત પેઢી નાગ ડંખી જવાના ભયથી મુક્ત રહે છે.
– શ્રાવણ માસ એટલે ભોળાનાથનો મહિનો કહેવામાં આવે છે ત્યારે શિવજીના ગળાનો હાર એટલેકે નાગને દેવતા તરીકે પૂજવામાં આવે છે.
– શ્રાવણ મહિનામાં વર્ષાઋતુનો સમય હોઇ ભૂગર્ભમાંથી નાગ નીકળીને જમીન પર આવે છે આનાથી કોઈ અહિત ન થાય એ હેતુથી નાગદેવતાને પ્રસન્ન કરવા માટે નાગપંચમીની પૂજા કરવામાં આવે છે.
3. રાંધણછઠ્ઠ
‘શીતળા સાતમ’ ના દિવસે રસોઈ ન કરવાની પરંપરા હોઇ એક દિવસ પહેલા રસોઈની તૈયારીઓ કરવા માટે મનાવવામાં આવતો દિવસ એટલે ‘રાંધણછઠ્ઠ’.
– રાંધણછઠ્ઠ’ આમ કોઈ સ્વતંત્ર તહેવાર તો નથી. પરંતુ શીતળામાતા ને સમર્પિત તહેવાર ‘શીતળા સાતમ’ જે દિવસે રસોઈ ન કરવાની વર્ષો જૂની પરંપરા છે.
– એના એક દિવસ પહેલા આવતીકાલના આખા દિવસની રસોઈની તૈયારીઓ કરવા માટે મનાવવામાં આવતો હોઇ આ દિવસ ‘રાંધણછઠ્ઠ’ તરીકે ઉજવાય છે.
4. શીતળા સાતમ
આ દિવસને આખો દિવસ ઠંડુ ભોજન ખાઈને ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે મહિલાઓ આ વ્રત પોતાના બાળકો ઓરી-અછબડા(શીતળા)થી બચે એ માટે કરતી હોય છે.
– ‘સ્કંદપુરાણ’ અનુસાર ગધેડો એ શીતળામાતાનું વાહન છે. શીતળા માતાના એક હાથમાં પીળા ફૂલનો છોડ અને બીજા હાથમાં કળશ હોય છે.
– લોકો દ્વારા નદી કે તળાવના કાંઠે નાહીને શીતળામાતા ની મૂર્તિને કુલેરનો પ્રસાદ અર્પણ કરે છે.
– આ ઉપરાંત ‘ નૈવેધ ‘ ધરવામાં આવે છે.
5. જન્માષ્ટમી
ભગવાન વિષ્ણુના દશાવતારમાનો આઠમો અવતાર એવા ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ એટલે ‘જન્માષ્ટમી’. “નંદ ઘેર આનંદ ભયો”ના નાદ સાથે હર્ષોલ્લાસ સાથે આ તહેવાર ઉજવાય છે.
– માતા દેવકીની કૂખેથી રાત્રે 12 વાગ્યે જેલમાં જન્મનાર શ્રીકૃષ્ણ અગણિત હૈયામાં સ્થાન ધરાવે છે.
– આ દિવસે રાત્રે 12 વાગ્યે આપણે બધા કૃષ્ણજન્મ નિહાળવા અને કાનુડાને હિંડોળા હિંચકાવવા જઈએ છીએ.
6.પારણા (નોમ/નંદમહોત્સવ)
આ દિવસે આપણે બધા ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પછી ‘પારણા’ માં ઝૂલાવતા હોઇ આ દિવસને ‘પારણા’ તરીકે ઉજવવામાં આવે છે.
– રાત્રે 12 વાગ્યે જન્મ થયા પછી વાસુદેવજી કાનુડાને યમુના નદી પાર કરાવીને ગોકુળમાં મૂકવા જાય છે.
– ભગવાનનો જન્મ થયાની ખુશીમાં પારણા કરીને આ દિવસે સાચી ઉજવણી ‘નંદમહોત્સવ’ રૂપે કરવામાં આવે છે.
આ પ્રકારે ધાર્મિક પરંપરાઓને અનુસરીને આપણે કાઠીયાવાડી લોકો જન્માષ્ટમી વેકેશનની ઉજવણી કરતા હોઈએ છીએ.
Also Read : ઉપરકોટ માં સ્થિત થયેલી તોપો ધરાવે છે આ રોચક ઇતિહાસ!