આઝાદી દિવસ : આપણાં દેશ ને સ્વતંત્રતા મેળવવા ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો પણ એ થી પણ વધુ સંઘર્ષ આપણાં જૂનાગઢ ને સ્વતંત્રતા મેળવવા માટે કરવો પડ્યો હતો. દેશ ને આઝાદી મળ્યા પછી પણ જૂનાગઢ, ભારત ની ભૂમિ સાથે ના જોડાયાની વાત નો વિચાર પણ આપણને અત્યારે ધ્રૂજાવી દેય તેમ છે. વળી આપણે સ્વતંત્રતા મેળવવા ખુદ સંઘર્ષ કરેલો એટલે કે લોકક્રાંતિ અને જન આંદોલન ના ફળ સ્વરૂપે આપણને આઝાદી મળેલી એ પણ આજ ના દિવસ ને ખાસ તેમજ આપણે મળેલી સ્વતંત્રતાની ક્ષણોને યાદગાર બનાવે છે.
આઝાદી મેળવ્યા ના થોડા દિવસ પછી એટલે કે ૧૩ નવેમ્બર ૧૯૪૭ ના રોજ સરદાર પટેલ સાહેબે બહાઉદ્દીન કોલેજ ના મેદાનમાં નાગરિકોની એક વિશાળ સભાને સંબોધન કરતા કહ્યું કે ભારત સરકાર રાજ્યની પ્રજાની ઇચ્છા અનુસાર વર્તવા માટે બંધાયેલી છે, જૂનાગઢની સમસ્યાનો જે શુભ અંત આવ્યો છે તેનો તમે બધા સ્વીકાર કરો છો ? આ પ્રશ્નના જવાબમાં હજારો હાથ ઊંચા થયા હતા. આ જ પ્રસંગ આઝાદ ભારત માં લોકશાહી નું સમર્થન કરતાં લોકો નું એક ઉત્તમ દ્રષ્ટાંત રજૂ છે.
વળી કેન્દ્ર માં રહેલા માણસોએ જબરદસ્તીથી હિન્દ સંઘ જોડે જૂનાગઢને જોડ્યુ નથી પરંતુ પ્રજા એ તેમની ઈચ્છા મુજબ ભારત સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે, એ વાત ની સાબિતી કરાવવા માટે ૨૦ ફેબ્રુઆરી ૧૯૪૮ ના રોજ આપણાં જૂનાગઢ માં જ સૌપ્રથમ મતદાન થયેલું, જેમાં ૯૯ ટકા મત હિંદુસ્તાન ની તરફેણમાં પડેલા, આ પ્રસંગ એ સાબિત કરી દીધું હતું કે રાજાશાહી કે નવાબશાહી નો અંત જરૂરી હતો, લોકશાહી ની શરૂઆત જરૂરી હતી.
આજ નો દિવસ એટલે આપણી એ જ જૂની પેઢી નો આભાર માનવાનો દિવસ કે જેમના પ્રયત્નો થી આજે આપણે ભારતની ભૂમિમાં સ્વતંત્રતાની હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ. એ જ આરઝી હકૂમત અને તેમની સેના “લોકસેના” ના બાહોશ સૈનિકોને યાદ કરવાનો અને આભાર વ્યક્ત કરવાનો દિવસ.
લોકશાહી માં લોકો ની જવાબદારી પણ વધી જતી હોય છે તો આજ ના દિવસે સ્વતંત્રતાના ઉત્સવ મનાવવાની સાથે સાથે એ વિચાર કરવો પણ યોગ્ય જ છે કે શું આપણે સાચે આપણને મળેલી સ્વતંત્રતા ને જૂનાગઢ ના એક જવાબદર નાગરિક તરીકે સાચવીએ છીએ ? શું આપણે સાચે આપણને મળેલા ઐતહાસિક અને અમુલ્ય વારસા ને સાચવવા કે સંભાળ રાખવા પ્રયત્નો કરીએ છીએ? શું આપણી જૂની પેઢી એ કરેલ ઉપકારો નું રૂણ ચૂકવવા આપણે તત્પર છીએ?
હાં ! આજ ના દિવસે આવા સવાલો પણ જાત ને પૂછી આ સ્વતંત્રતાના ઉત્સવ ને ઉજવીએ. હું “કસુંબી” અને આખી આપડું જૂનાગઢ ની ટીમ તરફથી તમામ જૂનાગઢવાસીઓને “જૂનાગઢ આઝાદી દિવસ” ની શુભેચ્છાઓ !
જય હો જૂનાગઢ ! જય હિન્દ ! જય ભારત !
Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh
Also Read : આધુનિક યુગમાં ખેતી માંથી રાજ્યનાં અનેક ખેડૂતો ભલભલા પગારદારોને પાછા પાડી દે તેવી કમાણી કરી રહ્યાં છે..