Girnar History : આપણાં જૂનાગઢમાં આવેલા ગરવા ગિરનારની ગણના જૂનામાં જૂના ભૂસ્તરમાં થાય છે. ગિરનારની ઉંમર આશરે 25 કરોડ વર્ષ માનવામાં આવે છે. ગિરનાર પોતાની અંદર અસંખ્ય એવી પૌરાણિક કથાઓને સંગ્રહીને બેઠો છે. ગિરનારનું એક નામ ‘રૈવતગિરિ’ છે. જે સૂર્ય સાથે અનુબંધ ધરાવે છે.
પુરાણોમાં જેમનો ઉલ્લેખ છે એવા વૈદિક ઋષિઓની કથાઓ પણ ગિરનાર સાથે જોડાયેલી છે. ગિરનાર સાથે જોડાયેલી અર્ધ પૌરાણિક અને અર્ધ ઐતિહાસિક કથાઓનો તો પાર જ નથી! પરદુ:ખભંજક રાજા વિક્રમાદિત્ય અને તેનો ભાઈ ભરથરી પણ ગિરનાર સાથે જોડાયેલા છે. પોતાનું સર્વસ્વ એટલે કે રાજ પાટ છોડીને ગિરનારમાં તપ કરવા આવેલા રાજા ભરથરીની ભરથરી ગુફા અને ભરથરી સ્થાન આજે પણ ગિરનારમાં મોજૂદ છે. એક માન્યતા મુજબ શિવરાત્રિના મેળામાં નાગા સાધુઓના મૃગીકુંડમાં સ્નાન કરવાના સમયે ભરથરી અને ગોપીચંદ પણ આવે છે.
વિક્રમ રાજાનો સાથી વેતાળ પણ મૂળ ગિરનારનો છે. વેતાળ અવગતિ પામેલો જીવ છે. વિક્રમરાજાએ તેને વશ કર્યો હતો. અશક્ત યાત્રાળુઓને પોતાના ખભે બેસાડી અંબાજી પહોચાડવાનું કામ સોંપ્યું હતું. પગથિયાં પાસે આવેલી ચડાવાવ મૂળ ‘વેતાળ વાવ’ છે. આજની વાવ રાજમાતા મિનળદેવીએ બાંધવી હોવાનું માનવામાં આવે છે.
ગિરનાર તળેટીમાં આવેલો ‘નારાયણ ધરો’ પણ એક આગવું મહત્વ ધરાવે છે. આ ધરા સાથે પણ એક કથા જોડાયેલી છે. આ ધરામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક એવા શ્રીજી મહારાજે સ્નાન કર્યું હતું, એટલે હાલના સમયમાં આ ધરો સ્વામિનારાયણ સંપ્રદાય માટે પ્રસાદ સ્વરૂપ માનવામાં આવે છે.
રા’નવઘણ, રા’ખેંગાર, રાણકદેવી વગેરેના ઇતિહાસની સાથે ચારણી કથાઓ સાથે પણ ગિરનાર જોડાયેલો છે. ખાપરા ખોડિયાની ગુફાઓ વિશે તો તમે સાંભળ્યું જ હશે!! સાથે સાથે બિલખાથી મંડલિકપૂર જતાં સોનબાઈના ભોયરા નામની જગ્યા પણ આવેલી છે. જયરાજસિંહ ચાવડાના મૃત્યુ બાદ તેની પત્ની રૂપસુંદરી આ જગ્યાએ પોતાના પુત્ર વનરાજને લઈને રહેતી હતી. આ ઉપરાંત બિલખા સાથે જોડાયેલી શેઠ સગાળશાની કથાથી તો કોઈ અજાણ હોય એવું બની જ ના શકે.
ઇરાનથી આવીને આપણાં જૂનાગઢમાં દાતારના ડુંગરા પર આવીને વસેલા જમીયલશા જેવા ઓલિયા પુરુષની કથા પણ ગિરનાર સાથે જોડાયેલી છે. આવી તો અસંખ્ય કથાઓ પોતાની અંદર સમાવીને બેઠો છે જોગી સમો ગિરનાર. અહી ઘોરી અઘોરી સાધુઓની ચલમ ભરેલી રાતો છે તો સાથે નરસિંહનાં પ્રભાતિયાથી શરૂ થતી પવિત્ર સવાર પણ છે. નાથ સાધુઓ, જૈન સાધુઓ અને અનેક આચાર્યો અહી આવીને ગરવા ગિરનારની ગોદમાં વસ્યા છે.
Author: Urvashi Deshani #TeamAapduJunagadh