સોરઠની સાહ્યબી સમો ચેલૈયો: આજની યુવા પેઢીને શીખ આપતું એક અમર પાત્ર

સોરઠ પ્રદેશમાં ઘણીબધી લોકકથાઓ પ્રચલિત છે કે, જેમાંથી આજના જમાનામાં અને આજના લોકોને ઘણુંબધું શીખવા મળે તેમ છે. જૂનાગઢથી 22 કિલોમીટરના અંતરે આવેલ બિલખા ગામમાં ચેલૈયાધામ આવેલું છે. ચેલૈયા ધામ ખાતેની લોકકથા પણ ખૂબજ પ્રચલિત છે, પણ હું આજે વાત એ લોકકથાના મહાનાયક એવા ચેલૈયાના વ્યક્તિત્વની કરવાનો છું કે, જેમાંથી આજનાં યુવાનોને ઘણુંબધુ શીખવા જેવું છે.

એ લોકકથા ટૂંકમાં આ રીતે છે કે, બીલખા ગામના વાણીયા શેઠ સગાળશા અને તેની પત્ની ચંગાવતીને એક એવી ટેક હોય છે કે, કોઈ ભૂખ્યા સાધુને જમાડીને જમવું. આ ટેકની કસોટી કરવા માટે એક દિવસ ભગવાન એક રોગી અને અશક્ત સાધુ થઈને આવે છે. શેઠ તેમને જમવાનું પીરસે છે, પરંતુ સાધુ માંસની માંગણી કરે છે,

વાણિયા થઈને પણ શેઠ કસાઇ વાડેથી માંસનો પ્રબંધ કરી આપે છે, પણ અઘોરી સાધુ આવું માંસ નહીં પણ માણસના માંસની માંગણી કરે છે. શેઠ-શેઠાણી નક્કી કરે છે કે, બીજા કોઇ માણસને મારવો એના કરતા આપણા એકના એક દીકરાને જ આપણે ખાંડણિયામાં ખાંડીને પીરસી દઈએ. અઘોરી બાવા એટલે કે ભગવાનને ખ્યાલ આવે છે કે, આ લોકો હાર નહીં માને એટલે અઘોરી બીજું સ્વરૂપ લઈ ચેલૈયાના માસ્તર સ્વરૂપે છે ચેલૈયા પાસે આવે છે ચેલૈયાને કહે છે કે,

“ભણતો ગણતો તું ભાગ ચેલૈયા, માની લે મારું પતીગ,

માવતર તારા મારવા બેઠા, આંગણે આવ્યો અતીત,

ધુતારો ધૂતી જાશે, પછી પસ્તાવો થાશે”

ચેલૈયાને સમજાવે છે કે તું ભાગી જા, તારા માવતરને ત્યાં કોઈ ધુતારો આવ્યો છે, કે જે માણસનું માંસ માંગે છે અને તારા માતા-પિતાએ નક્કી કર્યું છે કે એ તને મારીને એ અઘોરી ખવડાવશે. ચેલૈયો ગુરુજીને જવાબ આપે છે…

“ભાગુ તો મારી ભોમકા લાજે ને, ભોરિંગ ન ઝિલે ભાર,

મેરુ સરીખા ડોલવા લાગે, એને આકાશનો આધાર,

મેરામણ માઝા ના મૂકે, ચેલૈયો સત ના ચૂકે !

જો હું ભાગી જાવ તો મારી જન્મભૂમિ લાજે, જે રીતે સમુદ્ર એની માઝા મુકતો નથી એ રીતે હું પણ ચેલૈયો સત ચૂકીશ નહીં. આ પ્રસંગ યુવાનોને કહી જાય છે કે, બીજા માણસોની વાતોમાં આવ્યા વગર પોતાના માતા-પિતા પ્રત્યે વિશ્વાસ રાખો. ચેલૈયાની માતા-પિતા પ્રત્યેની નિષ્ઠા અને વિશ્વાસ વ્યક્ત થાય છે. બીજી એક શીખ એ કે, હંમેશા સત્યની પડખે ઊભા રહેવું. ગમે તેવી કપરી પરિસ્થિતિ આવે પણ જીવનમાં સત એટલે કે સત્ય છોડવું નહીં. આમ કહીને જ્યારે ચેલૈયો શેઠ-શેઠાણી પાસે પહોંચે છે ત્યારે, શેઠ અને શેઠાણી ભાંગી ગયા હોય ચેલૈયો તેની માતાને હિંમત આપતા કહે છે કે,

“એ શું બોલ્યા માત મારા તમે, નાખીને નિશ્વાસ સફળ મનખો ચેલૈયાનો, એનું માંસ જમે મોરાર!”

ચેલૈયો તેના માતા-પિતાને હિંમત આપે છે અને કહે છે કે મારો તો મનખો સફળ થઇ ગયો છે કે મારું માંસ અખિલ બ્રહ્માંડનો માલિક જમશે. આ પ્રસંગ ચેલૈયાની હિંમત, ત્યાગ અને બલિદાન ને વ્યકત કરે છે. આજના યુવાનો એ કપરી પરિસ્થિતિમાં માતા-પિતાને હિંમત આપવી જોઈએ, તેનો સહારો બનવું જોઈએ અને છેલ્લી વાત કે જો તમે તમારા જીવનમાં આવું કોઈ સતનું કામ કરશો તો, ભલે ઓછું જીવશો તો પણ તમારો મનુષ્ય અવતાર સફળ થઈ જશે. યુવાનો માટે જરૂરી છે કે નાની-મોટી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ નિષ્ઠા, વિશ્વાસ, પ્રેમ અને ત્યાગ જેવા જીવન જીવવાના મૂલ્યોથી પોતાના જીવનને સાર્થક કરી શકે!

Author: Kalpit Chandpa(“કસુંબી”) #TeamAapduJunagadh