વીર રામવાળો: ગાયકવાડી ધરા ધ્રુજાવતો સોરઠી નરવીર (ભાગ: 3)

પાછલા અંકથી ચાલું…

ગઢ જૂનો ગરનાર, ખેંગારનો સરાપેલ ખરો,
સંઘર્યો નહિ સરદા, (નકર)૨મત દેખાડત રામડો!

ભોંયરાનું પોલાણ ધીરે અવાજે ગાજતું હતું. પથ્થરો જાણે કે એ ખાનગી વાત સાંભળીને કોઈને કહી દેતા હતા. નાગ અને રામની વચ્ચે કાળી વાત ચાલતી હતી:

“રામભાઈ! મારી નાખીએ.” નાગ કહે છે.

“કોને?”

“મેરૂને.”

“કાં?”

“જાત્યનો ભરૂ છે. ક્યાંક ખૂટશે. આપણને કમોતે મરાવશે.”

“ના, ના, ના, ભાઈ નાગ!” પગની કાળી વેદનાના લવકારા ખમતો રામ આ અધર્મની વાત ન ખમી શક્યો.“અરરર! નાગ! મેરૂ જેવા અમુલખ સાથીની હત્યા? મેરૂ તો મારા પ્રાણ સમો, મેરૂ વિના મને અપંગને કોણ સાચવે? મેરૂ બચારો મારો સાંઢીઓ બની, મને એક નેખમેથી બીજે નેખમે ઉપાડે છે. દિ’ને રાત દોડાદોડી કરે છે.” નાગની સામે રામ દયામણી આંખે તાકી રહ્યો.

“હત્યા!” પથ્થરે પથ્થરે ઝીલાતો એ બોલ બહાર ગયો. લપાઈને બહાર ઉભેલા એક આદમીને કાને પડ્યો. એ આદમી હતો મેરૂ પોતે. મેરૂને શરીરે થરેરાટી ચાલી ગઈ. સ્વેદ વળી ગયાં. આંખો ફાટી ગઈ. ભોંયરા પાસે ક્યાંક પોતાનો પડછાયો પડી જાશે તો પણ નાગ હત્યા કરશે, એમ સમજી મેરૂ સરી ગયો. વાતને પી ગયો.બીજા દિવસની તડકી ચડી. મેરૂએ વાત ઉચ્ચારી,“નાગભાઈ! હવે આંહી માલધારીઓની અવરજવર વધતી જાય છે. આપણે નેખમ બદલીએ. ભેળા આવો તો ક્યાંક ગોતી આવીએ.”

બેય જણા ચાલ્યા. નવી જગ્યા ગોતીને પાછા વળ્યા. માહ મહિને બપોર તપ્યા. એક નેરાને કાંઠે બેય જણા વિસામો લેવા સુતા. બેયનાં નાખોરાં બોલવા લાગ્યાં. ઓચીંતાં મેરૂનાં નાખોરાં ચૂપ થયાં. ફાળીયું ખસેડીને મેરૂ ઉઠ્યો. નાગના પડખામાંથી બંદુક ઉપાડી. મેરૂએ નાગના કપાળમાં નોંધીને વછોડી. નાગના માથાની તાંસળી નીકળી પડી. ઉંઘતે ઉંઘતે જ નાગ ફેંસલ થયો.બંદુક ઉઠાવીને મેરૂએ જંગલ સોંસરવી હડી દીધી. સીધો આવ્યો જુનાગઢ શહેરમાં. પોલીસના ઉપરી પાસે જઈ બંદુક ધરી દીધી. શ્વાસ હેઠો મેલ્યા વગર બોલ્યો,“હું મેરૂ બારવટીયો. નાગને મારીને આવું છું. એકલો રામવાળો જ રહ્યો છે. એકજ ભડાકાનો દારૂગોળો છે. પગ પાકવાથી અપંગ પડ્યો છે. હાલો દેખાડું!”

જુનાગઢની ગીસ્ત બોરીએ ગાળે ચડી. પછવાડેથી ભોંયરાના ઉપલા ભાગ પર ચડીને બંદુકદારો ઉભા રહ્યા. ઉપરથી હાકલા કરવા માંડ્યા કે “એ રામવાળા ! હવે બા’ર નીકળ.”અંદર બેઠો બેઠો રામ રોટલાનો લોટ મસળી રહ્યો છે. પગ સોજીને થાંભલો થયો છે. પડખે એકજ ભડાકાના સાધનવાળી બંદુક પડી છે. બંદુક સામે એણે કરૂણ નજરે નિરખી લીધું. પોતાના અંતરમાં વાત પામી ગયો. એણે અવાજ દીધો “મેરૂ! આખરે ખુટ્યો કે?”

“બહાર નીકળ રામવાળા!” ફરીને ફોજનો પડકાર આવ્યો.

“ગીસ્તવાળાઓ! આજ હું લાચાર થઈ પડ્યો છું. મારો પગ નથી. સાધન નથી. નહીં તો હું રામ આવું જશનું મોત જાતું ન કરું. રામ ભોંયરે ન ગળી રહે. પણ મેં જુનાગઢનું શું બગાડ્યું છે? તમે શીદ મને મારવા ચડ્યા છો?” ” રામ પૂછે છે.“અરે બહાર નીકળ મોટા શુરવીર !” ઉપર ઉભી ઉભી ગીસ્ત ગાજે છે.

“ભાઈ પડકારનારાઓ! ત્યાં ઉપર ઉભા ઉભા કાં જોર દેખાડો? આવો આવો, ઉતરીને સન્મુખ આવો. રામ એકલો છે, એકજ ભડાકો કરી શકે એમ છે, અપંગ છે, તોય કહે છે કે સામા આવો. જરાક રામનું ધીંગાણું જોઈ લ્યો.” રામવાળો છાતી સમો બોલે છે.સામસામી આવી બોલાચાલી થતી રહી, પણ રામવાળો નીકળતો નથી કે નથી ગીસ્ત પડમાં આવતી. આખરે ગીસ્તે કાંટાના મોટા મોટા લાકડા લીધા. ઉપરથી ગાળીઆ નીચે ઉતારી ભોંયરાના મોઢા આડા દઈ પછી આગ લગાડી. તાપ અને ધુંવાડે એ ચોમેરથી બીડાએલા ભેાંયરાને ભરી દીધું. બહારવટીયો નિરૂપાય બનીને જીવતો બફાવા લાગ્યો. છેવટે ન રહેવાયું. જીવ ટુંકાવા લાગ્યો. તલવાર ખેંચીને એક પગે ખોડંગતો રામ ‘હૂત !’ કરતો બહાર ઠેક્યો. ઠેકીને પડ્યો કે તરત જ ગીસ્તની પચાસ સામટી બંદુકે રામવાળાને પળવાર પણ રોકાવા ન દિધો અને પૂરો કર્યો!

આમ, ગિરનારનો એ બોરીયોગાળો સોરઠની ધરતીના નરવાહનનો ભોગ લે છે, હજી પણ એ બોરીયોગાળો રામવાળાની કંઇ કંઇ યાદો સંઘરી એ નરબંકાના મંદિર સમાન બેઠો છે.

સંદર્ભ: સોરઠી બહારવટિયા-3

સંયોજક: Sumit Jani (Shivay) #TeamAapduJunagadh