Veer Hamirji Gohil Somnath : સોમનાથ પર થયેલા આક્રમણમાં મુઠ્ઠીભર શૂરવિરો સાથે, મહાકાય કટકનો સામનો કરનારા: વીર હમીરજી ગોહિલ

Veer Hamirji Gohil Somnath

Veer Hamirji Gohil Somnath : ભારત દેશમાં ઘણા વીર યોધ્ધાઓ થયા છે કે, જેઓએ અલગ અલગ લડાઈઓમાં શહીદી વહોરી છે. કોઈએ મંદીરના રક્ષણ માટે તો કોઈએ ધર્મનાં રક્ષણ માટે અથવા તો ભારતનાં સ્વત્રંતતાના સંગ્રામમાં શહીદ થયા છે. આવાજ એક અણનમ વીરત્વ દાખવનાર અરઠીલાનાં હમીરજી ગોહિલ. હમીરજી ગોહિલ આમતો કવિ કલાપી તરીકે પ્રખ્યાત થયેલ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલના પુર્વજ હતા. હમીરજી સમઢીયાળા ગામની ગાદી સંભાળતા હતા. આમ સૌરાષ્ટ્ર પ્રદેશનાં ગોહિલવાડના રાજકુટુંબમાં જન્મ લઈને પોતાના કુળને છાજે તે રીતે જીવન જીવતા હતાં.

વે’લો આવ્યો વીર, સખાતે સોમૈયા તણી;
હીલોળવા હમીર, ભાલાની અણીએ ભીમાઉત.

Veer Hamirji Gohil Somnath

નજીવી બાબતે પોતાના સગાભાઈ અરજણજીના કોપથી જાકારો પામીને હમીરજીને નાની ઉંમરે ઘર છોડવું પડ્યું હતું, એ સમયે તેઓ પોતાના 200 જેટલા મર્દ રાજપૂત જિગરજાન મિત્રો સાથે રાજસ્થાનની ધરતીના મારવાડ પંથકમાં ચાલ્યા ગયા. આ બાજુ દિલ્હીની ગાદી ઉપર તે વખતે મહમદ તઘલખ બીજાનું શાસન હતું. એ સમયે જૂનાગઢમાં ઝફરખાનને ગુજરાતનો સુબો નિયુક્ત કર્યો. ઝફરખાન મુર્તિપુજાનો કટ્ટર વિરોધી હતો. તેથી તેની નજર સોમનાથ મંદીર ઉપર હતી, કારણ કે હિંદુ લોકોની ખુબજ આસ્થા તેના ઉપર હતી. ઝફરખાને શિવરાત્રિના મેળા દરમિયાન સોમનાથ પર હુમલો કરવા રસુલખાનને મોકલ્યો, જેમાં ઉશ્કેરાઈ ગયેલા લોકોએ રસુલખાનને તેના કુટુંબ અને માણસોની સાથે જ મારી નાંખ્યો. આ ખબર ઝફરખાનને મળતા તે કાળઝાળ થઈ ઊઠયો અને સોરઠને દળી નાખવા તેના હાથ સળવળી ઉઠ્યા અને ઝફરખાને સોરઠ પર ચડાઈ કરી, મહાકાય હાથી, ભેંકાર તોપુ સાથે કાબુલી, મકરાણી, અફઘાની અને પઠાણી સૈનિકોની ફોજ લઈને સોમનાથ મંદીર ઉપર આક્રમણ કરવા ચાલ્યો આવે છે.

સોમનાથ

સોમનાથ ઉપર આક્રમણ થાય તે પહેલા અરજણજી, હમીરજીને ગોતીને પરત લાવવા એક ગઢવીને મારવાડ મોકલે છે. તેના ગયા પછી અરજણજી વિરહમાં ખુબજ દુ:ખી છે, તે વાત સાંભળીને હમીરજી પોતાની સાથે રહેલ 200 જેટલા રાજપુતને ઘોડાઓની સાથે ગઢાળીનો માર્ગ પકડ્યો. પોતાને વતન પાછા આવતા હમીરજીને સોમનાથ પર થવા જઇ રહેલા આક્રમણની વાત પોતાના ભાભી પાસેથી સાંભળતા જ હમીરજી પોતાના 200 ભાઈબંધ સાથે સોમનાથને રસ્તે આગળ વધે છે.

સોમનાથ

રસ્તામાં દ્રોણગઢડા ગામે વેગડા ભીલનો નેસ આવે. તુલસીશ્યામ પાસે એક રાજપુત સાથે થયેલા ધિંગાણામાં રાજપૂત મરણને શરણ થાય છે, તે વેળા એ પોતાની દીકરી રાજબાઈના લગ્ન જવાબદારી વેગડા ભીલને સોંપે છે. વેગડો ભીલ એ દીકરીને પોતાની દીકરીની જેમ ઉછેરે છે અને મહેમાન થઈને આવેલા, ખમીરવંતા રાજપૂત હમીરજી સાથે તેના વિવાહ થાય તેવો પ્રસ્તાવ મૂકે છે. હમીરજીની સંમતિ મળે છે અને રાજબાઈ પણ આ વિવાહ માટે તૈયાર થાય છે, પણ વાત એમ હતીકે, તેમની સાથેના 200 જેટલા સાથીઓ પણ હમીરજી પરણે ત્યારે જ પરણવાના નીમ લીધા હતા. તેથી ભીલોની કન્યા સાથે તેમના પણ લગ્ન ગોઠવવામાં આવે છે. આમ ગિરમાં ભીલપુત્રીઓ સાથે 200 રાજપુત અને રાજબાઈ સાથે હમીરજીના સમુહ લગ્ન ઉજવાય છે.

Veer Hamirji Gohil Somnath

ગિરનાં જંગલમાં લગ્ન થયાને બીજે જ દિવસે સોમનાથનો મારગ પકડ્યો. તેમની સાથે વેગડાજી અને તેમના સાથી ભીલોએ પણ પ્રયાણ કર્યુ. હમીરજીની સાથે રાજપુત, કાઠી, આહીર, મેર, ભરવાડ અને રબારી જેવી જ્ઞાતિઓના જુવાનો પણ સોમનાથની સખાતે સાથે આવવા તૈયાર થયા છે. આમ રસ્તામાંથી જેટલા યોધ્ધાઓ મળ્યા તેને સાથે લઈને સોમનાથ પહોંચી, સોમનાથના પ્રાંગણમાં કટકની વાટ જોઈ રહ્યા છે. વિજયના કેફમાં મદમસ્ત બનેલો ઝફરખાન બરાબર પ્રભાસના પાદરમાં આવી પહોંચ્યો. વેગડાજીના ભીલોના તાતા તીરોએ બાદશાહી ફોજના સામૈયા કર્યા. બળુકા હાથમાંથી છુટતા બાણ મુસ્લિમ સેનાને ત્રાહિમામ પોકારાવી રહ્યા છે. ત્યારે ઝફરખાને સૈન્યનો સંહાર થતો નિહાળી તોપો આગળ કરવાનો હુકમ છોડયો. ભીલ સૈનિકોની સંખ્યા ઓછી થવા લાગી. ઝફરખાને તેના સરદારને હાથીની સાથે આગળ કરીને વેગડાજી સાથે યુધ્ધમાં મોકલ્યો અને તાલીમ પામેલા હાથીએ વેગડાજીને સુંઢમાં લઈને આઘે ધા કર્યો અને વેગડાજી ત્યાંજ મરાણો.

વેગડાજી શહીદ થતાની સાથે જ ઝફરખાનનાં સૈન્યએ સોમનાથના ગઢ માથે હલ્લો કર્યો. ત્યાં હમીરજી પણ સાવધ હતા. સળગતા તીરના મારા સાથે પથ્થરના ગોળા ગબડતા મુક્યા. ગઢ પાસે આવી ગયેલા સૈનિકો માથે ઉકળતા તેલ રેડ્યા. આમ પ્રથમ હલ્લો પાછો પડ્યો. સાંજ પડી મંદીરમાં આરતી થઈ હતી અને તે સમયે હમીરજીએ સૌને ભેગા કરી વ્યુહ સમજાવ્યો. ઝફરખાને સોમનાથને ત્રણેય બાજુથી ઘેરી લીધુ હતુ અને એક બાજુ તો ઘેઘૂર સમુદ્ર હતો. બીજા દિવસે સવારથી જ હમીરજી અને સૈનિકોએ ઘોડાઓ ઉપર સવાર થઈને દુશ્મનોના હાથીને ભાલા ઘોકીને ત્રાહીમામ પોકારાવી દીધા, જેથી ઝફરખાનનુ સૈન્ય હચમચી ગયું. ઝફરખાને અંદર પ્રવેશવા માટે ગઢનાં પાયામાં સુરંગ ખોદાવી હતી, તેમા હમીરજીએ પાણી રેડાવીને નકામી બનાવી દીધી હતી. આમ યુધ્ધને લગાતાર નવ દિવસ પુરા થઇ ગયા હતા.
હમીરજી પાસે હવે તો અમુક ચુનંદા શુરવીરો જ બચ્યા હતા. સવારના પહોરમાં સુરજનારાયણ આકાશમાં રમવા નીકળે એટલે તરત ગઢ ખુલ્લો મુકી દેવો અને કેસરિયા કરી લેવા તેવું નક્કી થયું. સોમનાથની ધરતીમાં હર હર મહાદેવનાં ધોષ ગાજ્યા. આખી રાત કોઈ સુતુ નથી, સોમનાથના મંદીરમાં મોતને મીઠું કરવા માટે અબીલ ગુલાલ ઊડી રહ્યો છે. મરણિયા વીરોએ શંકરદાદાને પણ તે રાતે સુવા ન દીધા. પરોઢીયે નહાઇ ધોઇને હમીરજીએ મહાદેવની પુજા કરી. જેવા સુરજનારાયણનું આગમન થયું કે, ગઢના દરવાજા ખુલ્યાને હમીરજી અને સાથી યોધ્ધાઓ ઝફરખાનની ફોજ માથે ત્રાટકયા. આમ અચાનક વહેલા આક્રમણથી ઝફરખાન હેબતાઇ ગયો એન સેન્યને સાબદુ કરીને યુધ્ધ શરૂ કર્યુ. સાંજ પડતા જ દુશ્મનોના સૈન્યને અડધા ગાઉ જેટલું પાછું ઠેલવી દીધુ અને તે દિવસનું યુધ્ધ બંધ થયું. હમીરજીની સેનામાં લગભગ દોઢસોથી બસ્સો જ સાથીઓ બચ્યા છે.

હમીરજીએ સવારનું યુધ્ધ સોમનાથના સાનિધ્યમાં લડવાનું  નક્કી કર્યુ. સવાર પડતાજ ઝફરખાને સામેથી હુમલો કર્યો કારણકે તે વધારે સમય લેવા માંગતો ન હતો. જ્યારે હમીરજી અને સાથીઓએ શિવલીંગને જળથી સ્નાન કરાવીને એકબીજાને છેલ્લા જુહાર કરી અને રણમેદાનમાં ઉતર્યા. સાંજ પડતા યુધ્ધમાં હમીરજીનું આખું શરીર વેતરાઇને લીરા જેવું થઈ ગયુ છે, તેમની માથે એક સામટી દશ તલવાર પડી છતા પણ દુશ્મનોને મચક આપતા નથી. શિવલીંગનું રક્ષણ કરનાર એ યોધ્ધો ઢળી પડયો. આમ, આ યુધ્ધમાં સાંજ પડી, હમીરજી પડ્યા અને સોમનાથ જીત્યું.

સોમનાથ

સોમનાથનું દેવળ સુબાના સૈનિકોના હાથે લુંટાઇને તુટી રહ્યુ હતુ. હમીરજી ગોહિલ ઇતિહાસનુ અદભુત પાત્ર છે. ઇતિહાસે હમીરજી ગોહિલની નોંધ એટલા માટે લેવી પડે છે જે જ્યારે સૌરાષ્ટ્રની રાજપુતી રોળાઈ રહી હતી ત્યારે પોતાના મુઠ્ઠીભર ભેરૂબંધો સાથે સુબા ઝફરખાનની જંગી ફોજ સામે સોમનાથનું રક્ષણ કરવા ચડ્યા હતા. સોમનાથ મંદીરની બહાર વેગડાજીની અને મંદીરના મેદાનમાં બરોબર શિવલીંગની સામેજ હમીરજી ગોહિલની દેરીઓ આવેલી છે. આવા પ્રતાપી વ્યક્તિત્વની યાદ અને શૌર્યનો ઉજળો ઇતિહાસ આલેખતો તેમનો પાળીયો આજે પણ સોમનાથમાં પુજાય છે. ધર્મની રક્ષા કાજે જીવનું બલિદાન આપનારા આવા શૂરવિરોને કોટિ કોટિ વંદન…

જય સોમનાથ… 

સંકલન: #TeamAapduJunagadh   

Also Read : વિના મૂલ્યે 60 લીટરના ડસ્ટબીન આપવામાં આવ્યા