વરસાદી ઋતુ જામી છે. ચોતરફ વનરાજી ખીલી ઉઠી છે. પશુ-પંખીઓ, જીવજંતુઓ અને ગરમીથી અકળાઈ ગયેલાં લોકોમાં ઠંડકના શ્વાસ ઘૂંટાયા છે. વરસાદ આવે એટલે સૌ કોઈ એનાં પ્રેમમાં પડી જાય, ભીંજાય, પલળે અને નાચી ઉઠે! વરસતાં વરસાદમાં અબાલ-વૃદ્ધ સૌ કોઈને આ પંક્તિ તો યાદ આવ્યાં વગર રહે જ નહીં,”આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ..”
પંક્તિની વાત આવી તો, ગુજરાતી ભાષા સાહિત્યમાં લોક મુખે અને કવિઓની કલમે અનેક વરસાદી રચનાઓ આલેખાય છે. જેમાં ક્યાંક વરસાદને ધોધમાર કહ્યો છે, તો ક્યાંક ઝીણો ઝરમર વરસતો મેઘ! ક્યાંક તોફાની તો ક્યાંક મુશળધાર! વરસાદના આવા અનેક પ્રકારોના નામ વાંચીને હરકોઈને એવી આતુરતા થાય કે, એ ઝરમર અને મુશળધાર વરસાદ કેવો હશે! ત્યારે આવો આપણે જાણીએ ગુજરાતી સાહિત્યમાં આલેખાયેલાં વરસાદના બાર પ્રકારો વિશે…
01. ફરફર:
એવો વરસાદ કે, જેનાથી ફક્ત હાથ-પગના રૂંવાળા ભીના થાય તેવો નજીવો વરસાદ! જે આવે એટલે સામાન્ય રીતે લોકો એમ કહે કે, મેહ આવ્યો પણ ડોકિયું કરીને ચાલ્યો ગયો! જેને ઝરમર પણ કહી શકાય…
02. છાંટા:
ફરફર કે ઝરમર વરસાદથી સહેજ વધુ વરસાદ, જે આપણે રોજિંદા જીવનમાં બોલીએ જ છીએ કે,”છાંટા આવ્યા!” જેનાથી માત્ર ઘરની અગાસી અને નગરના રસ્તા ભીના થાય…
03. ફોરા:
છાંટાથી થોડા મોટાં ટીપાંવાળો વરસાદ! જે શરીર પર પડે એટલે અનુભવ પણ થાય અને વાગે’ય ખરાં…
04. કરા:
નાના-નાના બરફના ટુકડાનો વરસાદ, જેનો અનુભવ ગુજરાતમાં તો ભાગ્યે જ ક્યારેક થાય છે!
05. પછેડીવા:
પછેડીવા એટલે હળવો વરસાદ, જેનાથી રક્ષણ મેળવવા પછેડી જેવું કપડું શરીર આડું કરી દેવામાં આવે તો સહેલાઈથી બચી શકાય.
06. નેવાધાર:
ઘર માથે રહેલાં છાપરા કે નેવામાંથી પાણીની ધારે વહે તેવો વરસાદ. જ્યારે વરસાદ પડે ત્યારે ઘરના છાપરાં પરથી પાણી નીચે પડે તેને નેવાધાર વરસાદ કહે છે.
07. મોલ મેહ:
મોલ એટલે ખેતરમાં ઉગતો પાક, પાક પૂરતો વરસાદ પડે, જેના લીધે ખેતરમાં પાકને પાણી મળી રહે તેવા વરસાદને મોલ મેહ કહે છે, જેનું મહત્વ ખેડૂતોમાં ખુબજ હોય છે.
08. અનરાધાર:
એવો વરસાદ કે, જેના એક છાંટાને બીજો છાંટો અડે અને ધારની માફક પાણી વરસે એવાં સતત વરસતાં વરસાદને અનરાધાર વરસાદ કહે છે.
09. મુશળધાર:
અનરાધારથી વધુ હોય એવો વરસાદ, જેને સાંબેલાધાર વરસાદ પણ કહે છે.
10. ઢેફાભાંગ:
એવો તીવ્રતા ભર્યો વરસાદ કે જેના આવવાથી ખેતરમાં રહેલ માટીના ઢેફા ભાંગી જાય…
11. પાણ મેહ:
જે વરસાદના પાણીથી ખેતરો ભરાઈ જાય અને કુવાના પાણી ઉપર આવી જાય એવો વરસાદ! આવો વરસાદ ખેતરના પાક માટે નુકસાનકારક નીવડે છે.
12. હેલી:
ઉપર દર્શાવેલાં વરસાદ પૈકીના કોઈપણ વરસાદ સતત એક અઠવાડિયું ચાલે તો તેને હેલી તરીકે ઓળખવામાં આવે છે.
તો હવેથી વરસાદના આ વિવિધ પ્રકારો યાદ રાખજો અને વરસાદની જેમ સદાયને માટે વરસતા અને હસતાં રહેજો…
#TeamAapduJunagadh
Also Read : To improve public relations