Mango : કેરી ભારતનું અતિ પ્રાચીન ફળ છે અને તે રાષ્ટ્રીય ફળ તરીકે પણ જાણીતું છે. આંબાનું મૂળ વતન ઉત્તર પૂર્વ ભારત અને ઉત્તર બર્માના હિમાલયના પહાડી પ્રદેશો મનાય છે. આંબાની ખેતી હેઠળનો વિસ્તાર, કેરીનું ઉત્પાદન અને તેનું પોષણ મૂલ્ય તથા લોક ભોગ્યતાની દ્રષ્ટિએ તે વિશ્વમાં બિનહરિફ છે. તેથી કેરીને ફળોના રાજાનું બિરૂદ આપવામાં આવ્યું છે.
કેરીની વિવિધ બનાવટોનું ઉત્પાદન અને નિકાસમાં ભારત અગ્રસ્થાને છે. ભારતમાંથી અને ખાસ કરીને ગુજરાતમાંથી આફુસ અને કેસર અને ઉત્તર ભારતમાંથી દશેરી અને ચૌસા જાતની કેરીની પરદેશમાં નિકાસ કરવામાં આવે છે. ગુજરાતમાં આંબાનું સૌથી વધુ વાવેતર વલસાડ જીલ્લામાં અને ત્યારબાદ બીજે ક્રમે જુનાગઢ જીલ્લો આવે છે. આંબા ઉગાડનારા અન્ય મહત્વના જીલ્લાઓમાં સુરત, ભાવનગર,અમરેલી,ખેડા,અને ભરૂચનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતની વલસાડી આફુસ, મધ્ય ગુજરાતની રાજાપુરી અને લંગડો અને સૌરાષ્ટ્રની કેસર કેરી ખુબજ જાણીતી જાતો છે, ત્યારે આવો આ કેરીની જાતોને વધુ નજીકથી જાણીએ…
કેસર:
ફળ મધ્યમથી મોટા કદનું, લાંબુ અને નીચેથી અણીવાળું હોય છે. કાચું ફળ લીલા રંગનું અને પાકું ફળ પીળાશ પડતું લીલું હોય છે. ફળનો માવો–રસ કેસરી રંગનો અને સ્વાદમાં મધુર, ગોટલી પાતળી અને લાંબી હોય છે. આ કેરી આફૂસ પછીનું સ્થાન ધરાવે છે.
આફૂસ:
ફળ મધ્યમ કદનું લંબગોળ હોય છે. કાચું ફળ લીલું અને પાકું ફળ પીળા રંગનું હોય છે. પાકા ફળનો માવો પીળો અને સ્વાદમાં મધુર,ગોટલી નાની અને રેસા વગરની હોય છે. ફળની ટકાઉશકિત ઘણી સારી હોય છે. આ એક ઉતમ જાત હોવાથી દેશ-પરદેશમાં વધુ માંગ છે.
લંગડો:
ફળ મધ્યમ કદનું શંકુ આકારનું હોય છે, ફળ પાકે ત્યારે પણ લીલા રંગનું રહે છે અને માવાનો રંગ કેસરી તથા સ્વાદમાં ખૂબજ મીઠો હોય છે. ગોટલી નાની, પાતળી અને રેસા વગરની હોય છે. એક માન્યતા મુજબ આ કેરીને બનારસના એક લંગડા પૂજારી દ્વારા ઉછેરવામાં આવી હોવાથી તેનું નામ “લંગડો” પડ્યું, એવું કહેવાય છે.
જમાદાર:
ફળ મધ્યમથી મોટા કદનું, કાચું ફળ લીલા રંગનું અને પાકે ત્યારે આછા પીળાશ પડતા રંગનું થાય છે, માવાનો રંગ પીળો અને સ્વાદમાં થોડો ખટમધુર હોય છે, ગોટલી ચપટી હોય છે. મહુવા અને માધવપુરમાં આ કેરીનો પાક જોવા મળે છે.
રાજાપુરી:
ફળ ખૂબજ મોટા કદનું અને લંબગોળ હોય છે. પાકા ફળનો રંગ પીળાશ પડતો લીલો, જ્યારે માવાનો રંગ કેસરી અને સ્વાદમાં ખટમધુરો હોય છે. ગોટલી નાની હોય છે. અથાણા બનાવવા માટે આ કેરીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.
તોતાપુરી:
ફળ મધ્યમથી મોટા કદનું અને બન્ને બાજુ અણીવાળું હોય છે. પાકા ફળના માવાનો રંગ પીળો અને સ્વાદમાં ઓછો મધુર હોય છે. ગોટલી લાંબી અને પાતળી હોય છે. આ નિયમિત ફળની જાત છે. અથાણા અને મુરબ્બા માટે પ્રચલિત જાત છે.
દશેરી:
હાલ ગુજરાતના કેટલાક વિસ્તારમાં થોડા પ્રમાણમાં વવાય છે. ઝાડ નાનાથી મધ્યમ કદના, છત્રી આકારના અને ઓછા જુસ્સાદાર હોય છે. ઉતર ભારતની આ મુખ્ય વ્યાપારી ધોરણે ખેતી થતી જાત છે. ફળવામાં નિયમિત અને લંબગોળ, અંડાકારના અંદાજે 150 ગ્રામ વજનના ફળ ધારણ કરે છે. ફળ કઠણ, રેસા વગરનું અને ખુબજ મીઠું હોય છે.
અમૃતાંગ:
આણંદ ખાતેથી શોધાયેલી જાત છે. ફળો મધ્યમ કદના, માવો સ્વાદમાં અતિ સારો તથા કાપીને ખાવા માટેની ઉતમ જાત છે.
કેરીની બીજી સંકરણ જાતો પણ છે, જેવી કે નીલ્ફાન્સો, નિલેશાન ગુજરાત, નિલેશ્વરી વગેરે મુખ્ય છે. ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા નવી દિલ્હી તરફથી મલ્લિકા અને આમ્રપાલી એમ બે જાતો બહાર પાડવામાં આવેલી છે.
સંદર્ભ: વિકાસપીડિયા
અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.
Email Id: aapdujunagadh@gmail.com
Also Read : Mission Shakti : મિશન શક્તિનું થયું સફળ પરીક્ષણ, જાણો શું છે સંપૂર્ણ વિગતો…