Somnath Silyansh : બાર જ્યોતિર્લિંગોમાંનું એક મહત્વનું અને પ્રથમ જ્યોતિર્લીંગ કહેવાતું સોમનાથ મહાદેવનું મંદિર ભાવિકોમાં અનેરી આસ્થાનું પ્રતિક છે. સોમનાથ મહાદેવનો ઉલ્લેખ વેદ અને પૂરાણોમાં પણ જોવા મળે છે. ચંદ્રદેવએ પોતાને મળેલા શ્રાપના નિવારણ માટે દેવાધિ દેવ મહાદેવની ભક્તિ કરી. ત્યારે મહાદેવજી પ્રસન્ન થઈને ચંદ્રને મળેલા શ્રાપણું નિવારણ કર્યું અને પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથ મહાદેવ સ્વરૂપે બીરાજીત થયા. કાલ કાલાંતરે આ સોમનાથ મહાદેવના મંદિરનું નિર્માણ અને ખંડન થતું આવ્યું છે. ત્યારે આવો જાણીએ સોમનાથ મહાદેવ મંદિર સાથે જોડાયેલો ઈતિહાસ…
સોમનાથ મહાદેવના મંદિર પાસે જ બસ સ્ટેશન આવેલું છે, ત્યાંથી થોડે દુર રાણી અહલ્યાબાઈનું સ્થાપેલ સોમનાથનું જૂનું શિવ મંદિર આવેલ છે. મોગલોના પતન પછી મરાઠા સરદાર ધનાજી જાદવે સૌરાષ્ટ્ર સર કર્યું. ત્યારે ઇંદોરના હોલકર મહારાણી અહલ્યાબાઈએ પુરાણા ખંડિત શિવમંદિરથી થોડે દુર સોમનાથનું આ શિવમંદિર ઈ.સ. 1783 માં બંધાવ્યું હતું. નીચે ભૂગર્ભમાં ભવ્ય શિવલીંગ સહ ઉમાની કાળા પાષાણની મૂર્તિના દર્શન અને પૂજન કરવાનો બંને લાભ યાત્રિક પોતાના હાથે જ લઈ શકે છે.
સોમનાથના મંદિરો હજારો વર્ષમાં વારંવાર બન્યા છે. રાજા રાવણે રજતનું મંદિર બનાવ્યું, રાજસૂય યજ્ઞ પછી સમ્રાટ યુધિષ્ઠિરે સુગંધી ચંદન કાષ્ટનું વિશાળ શિવમંદિર બનાવ્યું, કાલાંતરે અનેક સમ્રાટો, મહારાજ ભોજ, રાજા ભીમે, રાજા મહીપાલે શિવમંદિર બનાવ્યા. જ્યારે મહંમદ ગજની, અલાઉદ્દીન ખીલજી, મહંમદ બેગડો, મોગલ શાહ ઔરંગઝેબે ધર્મની હાનિ કરવા તથા રત્નો અને સંપત્તિયુક્ત મંદિરો લૂંટવા તેનો નાશ કર્યો હતો. સમયાંતરે ભારતીય સંસ્કૃતિએ ભગવાન શંકરના આ સનાતન જ્યોતિર્લીગની અહીં ફરી સ્થાપના કર્યા જ કરી છે.
સમયના અનેક વહેણ વહી ગયા પછી દેશ આઝાદ થયો, ત્યારે ઈ.સ. 1949માં ભારતના “લોખંડી પુરૂષ” સરદાર વલ્લભભાઈએ સમુદ્રનું જલ હાથમાં લઈ સોમનાથના ખંડિત થયેલા શિવમંદિરની જગ્યાએ નવું સોમનાથ મંદિર તૈયાર કરવાનું નક્કી કર્યું. શિવજીના મહામેરૂપ્રસાદ મંદિરનું શિલારોપણ તા.08-05-1950 ના રોજ થયું. ત્યારબાદ વર્ષ 1951ને વિક્રમ સંવત 2007માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદજીએ ભગવાન સોમનાથની પ્રતિષ્ઠા વિધિ કરી છે.
છેલ્લા હજારો વર્ષથી આ તેજ બ્રહ્મશિલા તેમની તેમજ છે, જ્યાં આજે જ્યોતિર્લીગ સોમનાથ નવા બંધાયેલ “મહામેરૂ પ્રસાદ” મંદિરમાં પ્રકાશી રહ્યું છે. સોમનાથ મંદિરની પુન:પ્રતિષ્ઠા ઈ.સ. 2000માં 50 વર્ષ પૂર્ણ થતા મંદિરનો સુવર્ણ મહોત્સવ થયો હતો. સોમનાથ મહાદેવની આરતી સવારે 7.00 વાગ્યે, બપોરે 12.00 વાગ્યે અને સાંજે સૂર્યાસ્ત સમયે થાય છે. સવારના 6 થી રાત્રીના 9 વાગ્યા સુધી મહાદેવના દર્શન થઈ શકે છે.
સોમનાથ મંદિર માટે પ્રાણ આપનાર હમીરજીનો પાળીયો અને કરૂંદીગણેશ તથા હનુમાનજીના સ્થાનકો મંદિરના ચોગાનમાં ઉપસ્થિત છે. પ્રાચિન ગ્રંથો અને ઈતિહાસના આધારે “શ્રી દિગ્વીજય દ્વાર” નવાનગરના રાજમાતાએ તૈયાર કરાવ્યું છે. દ્વાર સામે જ સરદારની પ્રતિમા શોભી રહી છે. બાજુમાં જ રાજ્ય સરકાર સંચાલિત મ્યુઝીયમ છે, જેમાં પુરાણા સોમનાથ મંદિરના પથ્થરના શિલ્પો-શિલાલેખોની વિશાળ શ્રેણી પ્રદર્શિત છે.
જય સોમનાથ…
અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.
Email Id: aapdujunagadh@gmail.com
Also read : Khodiyar Temple : ખામધ્રોળમાં ખમકારા કરતી : માઁ ખોડિયાર