Sherdi no ras Summer Drink : આમ તો “શેરડીની ઋતુ” દેવદિવાળીથી શરૂ થાય, પણ ધીમે ધીમે આખાંય શહેરમાં ઠેર ઠેર શેરડીઓનું આગમન થતા જોઈને લાગે કે બાપ હવે ઉનાળો આવ્યો ખરો…! શેરડીના રસને “ઉનાળાનું અમૃત પીણું” કહીએ તો કંઈ ખોટું નથી…
કાળઝાળ ગરમીમાં ભર તડકે શેરડીના રસનો એક ધૂંટ ય આપણને એનર્જી બુસ્ટર લાગે, આકરા તાપ સામે લડવા નાના બાળકોથી લઈને મોટાં સુધી બધાનું પૂરતું રક્ષણ કરે શેરડીનો રસ! આમ તો વરિયાળીનું સરબત, ગોળ લીંબુનું સરબત, તખમરીયાનું સરબત, કાળી દ્રાક્ષનું સરબત જેવા અનેક સરબતો ઉનાળામાં આપણે પીતાં જ હોઈએ, પણ શેરડીના રસની મજા જ કંઈક અલગ છે…
બદલતાં જમાનાની સાથે સાથે શેરડીના રસમાં પણ વેરાયઈટી જોવા મળે છે. અમુક જગ્યાએ આજકાલ, આદું, ફુદીનો, પાઈનેપલ જેવા વિવિધ સ્વાદ વાળા શેરડીના રસ પણ મળે છે. વાત લીંબુ, મસાલાથી ભરપૂર શેરડીના રસની હોય કે હોય વાત ફક્ત ચિલ્ડ શેરડીના રસની, એ ગમે તે હોય શેરડીના રસને આપણે ના ન કહી શકીએ ભ’ઈ! લોકોની પસંદગીને ધ્યાનમાં રાખી વેપારીઓ પણ ઘણાં ખરાં વેરીએશન્સ કરતાં હોય છે સ્વાદમાં…
સાહેબ, આ ઋતુની મજા જ કંઈક ઓર છે! એક તરફ થોકબંધ કેરીઓ અને બીજી બાજુ સરબતો, આઈસ્ક્રીમ, મનભાવન ગોલા, ને શેરડીનો રસ…! ઉનાળો સો ટકા ફૂડીઝ’ પ્રિય ઋતુ છે બોસ, રોજ અવનવાં વ્યંજનો આરોગવા મળે…
અને એમાંય ફ્રેન્ડ્સ જોડે રસ પીવા ગયાં હોય, ને એકથી વધુ ગ્લાસ રસ ન પીધો હોય એવું ભાગ્યે જ બને! ” હાલ ને યાર, હજી એક ગ્લાસ રસ પી લઈએ…”, બસ આવું આપણામાંથી કોઈ એક બોલે એટલે વધુ એક ગ્લાસ રસ પીવા બધા રેડી બીજું શું…!
સ્વાસ્થ્ય રીતે ય શેરડીનો રસ ઘણો ફાયદાકારક છે. શરીરમાં રહેલી ગરમી તો દૂર થાય જ છે, એ ઉપરાંત શેરડીનો રસ પીવાથી પાચન ક્રિયા પણ સારી રહે છે તેમજ ચામડી સંબંધિત ફરિયાદો પણ દૂર થાય છે. ઘણાં લોકો શેરડીના રસના મોકટેઈલ્સ પણ પ્રિફર કરતાં હોય છે, વિવિધ ફ્લેવર્સ એડ કરી રિફ્રેશીંગ ડ્રિન્ક રૂપે પસંદ કરતાં હોય છે. કે…ટલાં વેરીએશન બોસ…!
આ “સ્ટ્રો” થી શેરડીનો રસ પીએ એટલે એને શેરડીનો રસ જ કહેવાનો કે પછી “સુગરકેન જ્યુસ” એ પાછું વિચારવું પડે…! ગમે તે કહો પણ શેરડીના રસને એમ જ પીવાથી સ્વાદ જ કંઈક અલગ લાગે… આમ મોજે મોજ પડે!!!
શેરડીનો રસ, ઉનાળાનો એક એવો હિસ્સો છે જેના વગર ઉનાળો ‘ઉનાળો’ ન લાગે…!
Morvee Raval
#teamaapdujunagadh
Also Read : Peas Vada : વડાનું આ નવું નજરાણું ક્યારેય નહીં ચાખ્યું હોય! જુઓ આ રહી એની રેસીપી…