કોરોનાના કારણે વિશ્વના ઘણાખરા ક્ષેત્રોમાં નોંધપાત્ર અસર વર્તાઇ છે. અનેક ક્ષેત્રોમાં કામકાજ ઠપ્પ થઈ ગયા છે અને જે અમુક સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી છે, તેમાં પણ નવા અભિગમો અપનાવવામાં આવ્યા છે. નવી પ્રણાલીઓ સાથે શરૂ કરાયેલ નવા વ્યાપાર અને સેવા ક્ષેત્રોમાં ઘણા ફાયદા છે, તો ઘણી નુકશાની પણ છે. આવું જ એક ક્ષેત્ર એટલે સમાજના પાયારૂપી શિક્ષણનું ક્ષેત્ર. અહી, શિક્ષણ ક્ષેત્રે અપનાવેલા નવા અભિગમ “ઓનલાઇન શિક્ષણ” વિષે થોડી મહત્વની ચર્ચા કરવી છે.
આપણે જાણીએ છીએ કે ભારતમાં કોરોનાના શરૂઆતી સમયગાળા દરમિયાન અમુક મુખ્ય બોર્ડની પરીક્ષાઓ ચાલુ હતી અને તેના સિવાયના અન્ય અભ્યાસોને બંધ કરીને તમામ શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી હતી અને ઘણા વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન સાથે પાસ કરી દેવામાં આવ્યા હતા, ત્યારે સવાલ એ થાય કે આવી જ રીતે શિક્ષણને અટકાવી રાખવું યોગ્ય છે? આ સવાલના જવાબ માટે આજે મહત્તમ શાળા-કોલેજોએ ઓનલાઈન શિક્ષણનો અભિગમ અપનાવ્યો છે. ઓનલાઇન શિક્ષણ સાથે જ દરેક વાલીઓના મનમાં અનેક સવાલો ઊભા થયા છે. જેમાના અમુક મુખ્ય સવાલો અહી તમારી સમક્ષ રાખવા છે.
1.) બાળકો અભ્યાસ સાથે સાથે ગેમ અને અન્ય પ્રવૃતિઓમાં ડાઇવર્ટ થઈ જાય છે:
તાજેતરમાં જ એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે, જેમાં જણાઈ આવે છે કે, બાળકો ઓનલાઈન અભ્યાસ કરતાં કરતાં મોબાઇલમા ગેમ કે યુ-ટ્યૂબમાં વિડીયો જોવા જેવી પ્રવૃતિઓ કરવા માંડે છે. બાળકોના આવા વર્તનથી જો વાલી ઠપકો આપે, તો સહજ છે કે, વાલી અને બાળકો વચ્ચે ઘર્ષણ અને અંતર ઊભું થાય છે. જે માનસિક રીતે ખૂબ ગંભીર અસર કરે છે.
2.) ઇન્ટરનેટમાં કોઈ પ્રશ્ન સર્જાય તો અભ્યાસમાં ખલેલ પહોચે છે:
દરેક જગ્યાએ એક સરખી માત્રામાં કે સારી ગતિથી ઇન્ટરનેટની સેવા ઉપલબ્ધ નથી હોતી, જેથી ઘણી વાર શિક્ષકોનું ભણવવાનું ચાલુ જ રહે છે, પરંતુ ઇન્ટરનેટ બંધ થઈ જતાં બાળકો માટે એટલા સમયનો અભ્યાસ વ્યર્થ થઈ જાય છે. જો વર્ગખંડ હોય તો વિદ્યાર્થી પોતાની મૂંઝવણ નિવારવા માટે સવાલ-જવાબ કરી શકે, પરંતુ ઓનલાઈન ક્લાસમાં આવું થઈ શકતું નથી.
3.) ઘરમાં બાળકોના પ્રમાણમા ફોનની સંખ્યા ઓછી હોય:
સામાન્ય પરિવારમાં કોઈ એક વ્યક્તિ પાસે સ્માર્ટફોન હોય છે અને શક્ય છે કે, ભણવા વાળા બાળકોની સંખ્યા વધુ હોય, ત્યારે આ પ્રશ્ન ઉદભવે છે. દરેક બાળક માટે અલગ અલગ મોબાઈલ ફોન લેવાથી આર્થિક સ્થિતિ પર પણ ખૂબ અસર પહોચે છે.
4.) બાળમાનસ પર ટેક્નોલોજીની વિપરીત અસર થઈ શકે છે:
નાની ઉમરથી જ જો બાળકોને આટલો સમય સુધી ફોન સામે બેસાડી રાખવામા આવે, તો મનોવૈજ્ઞાનિક રીતે તેની ખરાબ અસર પહોચે છે. બાળકોને સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ પણ સાહજિક લાગવા માંડે છે. જેથી તે ટેક્નોલોજીની મોહજાળમાં ફસાઈને તેને સમર્પિત થઈ શકે છે. મોટી ઉમરમાં પણ તે ટેકનૉલોજિની આદત છોડી શકે નહિ.
આવા ગંભીર સવાલો સાથે બીજા ઘણા નાના મોટા સવાલો પણ હાલ સમાજમાં ઉત્પન થયા છે. જેમાં બાળકોને ભણતા ભણતા નીંદર આવવી, આખોમાં નંબર આવી જવા વગેરે વગેરે. જો કે જેમ ઓનલાઈન શિક્ષણથી અમુક ગેરફાયદાઓ અને મુંજવણો છે, તેમ થોડાક ફાયદાઓ પણ છે. જેમ કે, કોરોનાથી બચીને ઘરે રહીને અભ્યાસ મેળવવો, સ્વસ્થ્ય જળવાઈ રહે વગેરે વગેરે, પરંતુ આ ફાયદાઓ કરતાં અન્ય નુકશાન વધુ જોવા મળે છે. જેથી હાલ મોટાભાગના વાલીઓ ઓનલાઈન એજ્યુકેશનને માન્ય ગણતા નથી.
Also Read : Clean Junagadh | Aapdu Junagadh