શહેરની મધ્યમાં આવેલું બ્યુટીફુલ સ્ટ્રેસ રિલિવર સ્પોટ: નરસિંહ તળાવ

મોટાભાગે જ્યારે કોઈ સ્થળ વિશે વાત કરવાની હોય, તો વાતની શરૂઆત તેના ઐતિહાસિક મૂળ દ્વારા કે તેના ઈતિહાસના સંદર્ભમાં થતી હોય, કારણ કે જે તે સ્થળ વર્તમાન સમયમાં ઈતિહાસનું હૂબહૂ પ્રતિબિંબ બની, ઇતિહાસની ઝાંખી કરાવતું હોય છે. દરેક સ્થળ સાથે કોઈને કોઈ રસપ્રદ ઐતિહાસિક બાબતો તો ચોક્કસપણે જોડાયેલી જ હશે, પરંતુ એ દરેક સ્થળ સાથે આપણે કનેક્ટેડ મહેસુસ કરીએ જ, એમ ન પણ બને જે સ્વાભાવિક વાત છે. આજે વાત એક એવા સ્થળ વિશે કરવા જઈ રહ્યા છીએ, જેને જોતાં જ એક પોતાનાપણું લાગે, કઇંક તો કનેક્શન ચોક્કસ છે તેવું લાગે! હા, તો આજે વાત એક એવા જ  સ્થળ વિશે કરીશું, એ સ્થળ છે આપણા શહેરના મધ્યે આવેલું “નરસિંહ તળાવ”…

નરસિંહ તળાવ એ જૂનાગઢનું એક એવું વિઝિટિંગ સ્પોટ છે, જેની સાથે આપણે સૌ કોઈ ન કોઈ રીતે જોડાયેલા છીએ. નરસિંહ તળાવ એ એક એવું સ્થળ છે, જેની સુંદરતા બારેમાસ અકબંધ છે એમ કહીએ તો કઈ ખોટું નથી. દરેક ઋતુમાં આપણને તેનું એક અલગ જ રૂપ નિહાળવાનો અવસર મળે છે. ઉનાળો પતવાને આરે હોય ને, આકરા તાપથી ત્રાહિમામ મેહુલિયાની રાહ જોતું તળાવ’ય મને એટલું જ સુંદર લાગે છે, જેટલું સુંદર એ દર ચોમાસે છલોછલ નીર આવ્યા હોય ત્યારે લાગે છે.

તળાવ એ ફક્ત કોઈ સ્થળ નથી, તળાવ એ એક લાગણી છે. કોઈવાર મિત્રોને મળવાનું બહાનું બન્યું છે તળાવ, તો વળી કોઈવાર રોજીંદી એકસરખી લાઈફથી બ્રેક લેવાનો એક સઘળો મૌકો બન્યું છે તળાવ…!

“મારે તળાવે તો રોજ દિવાળી,

આથી વિશેષ વળી શું હોય જાહોજલાલી…”

ચારેકોર લાઈટોથી સજ્જ તળાવ રોજ રાતે જાણે અવનવી રંગોળીઓ ચીતરતું હોય, એ દ્રશ્ય જોઈ રોજ દિવાળી જ હોય એવું લાગે, સાચું ને? દિવસ ભલે ગમે તેવો વિત્યો હોય, પણ સાંજ પડ્યે તળાવની પાળે બેસી તળાવને નિહાળતા જ જાણે ક્ષણમાં જ બધો સ્ટ્રેસ છૂ-મંતર થઈ જતો હોય, એમ લાગે..!

તળાવની સુંદરતા જાળવી રાખવા તેની નિયમિત સાર સંભાળ તેમજ તેની આસપાસ પણ સ્વચ્છતાનું પૂરતું ધ્યાન રાખવું જરૂરી છે. નરસિંહ તળાવ સાંભળતા જ તમને સૌથી પહેલા શું યાદ આવે? જણાવો અહી કોમેન્ટ બોક્સમાં…

Author: Morvee Raval #TeamAapduJunagadh