નરેન્દ્ર મોદી ની બાયોપિક જોઈને દર્શકોએ લગાડ્યા વંદે માતરમના નારા, સિનેમાઘર થયું હાઉસફૂલ.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી : દેશભક્ત નરેન્દ્ર મોદીની જીવનયાત્રા પરથી બનાવેલી પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થતાની સાથે જ જિજ્ઞાસુ પ્રેક્ષકોથી સિનેમાના તમામ શો હાઉસફૂલ જોવા મળ્યા હતા. જૂનાગઢમાં સુરજ સિનેપ્લેક્સમાં ગઈકાલે સવારે 10 વાગ્યે, 1 વાગ્યે, 4 વાગ્યે અને રાત્રીના 10 વાગ્યાના શોમાં નરેન્દ્ર મોદી જોવા પ્રેક્ષકો ઉમટી પડ્યા હતા.

નરેન્દ્ર મોદી

સિનેમા મેનેજરના જણાવ્યા મુજબ, એડવાન્સ બુકિંગ પણ જબરું થયું છે. ફિલ્મમાં અમુક ડાયલોગ વખતે દર્શકો એટલા બધા અભિભૂત થયા હતા, કે જ્યારે કાશ્મીરના લાલચોકમાં એકતાયાત્રા વખતે નરેન્દ્ર મોદીએ ભારતના ઝંડો લહેરાવ્યો, ત્યારે ભારત માતાકી જય અને વંદે માતરમના નારા સમગ્ર સિનેમાની અંદર ગુંજી ઉઠ્યા હતા.

નરેન્દ્ર મોદીના કિરદારમાં વિવેક ઓબેરોયે જમાવટ કરી છે, તેના હાવભાવ, સંવાદ અને પોતાના પાત્રમાં ઘૂસી જઈ પ્રેક્ષકોના દિલમાં જાણે નરેન્દ્ર મોદી પ્રત્યેનો અહોભાવ જગાડવામાં આ અભિનેતાએ ખુબજ મહેનત કરી છે. નરેન્દ્ર મોદીના માતા હીરાબાના કિરદારમાં જાણીતી અભિનેત્રી ઝરીના વ્હાબે સૌના દિલ જીતી લીધા હતા. નરેન્દ્ર મોદીના ભાઈના પાત્રમાં નરેશ પ્રજાપતિ, બાળ નરેન્દ્રમાં કરણ પટેલ, અમિત શાહના પાત્રમાં મનોજ જોશી, આર.એસ.એસના ટ્રેનર કે જેમને મોદીને યોગ્ય દિશા આપી એવા લક્ષ્મણરાવ વકીલના કિરદારમાં યતીન કરકરે, મોદીના પિતા દામોદરદાસના પાત્રમાં રાજેન્દ્ર ગુપ્તાએ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવિને ફિલ્મ સફળ બનાવી છે.

નરેન્દ્ર મોદી

વડનગરના રેલવે સ્ટેશનમાં ચા વેચતા પિતા દામોદરદાસને મદદ કરવા બાળ નરેન્દ્ર ફોજી જવાનોને જોઈ રેલવે સ્ટેશનમાં ભારત માતા કી જયના નારા લગાવી, દેશ પ્રત્યે તેમની અનન્ય ભાવવંદના વ્યક્ત કરી છે. તેઓ પણ ફૌજી બનવાના સપનાઓ સેવતા હતા. આ ફિલ્મની સ્ટોરી એકધારી એવી આગળ વધે છે કે, યુવાન નરેન્દ્રના દેશ પ્રત્યેના લગાવ અને વૈરાગ્ય તરફનું પ્રયાણ અને છેલ્લે હિમાલયમાં બે વર્ષ સાધના કર્યા બાદ તેના ગુરુના આદેશથી દેશસેવા માટે જીવન સમર્પિત કરવા સુધીની વાર્તાને આ ફિલ્મમાં કચકડે આબેહૂબ મઢી છે.

નરેન્દ્ર મોદી

ગુજરાતના વિકાસમાં અડચણ રૂપ બનેલાઓનો પણ આ ફિલ્મમાં પર્દાફાશ કરીને ગોધરાકાંડ અને અક્ષર મંદિર પરના આતંકી હુમલા બાદ નરેન્દ્ર મોદીએ 24 કલાક વીજળી, પાણી, રસ્તા, શૌચાલય અને ટાટા કંપનીને 1100 એકર જમીન એક જ મિનિટમાં આપી ગુજરાતને વિશ્વના નકશામાં મૂકી દીધું, આ બધીજ વાત આ ફિલ્મમાં આલેખાઈ છે. ફિલ્મનું ડિરેક્શન ઓમંગ કુમાર, સિનેમેટોગ્રાફી સુનિતા રાડિયા અને ક્રિએટિવ ડાયરેક્ટર અને સ્ટોરીમાં સંદીપ સિંઘ, કાસ્ટીંગ પસંદગીમાં ગુજરાતી કલાકારોની પસંદગી કરનારા મુકેશ છાપરાની મહેનત ખરેખર રંગ લાવી છે.

ફિલ્મમાં ચોટદાર સંવાદો સાથે સ્ક્રીનપ્લે પણ ખૂબ સારો લખાયો છે. કોસ્ચ્યુમ અને મેકઅપમાં કિરદારને અલગ લુક આપનાર મેકઅપમેન સુભાષ શિંદે અને પ્રતિશીલ સિંઘે ખૂબ મહેનત કરી છે. આ ફિલ્મની સ્ટોરીમાં અનિરુદ્ધ ચાવલા, હર્ષ લીમ્બાચીયા, વિવેક ઓબેરોય અને સંદીપ સિંઘે આ ફિલ્મમાં એવી વાતો વણી લીધી છે કે, તે ફિલ્મના અંત સુધી ઓડિયન્સને જકડી રાખે છે.

પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ જોનારા પ્રેક્ષકો જ્યારે સિનેમાની બહાર નીકળ્યા, ત્યારે તેઓએ કહ્યું કે આ ફિલ્મ નહીં, પરંતુ એવી જીવનગાથા છે, જે આપણા દેશને વિશ્વના નકશામાં ટોચના શિખરો પર સ્થાન આપશે. એક દેશપ્રેમી યુવાને તો એવું કહ્યું કે, દેશને વિઘટિત કરનારા એવા પક્ષોએ આ ફિલ્મને ચૂંટણી પહેલા રીલીઝ થવા દીધી હોત તો, કદાચ રાજીવ ગાંધીનો લોકસભા રેકોર્ડ તૂટી જાત!

એક દેશભક્ત એવા નરેન્દ્ર મોદીની જીવનગાથા પર બનેલી આ ફિલ્મ આવતા દિવસોમાં ફિલ્મ જગતના અનેક રેકોર્ડ તોડશે, તેવું જાણવા મળી રહ્યું છે!

Also Read : God Vishnu : જૂનાગઢથી નજીક આ પાવનભૂમિમાં બિરાજમાન છે, ભગવાન વિષ્ણુનું તિરુપતિ સ્વરૂપ