“ટોપલીમાં તેજ લઈ નિકળી પડો,
પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે”
કલાપી પુરસ્કાર : આ શેર વાંચીને આપને અંદાજો તો આવી જ ગયો હશે, કે કયાં ગઝલકાર વિશે આજ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. જી હા! આજે વાત કરીશું ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયા સાહેબની.
આમ તો વ્યક્તિ વિશેષ વાત કરવા માટે કોઈ અવસરની જરૂર નથી, પણ વાત જો એમના જન્મદિવસે થાય અને એમાંય એ વ્યક્તિ આપણા વતનની જ હોય તો વાત કરવાની મજા જ કઈક અલગ છે. હા, તો એવા જ સુંદર સંજોગની આ તકને આવો વધાવી લઈએ…
તા. 6 જુલાઈ 1943ના રોજ જન્મેલા ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયાના 75માં જન્મદિવસે આવો તેમની ગઝલોનો આસ્વાદ માણીએ. તેમણે કાવ્યસર્જનની શરૂઆત વર્ષ 1956-1960 દરમિયાન કરી હતી. ચારેક દાયકા સુધી તેઓ સર્જનજગતમાં સુફળરૂપે સક્રિય રહ્યા.
“આ સપનું તો બરફનો સ્તંભ છે હમણાં જ ઓગળશે,
હું એને ખોડવા બેસું તો વરસો ના વરસ લાગે,
મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસો ના વરસ લાગે…”
અત્યંત સરળ તેમજ સહજ રીતે, વાતચીતના લય-લહેકાથી, તેઓ સૂક્ષ્મ ભાવોની તીર્યક અભિવ્યક્તિ સાથે ગઝલ નામની માળામાં શબ્દોના મોતી પરોવી, ગઝલની સુંદરતા વધારે છે. ગુજરાતી ગઝલની તાસીર બદલવામાં અને ગઝલને એક સ્વાયત્ત કાવ્યસ્વરૂપ તરીકે પ્રતિષ્ઠા અપાવવામાં પ્રયોગશીલ ગઝલકારોમાં મનોજ ખંડેરિયાનો કાવ્યપુરુષાર્થ ધ્યાનાર્હ રહ્યો છે.
સમર્થ ગઝલકાર તરીકે પ્રસ્થાપિત થયેલા મનોજ ખંડેરિયા સાહેબની અનેક રચનાઓમાં તેમનો વતનપ્રેમ ગિરનાર તેમજ ગિરિ તળેટીના સંદર્ભો રૂપે જોવા મળે છે…
“નિત્ય ગિરનાર મ્હોરે આંખોમાં
આ સ્થિતિ કેટલી સુખદ આપી.”
ગિરિ તળેટીના સાંસ્કૃતિક સંદર્ભને સર્જનાત્મક ઉન્મેષ સાથે અનોખો અંદાઝે-બયાં નિખારી આપે છે. આવો જોઈએ તેમની ગઝલ “કોઈ કહેતું નથી” :
“પાછલી રાતની ખટઘડી એ હજી
એ તળેટીને એ દામોદર કુંડ પણ
ઝૂલણા છંદમાં નિત પલળતો
પ્રથમ પહોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી.”
તેમના અનેક શેરોમાં જૂનાગઢ પ્રત્યેની લાગણી વાંચી શકાય છે, અનુભવી શકાય છે:
“તળેટી જતાં એવું લાગ્યા કરે છે,
હજી ક્યાક કરતાલ વાગ્યા કરે છે.”
“તળેટીના રસ્તે શિલાલેખ વાંચું,
સમયના અકળ હાથની રેખ વાંચું.”
“ગીરનો થાક કળે પિંડીમાં,
રગ રગ જૂનાગઢ તૂટે છે.”
જે સુખ, આનંદ અથવા તો ઈશ્વરને મંદિરમાં, શોધવાની કોશિશ કરી હોય, તેમને પોતાની જ અંદર ઈશ્વર મળ્યા હોય તેવું પરમ સત્ય તેઓ સહજરીતે ગઝલના એક શેરમાં વર્ણવે છે.
“જે શોધવામાં આખી જિંદગી પસાર થાય,
ને એ જ હોય પગની તળે એમ પણ બને.”
ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…!!!
Author: Morvee Raval #TeamAapduJunagadh
Also Read : શું તમે ગ્રેજ્યુએટ થઈને વિદેશમાં અભ્યાસ કરવા જવાનું વિચારો છો? તો એકવાર આ જરૂરથી વાંચો…