સિંહ ની વસતી ગણતરીમાં ભૂતકાળમાં ઉપયોગ લેવામાં આવતી રસપ્રદ રીતો

સિંહ વસતિગણતરીની બે રીતો વધારે જાણીતી છે. એક રીત પ્રમાણે સિંહને પ્રત્યક્ષ જોવાથી અને બીજી રીત પ્રમાણે
સિંહના પંજાના નિશાન ઉપરથી. સિંહના પગલાના નિશાને નિશાને શિકારી સિંહની દિશા તરફ જાય છે અને જ્યાં સુધી
સિંહ એને પોતાની નજીક આવવાની રાજા આપે છે, ત્યાં સુધી જાય છે.

બંદૂકમાં કારતૂસ ભરી શિકારી સિંહ પર ‘ફાયર’ કરેછે. આ કારતૂસમાં જીવલેણ ગોળીને બદલે રંગીન પાવડર રાખવામા આવેલો હોય છે. પ્રાણીના શરીર પર અથડાવાથી આ કારતૂસ ફાટે છે અને શરીર પર રંગનું ધાબું પડે છે. આ રીતે રંગના ધાબાવાળા સિંહોને ગણતરીમાં લેવામાં આવે છે.

સિંહ

આ પદ્ધતિમાં કેટલીક ખામીઓ જણાઈ. જેમ કે બંદુકના અવાજથી સિંહ ભડકે છે, વળી બંદૂકનું નિશાન પંદર
ફીટ નજીકથી જ લઈ શકાય છે. આટલું નજીક જવું જોખમકારક ગણાય છે. આ રીત કે પદ્ધતિ આ રીતે અનુકૂળણ
લાગવાથી પડતી મૂકવામાં આવી.

સિંહ

ત્યાર પછી ૧૯૭૯માં, સિંહની વસતિગણતરી વેળાએ ફૂગ્ગાનો ઉપયોગ કરવામાં આવ્યો. નાના નાના ફુગ્ગાઓમાં રંગીન પાણી ભરવામાં આવતું. ફૂગ્ગાને ટાંચણીથી પંકચર કરવામાં આવે અને આવા ભાગને આંગળીથી દબાવી રાખવામાં આવે, ફૂગ્ગાને આંગળીઓ અને અંગૂઠાથી બરાબર પકડવામાં આવે. સિંહની નજીક જઈ શકાય ત્યાં સુધી જઈ ફૂગ્ગાને સિંહ ઉપર ફેંકવામાં આવે. ફૂગ્ગો સિંહના શરીર પર અથડાય અને રંગનો ડાઘ પડી જાય.આ પદ્ધતિ પણ અસરકારક સાબિત ન થઈ. આ રીતમાં ઘણી વખત સિંહ શિકારી પર વિફરી બેસતો.

રંગથી રંગાઈ ગયેલો સિંહ એના પરિવારને આશ્ચર્ય પમાડતા અને એથી એ કુટુંબથી અળગો પડી જતો, વળી આ રીતે તમામ સિંહોને રંગી નાખવા એ અયોગ્ય અને માનવતા વગરનું કૃત્ય જણાયું. આ કારણે આ રીતને પણ તજી દેવામાં આવી અને માત્ર નજરે જોયેલ સિંહને જ ગણતરીમાં લેવાની પદ્ધતિનો ઉપયોગ થયો.

૧૯૮૫ની સિંહ-ગણતરીમાં આ રીત દાખલ કરવામાં આવી. ૧૯૮૫માં સિંહની વસ્તીગણતરી માટે લગભગ ૧૫૦૦ માણસોને કામે લગાડવામાં આવ્યા. ચોવીસ કલાક દરમ્યાન પ્રાણી પાણી પીવા માટે પાણીના સ્થળ પર આવે છે. આવા પાણીના સ્થળો પર, કુદરતી લાગે એવા માંચડા બાંધી એને પાંદડાઓથી ઢાકી દેવામાં આવ્યા અને બે દિવસ સુધી સતત ચોવીસ કલાક વન-અધિકારીઓ અને શિકારીઓ આવા માંચડાઓ પર છુપાઈ રહી પાણી પીવા આવતા સિંહોની નોંધ કરવા લાગ્યા.

તારીખ ૧૨ મી એપ્રિલ ૧૯૩૬ ના રોજ જૂનાગઢ રાજ્યના મુખ્ય વન અધિકારી દ્વારા સિંહની પ્રથમ વસ્તી ગણતરી
કરવામાં આવી હતી. ૧૯૨૦ થી ૧૯૪૩ સુધીના ગીર અને તેની આજુબાજુના વિસ્તારમાં દર વર્ષે લગભગ પંદરેક સિંહનો શિકાર થતો હતો દેશની આઝાદી પછી અને નવાબના પાકિસ્તાન ગમન પછી સિંહ સંવર્ધન પ્રવૃત્તિને માઠી અસર થઇ હતી ભારત સરકાર ની આગેવાની ને કારણે સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ બહાર જતી અટકી ગઈ હતી. ૧૯૪૦ના દાયકામાં ગુજરાત નેચરલ સોસાયટીની સક્રિય કામગીરી અને ધર્મકુમારસિંહજી ના પ્રયત્નોના કારણે ગીરના સિંહની સુરક્ષા અને ગીર અભ્યારણ્યને મજબૂત ટેકો મળ્યો હતો.

આ પછી ૧૪ વર્ષ પછી એટ્લે કે વર્ષ ૧૯૫૦માં બીજી વસ્તીગણતરી યોજાઈ હતી અને પછી દર પાંચ/૬ વર્ષે સિંહ ની
વસ્તી ગણતરી યોજાયેલ છે. જે અનુક્રમે ૧૯૫૫,૧૯૬૩,૧૯૬૮,૧૯૭૪, ૧૯૭૯,૧૯૮૫, ૧૯૯૦,૧૯૯૫, ૨૦૦૧, ૨૦૦૫, ૨૦૧૦, ૨૦૧૫ વર્ષ માં થયેલ છે. આ વર્ષે પણ સિંહ ની વસ્તી ગણતરી થવાની હતી જે ૧૫ મી વસ્તી ગણતરી હોત. ૨૦૨૦ માં થનારી સિંહ ની વસ્તીગણતરી એ ૧૫ મી વસ્તીગણતરી હતી. પરંતુ કોરોના ને કારણે આ વખતે શક્ય બની
ના હતી. શરૂઆત માં વાઘ ની જેમ જ સિંહ ની વસ્તીગણતરી કરવાની ખબર આવી હતી પણ પછી એ પણ સ્થગિત
કરવામાં આવ્યું હતું.

આ વખતે વસ્તી ગણતરી નહીં પણ માત્ર અવલોકન જ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 5 વર્ષ માં સિંહ ની સંખ્યામાં માં
28 % નો વધારો થયેલો છે એવું કહેવામા આવેલું.
સંદર્ભ: ચંદ્રકાંત પટેલ ના “સિંહ દર્શન ”પુસ્તક માંથી
: “ગિરનાર” પુસ્તક માંથી
સંકલન: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh