શું તમે જાણો છો કે, સૌપ્રથમ સિંહ ગણતરી ક્યારે અને કઈ રીતે કરવામાં આવી?

આપણે સૌ જાણીએ છીએ કે, વર્ષ 2020માં ઉનાળાના સમયગાળા દરમિયાન સિંહની વસ્તીગણતરી થવા જઈ રહી છે. છેલ્લે વર્ષ 2015માં સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. 2020માં થનારી સિંહની વસ્તી ગણતરી એ 15મી વસ્તીગણતરી હશે, પરંતુ શું તમે જાણો છો કે, સૌપ્રથમ સિંહની વસ્તી ગણતરી ક્યારે અને કઈ રીતે કરવામાં આવી હતી?તારીખ 12મી એપ્રિલ, 1936ના રોજ જૂનાગઢ રાજ્યના મુખ્ય વન અધિકારી દ્વારા સિંહની પ્રથમ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. સિંહ દિવસમાં એકવાર તો પાણી પીવા આવે જ! તેથી પાણીના ઝરા, વોકળા કે કુંડ પાસે આવેલા સિંહની ગણતરી કરવામાં આવેલી. એકથી વધુ વાર પાણી પીવા આવેલા સિંહની સંખ્યા બેવડાઈ ન જાય તે માટે સિંહના પગના નિશાન પણ ધ્યાનમાં લેવામાં આવેલા. બે-ત્રણ દિવસ ચાલેલા આ કાર્યમાં કુલ 700 કર્મચારીઓએ ભાગ લીધેલો.
જેમાં પગી કે વન અધિકારીની આગેવાની હેઠળ ચાર વિભાગો પાડવામાં આવેલા. આ વિભાગમાં સાસણ, જામવાડા, વિસાવદર અને જસાધર એમ કુલ 700 ચોરસ માઇલ વિસ્તાર આવરી લેવામાં આવ્યો હતો.જો કે, ગણતરીની ચોકસાઈ વિશે પ્રશ્નો ઊભા થયેલા. આ ગણતરીમાં ભાવનગર અને જેતપુર રાજ્યમાં આવેલા આ વિસ્તારને ગણતરીમાં લેવાયો ન હતો. વર્ષ 1949માં બ્લાઇથે જણાવેલું કે, પ્રથમ ગણતરી વખતે સિંહની સંખ્યા 125 થી 175 ની વચ્ચે હશે.વર્ષ 1920 થી 1943 સુધીના ગીર અને તેની આજુબાજુના વિસ્તારમાં દર વર્ષે લગભગ પંદરેક સિંહનો શિકાર થતો હતો. દેશની આઝાદી પછી અને નવાબના પાકિસ્તાન ગમન પછી સિંહ સંવર્ધન પ્રવૃત્તિને માઠી અસર થઇ હતી. ભારત સરકારની આગેવાનીને કારણે સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ બહાર જતી અટકી ગઈ હતી.વર્ષ 1940ના દાયકામાં ગુજરાત નેચરલ સોસાયટીની સક્રિય કામગીરી અને ધર્મકુમારસિંહજીના પ્રયત્નોના કારણે ગીરના સિંહની સુરક્ષા અને ગીર અભ્યારણ્યને મજબૂત ટેકો મળ્યો હતો.આ પછી 14 વર્ષ પછી એટલે કે, વર્ષ 1950માં બીજી વસ્તીગણતરી યોજાઈ હતી અને પછી દર પાંચ-છ વર્ષે સિંહની વસ્તી ગણતરી યોજાય છે. જે અનુક્રમે વર્ષ 1955, 1963, 1968, 1974, 1979, 1985, 1990, 1995, 2001, 2005, 2010, 2015 માં થયેલ છે.

સંદર્ભ: “ગિરનાર પુસ્તક”

સંકલન: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh