Jain Temple : આગળના આર્ટીકલમાં આપણે પર્યુષણ પર્વનાં મહત્વ અને બીજી જાણકારી મેળવી હતી. ગિરનાર પર હિન્દુ, મુસ્લિમ અને જૈન ધર્મનાં ધાર્મિક સ્થાનો આવેલા છે, તો આજના આર્ટીકલમાં આજે આપણે એ જ જૈન મંદિરોની વાત કરીશું. આ બ્લોગમાં લખેલી માહિતી જૂનાગઢપ્રેમી અને કુશળ ઇતિહાસવિદ એવા ડો. ખાચર અને ડો. ડી.પી.વાળા સાહેબ રચિત “તસ્વીરોમાં જૂનાગઢ” પુસ્તકમાંથી લેવાંમાં આવેલ છે, જેનો એકમાત્ર ઉદેશ્ય આજની યુવા પેઢીને ઇન્ટરનેટનાં માધ્યમથી માહિતી આપવાનો છે.સમગ્ર જૈન સમાજના તીર્થધામોમાં જે મહત્વના તીર્થધામો ગણાય છે. તેમાનું એક તીર્થધામ ગિરનાર ઉપરના જૈન મંદિરો છે.ગિરનાર ઉપર જૈનોના નીચે મુજબના મંદિરો અને સ્થળો આવેલા છે. નેમિનાથનું મંદિર, અમીઝરા પાર્શ્વનાથ, મેલકવશીની ટૂંક, સગ્રામ સોનીની ટૂંક, કુમારપાળની ટૂંક, વસ્તુપાલની ટૂંક, સંપ્રતિરાજાની ટૂંક, માનસંગ ભોજરાજની ટૂંક, રાજુલ ગુફા વગેરે. જો કે ગિરનાર ઉપરના જૈન તીર્થસ્થાનો અને હિંદુતીર્થસ્થાનો અંગે પાંચેય ટૂંકના સ્થળો ઉપર નાના-મોટા વિવાદો છે.નેમિનાથનું મંદિર:
આ જૈન મંદિરોમાં ગિરનાર ઉપરનું નેમિનાથનું મંદિર સૌથી મોટું અને વિશાળ છે. આ મંદિરનો રંગમંડપ 42 ફૂટ જેટલો પહોળો અને 45 ફૂટ જેટલો લાંબો છે. મંદિરનો ચોક આશરે 130 ફૂટ પહોળો અને 190 ફૂટ લાંબો છે. મંદિરની ભમતીમાં 175, રંગમંડપમાં 38, ગર્ભાગારમાં 05 એમ કુલ 218 પ્રતિમાઓ આ મંદિરમાં છે. આ મંદિરના બે-પાંચ શિલાલેખો ખૂબજ અગત્યના છે.અમીઝરા પાર્શ્વનાથનું મંદિર:
બીજું એક નોંધપાત્ર અમીઝરા પાર્શ્વનાથનું મંદિર છે. જે નેમિનાથ મંદિરના એક ભોંયરામાં છે. ત્યાં નીચે ઉતરી જવાય છે. તેનું નામ અમીઝરા પાર્શ્વનાથ પડવાનું કારણ એ બતાવવામાં આવે છે કે, એ મૂર્તિની હડપચી પર અમૃતના ટીપાં પુણ્યશાળી લોકોને જોવા મળે છે. જો કે કર્નલ જે. ડબલ્યુ વોટસને પણ આ અમીઝરા પાર્શ્વનાથના દર્શન કર્યા હતા, પણ તેને મૂર્તિ ઉપર પાણીના કોઈ ટીપાં દેખાયા ન હતા.ગિરનારના જૈન મંદિરો બેનમૂન અને સ્થાપત્યની દ્રષ્ટિએ ગુજરાતમાં શિરમોર મંદિરો છે. તેનો તલસ્પર્શી અને ઝીણવટપૂર્વક અભ્યાસ કરીએ તો, મંદિરોની પ્રતિમાઓમાંથી વેશભૂષા, કેશવિન્યાસ, આભૂષણ, શસ્ત્ર-અસ્ત્ર અને તત્કાલીન સમાજજીવનનું પ્રતિબિંબ જોઈ શકાય. આ મંદિરોના શિલ્પોમાંથી પ્રેમ, ઘૃણા, સુખ-દુઃખ અને શૃંગાર પ્રસાધનો અને મનોરંજન વગેરેની માહિતી મળે તેમ છે. જાતિવર્ગ, આશ્રમ વ્યવસ્થા, વસ્ત્રલંકાર, સ્ત્રીઓના વસ્ત્રોમાં ચાલી, દુપટા, પુરુષોના વસ્ત્રોમાં ધોતી, લંગોટ, પાઘડી વગેરે વિશે આ મંદિરોની જંઘાના શિલ્પોમાંથી માહિતી મળે છે. આર્થિક બાબતોમાં ખેતી, સિંચાઇ, પશુપાલન, વેપાર વાણિજ્ય, વાહન વ્યવહાર અને ખાદ્યસામગ્રી વગેરેની માહિતી પણ તારવી શકાય તેમ છે.
જો ગિરનારના જૈન મંદિરો યાત્રિકો સમય લઈને નીરખી નીરખીને જોવે અને દર્શન કરે તો, તે મહામૂલી જીંદગીને સારી રીતે સમજી શકે અને એ યુગની શિલ્પકલા ઉપર આફ્રીન થયા વિના રહે જ નહીં. એવી શિલ્પકલા ગિરનારના જૈન મંદિરોના ઘુમ્મટમાં આરસના ઝૂમ્મરની જેમ લટકી રહી છે.
Also Read : Datar Hills
સંદર્ભ: ડો. ખાચર અને ડો. ડી.પી. વાળા રચિત “તસ્વીરોમાં જૂનાગઢ ”પુસ્તક માંથી
તસવીર: ગિરનાર દર્શન & ઈન્ટરનેટ
સંકલન: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh