Historical Places in Junagadh : આપણું જૂનાગઢ શહેર ઇતિહાસથી ભરપૂર નગર છે. આપણાં જૂનાગઢમાં આવેલી આવીજ ઐતિહાસિક જગ્યાઓની મુલાકાત તો આપણે લેતા જ હોઈએ છીએ, પરંતુ આ જગ્યાઓ વિશેની ઘણી ખરી વાતોથી આપણે અજાણ હોઈએ છીએ. તો આજે તમને જણાવીશું આપણાં જૂનાગઢમાં આવેલી આવી વિવિધ ઐતિહાસિક જગ્યાઓ સાથે જોડાયેલી રસપ્રદ વાતો…
વિલિંગ્ડન ડેમ:
જૂનાગઢીયન્સના મનપસંદ સ્થળોમાંનું એક સ્થળ એટલે વિલિંગ્ડન ડેમ. એમાં પણ ચોમાસાની ઋતુમાં તો આ જગ્યાની વાત જ શું કરવી!! તમને ખબર છે આ ડેમનું નામ વિલિંગ્ડન ડેમ કઈ રીતે પડ્યું? આખા જૂનાગઢને પાણી પૂરું પાડતા આ ડેમની યોજના ઇ.સ.1928માં તૈયાર કરવામાં આવી હતી. ઇ.સ.1929માં નવાબ મોહબ્બત ખાનના હાથે તેનો પાયો નાખવામાં આવ્યો હતો. મુંબઈના એ સમયના ગવર્નર લૉર્ડ વિલિંગ્ડનના હાથે આ ડેમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. એમના માન અને આદરના કારણે આ ડેમનું નામ એમના નામ પરથી ‘વિલિંગ્ડન ડેમ’ રાખવામાં આવ્યું હતું.
દામોદર કુંડ:
આપણાં જૂનાગઢમાં આવેલું એક પવિત્ર ધામ એટલે દામોદર કુંડ. જુનાગઢથી ભવનાથ તરફ જતાં રસ્તે સોનરેખ નદીમાં પવિત્ર અને સુખ્યાત દામોદર કુંડ આવેલો છે. ઇ.સ.457-458માં સ્કંદગુપ્તના સુબા ચક્રપાલિતએ ભગવાન વિષ્ણુનું મંદિર બનાવ્યું હતું, તે આ જ મંદિર છે એવું ઈતિહાસકારો માને છે. ભક્ત કવિ નરસિંહ મહેતા નિત્ય સવારે અહી સ્નાન અને દર્શન કરવા આવતા. અહી આવેલા એક શિલાલેખ મુજબ દામોદર નામના એક પરોપકારી સજ્જનએ અહી યાત્રાળુઓ માટે બંધાવેલો મઠ આવેલો છે.
નરસિંહ મહેતાનો ચોરો:
જૂનાગઢમાં મજેવડી દરવાજા પાસે આદિ કવિ ભક્ત શિરોમણી નરસિંહ મહેતાનો ચોરો આવેલો છે. નરસિંહ મહેતાના મૃત્યુ પછી એમનું નિવાસ સ્થાન ઉજ્જડ બન્યું હતું. એમના વંશજ ત્રિકમદાસને સ્વપ્નમાં ભાસ થતાં તેમણે નરસિંહ મહેતાના નિવાસ સ્થાનની શોધ કરી. સુખનાથ મહાદેવ અને હિમજા માતાના મંદિર પાસેથી તેમને રાસ ચોરા નામની જગ્યા મળી. આ ચોરાની વચ્ચે એક ગોળાકાર ઓટલો છે, જ્યાં નરસિંહ મહેતા હરિભજન કરતાં હતાં.
બારાશહીદ:
વર્ષ 1369માં ઝફરખાને જુનાગઢ પર આક્રમણ કર્યું, જેનો રા’જયસિંહ બીજાએ પ્રતિકાર કર્યો. ઝફરખાને રા’જયસિંહને સુલેહ માટે પોતાની છાવણીમાં બોલાવ્યા. રા’જયસિંહ છાવણીમાં પ્રવેશ્યા કે ઝફરખાનના સૈનિકોએ તેમને પકડી લીધા. ઝફરખાન દગો ન કરે એ માટે 12 સરદારો જામીન થયા હતા. જ્યારે ઝફરખાનએ દગો કર્યો ત્યારે વચનપાલન માટે આ 12 સરદારોએ ઝફરખાનના સૈનિકોનો સામનો કર્યો અને શહિદ થયા. એમની સાથે રા’જયસિંહ પણ માર્યા ગયા. જે સ્થળે આ 12 સરદારોને દફન કર્યા તે સ્થળે એમની કબરો આજે પણ જોવા મળે છે. અહી નવાબ મહાબત ખાન બીજાના માતા નાજુબીવીનો મકબરો પણ છે. જે જગ્યા સુખનાથ ચોક પાસે આવેલી છે.
જો તમે પણ જૂનાગઢમાં આવેલી એવી કોઈ ઐતિહાસિક જગ્યાઓ વિશે જાણતા હોય તો જણાવો નીચે કોમેન્ટ બોક્સમાં…
Author: Urvashi Deshani #TeamAapduJunagadh
Also Read : Taekwondo : 9 વર્ષની આ બાળકી સ્વબચાવના કૌશલ્યમાં બની પારંગત, જેનું સપનું છે કઇંક આવું!