Bird Girnar : ગિરનારની ધરતી એ પ્રકૃતિનો રમણીય ખોળો છે. ગિરનારના જંગલમાં કેટકેટલાય જીવો વસવાટ કરે છે. વનરાજ સિંહ થી માંડીને નાના નાના જીવજંતુઓ આ ગિરનારી ભૂમિમાં વિચરણ કરતાં જોવા મળે છે. એટલું જ નહીં, પરંતુ ગિરનારની તળેટીમાં આવેલા જૂનાગઢ શહેરના જળાશયોમાં વર્ષ દરમિયાન કેટલાય યાયાવર પક્ષીઓ મહેમાનગતી માણવા આવે છે.
ત્યારે આ પક્ષીઓની યાદીમાં તાજેતરમાં એક વધુ પક્ષીનું નામ ઉમેરાયું છે. ગીરનાર વન્યપ્રાણી અભ્યારણ્ય માં ફરજ બજાવતા દિપકભાઈ વાઢેરનાં કેમેરામાં કેદ થયેલું બિયર્ડેડ વલ્ચર(ગીધ) ગુજરાતમાં સૌપ્રથમ જોવા મળ્યું છે. આ ગીધ ગુજરાતમાં આવ્યું તેનો તેમની પાસે ફોટોગ્રાફનાં રૂપમાં દસ્વાવેજી પુરાવો પણ છે.
(તસ્વીર: દિપકભાઈ વાઢેર)
પક્ષીવિદોનાં જણાવ્યા મુજબ, ગુજરાતમાં આ ગીધ જોવા મળ્યું તેનો આ સૌપ્રથમ દસ્તાવેજી પુરાવો છે અને ગુજરાતમાં જોવા મળતાં પક્ષીઓની યાદીમાં વધુ એક પક્ષીનું નામ ઉમેરાયું છે.
દિપકભાઈના કહેવા મુજબ, તેઓ ગત 15 જાન્યુઆરીના રોજ ગીરનાર વન્યપ્રાણી અભ્યારણ્યમાં રાણસીવાવ વિસ્તારમાં પેટ્રોલીંગ કરતા હતા, ત્યારે આકાશમાં તેઓએ કેટલાક પક્ષી ઊડતાં જોયાં. જેમાં એક મોટા કદનું પક્ષી પણ હતું. તેની બાજુમાં ઓરિએન્ટલ હેની બઝર્ડ નામનું પક્ષી પણ ઊડતું હતું. ત્યારે તેઓએ એ તમામ પક્ષીઓનાં ફોટા પાડી લીધા. સૌપ્રથમ તેઓને લાગ્યું કે આ પક્ષી ઇજિપ્સિયન વલ્ચર છે.
પરંતુ તેઓએ આ ફોટોઝ જ્યારે સોશિયલ મીડિયા પર મૂક્યા, ત્યારે આ ફોટો જોઇને પક્ષી નિષ્ણાંત નિરવ ભટ્ટએ તેઓને જણાવ્યું કે, ફોટોમાં દેખાતું એ પક્ષી કંઇક નવું લાગે છે. મેં એ તમામ ફોટા તેમને મોકલાવ્યા અને નિરવભાઈએ કહ્યું કે, એ પક્ષી બિયર્ડેડ વલ્ચર છે, જેને લૈમર્જિયર પણ કહે છે.
પક્ષીવિદોનાં જણાવ્યા પ્રમાણે, આ ગીધ ભારતમાં હિમાલય અને અફધાનિસ્તાન, પશ્ચિમ પાકિસ્તાનના પર્વતિય પ્રદેશોમાં જોવા મળે છે. સિંઘ અને બલુચિસ્તાનનાં વિસ્તારમાં પણ શિયાળા દરમિયાન જોવા મળે છે. મહત્વની વાત એ છે કે, જે જગ્યાએ ગુજરાતમાં આ ગીધ જોવા મળ્યુ છે, તે ગીરનારમાં ઊંચા ડુંગરો છે.
જ્યાં 1.117 મીટરની ઊંચાઇ ધરાવતા ડુંગરો છે. બિયર્ડેડ વલ્ચર ઊંચા પર્વતોમાં રહેવાનું પસંદ કરે છે, પરંતુ આ ગીધ તેનાં સામાન્ય વસવાટનાં વિસ્તારથી ઘણુ દૂર જોવા મળ્યું છે આથી એવી ધારણા બાંધી શકાય કે, આ ગીધ શિયાળા દરમિયાન તેને અનૂકૂળ એવા પર્વતિય વિસ્તારમાં સ્થળાતંર કરતું હશે. બિયર્ડેડ ગીધ ગીરનાર વન્યપ્રાણી અભ્યારણ્યમાં જોવા મળ્યું તેની નોંધ પક્ષી-જગત વિશેનાં જાણીતા જર્નલ ઇન્ડિયન બર્ડમાં પ્રકાશિત થઇ છે.
વિશેષતાઓ:
આ પક્ષીને દાઢીવાળું ગીધ(Gypaetus barbatus), લૈમર્જિયર, લેમ્ગેર્જિયર, ઓસિફ્રેગ તરીકે ઓળખવામાં આવે છે. આ ગીધ શિકારી જાતિનું પક્ષી છે. પરંપરાગત રીતે આ ગીધને પ્રાચીન દુનિયાનું ગીધ માનવામાં આવે છે.
આ ગીધના ખોરાકમાં વિશેષ રૂપથી 70 થી 80 ટકા જેટલા હાડકાં હોય છે. આ પક્ષી મુખ્યત્વે દક્ષિણ યુરોપ, કાકેશસ, આફ્રિકા, ભારતીય ઉપમહાદ્વીપ અને તિબેટમાં ઊંચા પર્વતોની ખીણોમાં વસે છે. તે પક્ષી ત્યાંજ પ્રજનન કરે છે અને શિયાળાની ઋતુના વચ્ચેના ભાગમાં કે વસંતની શરૂઆતમાં તે એક અથવા બે ઈંડા આપે છે. આ પક્ષી એશિયા અને આફ્રિકાના અધિકાંશ ક્ષેત્રો થી યુરોપના પહાડી ક્ષેત્રોમાં જોવા મળે છે.
આ પક્ષી 2.31-2.83 મીટર લાંબી પાંખો સાથે 94-125 સેમી લંબાઈ ધરાવે છે. જુદા જુદા પ્રદેશમાં તેનું વજન અલગ અલગ માલૂમ પડે છે, પરંતુ સામાન્ય રીતે તેનું વજન આશરે 6.21 કિલોગ્રામ હોય છે. માદાઓ નરની તુલનામાં થોડી મોટી હોય છે.
ગીધ એક એવી પક્ષી પ્રજાતિ છે, જે ધીમેધીમે લુપ્ત થતી જાય છે. જ્યારે આપણાં જૂનાગઢ શહેરને મળેલી વિશિષ્ટ આબોહવાને કારણે અનેક પક્ષીઓ અહિયાં આકર્ષિત થઈને આવતા હોય છે, ત્યારે આવો આપણે સૌ સાથે મળીને પ્રકૃતિનું જતન કરીએ અને જીવસૃષ્ટિને વિનાશના આરે જતી બચાવીએ. જો આપની પાસે લુપ્ત થતી જતી ગીધ પ્રજાતિ વિશેની વધુ જાણકારી હોય તો અમને ઈમેઈલ કરી મોકલાવી શકો છો.
અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.
Email Id: aapdujunagadh@gmail.com
Also Read : Damodar Kund : અનેક તીર્થોનો જૂનાગઢ મધ્યે સમન્વય