આપણા જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં કોરોના પેશન્ટને મળવા માટે હેલ્પ ડેસ્ક શરૂ કરાયું છે, જ્યાં પરિવારજનો સિવિલમાં દાખલ પોતાના કોરોનાની સારવાર લઈ રહેલાં પરિજન સાથે વિડિયો કોલ મારફતે વાતચીત કરી શકે છે, જે તંત્રની સકારાત્મક પહેલ છે અને આવકાર્ય પગલું છે.હાલમાં ચારેકોર કોરોનાનો ડર અને ઉપરથી અવનવી અને સમાજમાં શાંતિભંગ કરવાના હેતુથી અસામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવતી અફવાઓ વચ્ચે હેલ્પ ડેસ્કના માધ્યમથી પરિવારજનો પોતાના પરિવારના સભ્યને સુરક્ષિત અને સંરક્ષિત જુએ ત્યારે તે અફવાઓની બિહામણી સંકલ્પનાઓમાંથી બહાર આવે છે.
હવે મુદ્દાની વાત કરીએ તો, સિવિલમાં દાખલ પરિવારજન માટે જેમ આખો પરિવાર બેચેન હોય તેવીજ રીતે જૂનાગઢના વિકાસ કાર્યો પૂરા થાય, તે માટે સમગ્ર જૂનાગઢ બેચેન છે. કરોડોના ખર્ચે જાહેર થયેલી યોજનાઓ વર્ષોથી અધૂરી પડી છે. આપણે અહીંયા ખાતમુહૂર્તની ફેશન છે. આ કોરોના કાળમાં પણ આ ફેશન ગઈ નથી હવે તો વિડિયો દ્વારા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવે છે. પરંતુ આ ખાતમુહૂર્ત થઈ ગયા પછી યોજના પૂરી થવાની ગેરંટી કોઇ લેતું નથી! આ બાબતે પણ લોકોએ જાગૃત થવાની જરૂર છે.
પાણીની યોજનાઓ, ભૂગર્ભ ગટર યોજના, ડ્રેનેજ પ્રોજેક્ટ જેવી કેટલીય યોજનાઓ 5-5 વર્ષોથી અધૂરી પડી છે. દયાજનક બાબત તો એ છે કે, મોટાભાગના જૂનાગઢવાસીઓને આ યોજનાઓ વિશે જાણ જ નથી! જ્યારે પાણી ન મળે કે ગટર છલકાય અને અસહ્ય દુર્ગંધ પ્રસરે ત્યારે ફરિયાદ કરી, મીડિયા સામે બળાપો કાઢી લે છે, પણ જડમાં જવાની કોશિશ નથી કરતા! જે જે જગ્યાએ આવી સમસ્યાઓ છે તેવી ઘણી જગ્યાઓ એ આ સુવિધાઓ પહોંચશે, રાહ છે આ યોજનાઓ પૂરી થવાની! જેમકે પાણી પુરવઠા યોજનામાં અંદાજિત 3 લાખ લોકોના ઘર સુધી પાણી પહોંચવાનો અંદાજ છે.
જૂનાગઢના કેટલાય પરિવારોને પાણી વગર વલખાં મારતા જોઈએ છીએ, કેટલાય લોકોને ગટરની દુર્ગંધથી પરેશાન જોઈએ છીએ, કેટલાય લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે અને હા, આમાં પ્રાથમિક સુવિધા તરીકે રસ્તાઓની તો અહી વાત જ નથી કરી કેમકે, એના માટે એક નહીં અનેક આર્ટિકલની જરૂર પડશે પણ આ બાબતે વિચારવું તો જનતાએ જ પડશે!
કોરોના પેશન્ટ અને તેમના પરિજનો વચ્ચે હેલ્પ ડેસ્ક દ્વારા સંવાદ થઈ શકે તો, પ્રજા અને તંત્ર વચ્ચેના સંવાદ માટે હેલ્પ ડેસ્ક ના હોવું જોઈએ? પ્રજાનો અવાજ સાંભળવા માટે કોઈ તો પ્લેટફોર્મ હોવું જોઈએ. હાલમાં તો જૂનાગઢવાસીઓનો અવાજ એક-બે સોશીયલ મીડિયા એકાઉન્ટ કે લોકલ ન્યૂઝ સિવાય કોઈ સાંભળતું નથી. ત્યારે પ્રજાને સાંભળે, તેમના નાના પરંતુ મહત્વના પ્રશ્નોને વાચા આપી તેનું નિરાકરણ લાવે તે જરૂરી છે.
નાયક ફિલ્મ જેવા હેલ્પ ડેસ્કની તો આશા નથી રાખતા પરંતુ હા, પ્રજાનો અવાજ સાંભળવા કોઈ હેલ્પ ડેસ્કની રચના થાય અને સમસ્યાનો સત્વરે ઉકેલ મળે તે પ્રત્યેક જૂનાગઢવાસીનું સુખદ સ્વપ્ન છે.
Author: Nitesh Mer #TeamAapduJunagadh