થોડા દિવસ પહેલા મેં મારા મિત્રને પૂછ્યું “ગિરનાર આવવું છે?” તો એણે જવાબ આપવાની જગ્યાએ તરત જ મને સામે સવાલ કર્યો,“કઈ રીતે?” મેં કહ્યું “કઈ રીતે એટલે?” તો તેણે કહ્યું “પગથિયાં ચડીને કે રોપ-વે દ્વારા?” સવાલ પણ વ્યાજબી હતો, પણ જવાબ આપવા માટે મારે વિચારવું પડ્યું અને અમારા વચ્ચે થોડીક દલીલો પણ થઈ એ અનુભવ બાદ મેં વિચાર્યું કે, જ્યારે ગિરનાર ચડવાની વાત આવતી ત્યારે કાં’તો સામેથી હા આવતી અથવા ના આવતી પણ હવે આવી પરિસ્થિતિ પણ સર્જાય છે, જેનું કારણ છે ગિરનાર ચડવા માટે આપણી પાસે વિકલ્પો છે; એક વિકલ્પ તો સ્વાભાવિક રીતે પગથિયા દ્વારા અને બીજો વિકલ્પ રોપ-વે દ્વારા.
મેં આ બંને વિકલ્પો દ્વારા ગિરનારની મુલાકાત લઈ લીધી છે, તો મને થયું ચાલને આ બંને ચઢાણના અનુભવોને તમારી સાથે શેર કરું! જેમાં થોડીક સરખામણી પણ હશે એનું કારણ છે કે, હવે લોકો પ્રશ્ન કરે છે કે કઈ રીતે ગિરનાર ચડીએ તો મજા આવે? અલબત્ત! ગિરનાર ગમે તેમ ચડો એ મજા જ આવે છે પણ દલીલ એ વાતની હોય છે કે, વધુ મજા કઈ રીતે ગિરનાર ચડવામાં આવે?
પહેલી વાત તો એ રોપ-વે તમને અંબાજી માતાજીના મંદિર સુધી જ લઈ જાય છે. એટલે કે, અડધા ગિરનારની સફર થઈ, એટલે જો તમારે ગુરુ દત્તાત્રેય શિખર કે પછી તેની પહેલા આવતા ગુરુ ગોરખનાથ શિખર સુધી જવું હોય તો પગથીયા જ ચડવા રહ્યા! વળી તમારે અંબાજી મંદિર પહેલા આવતા નેમિનાથ ભગવાનના જૈન દેરાસર સુધી જવું હોય તો પણ રોપ-વેનો પણ રોકવાનો વિકલ્પ યોગ્ય નહીં ગણાય કારણ કે, રોપ-વે ની સવારી નોન-સ્ટોપ જ હોય છે, વચ્ચે કોઈ સ્ટેશન આવશે નહીં!
રોપ-વે માં તમને આટલી ઊંચાઈએ જે રોમાંચ અનુભવાશે તે અવિસ્મરણીય રહેશે, સાતથી દસ મિનિટ સુધીનો સમય એક રોપ-વે ની ટ્રીપમાં હોય છે. આ સાતથી દસ મિનિટ સુધી તમે ગિરનારના જંગલનો, આટલી ઉંચાઈથી દેખાતી ગિરનારની ગિરિમાળાનો ભવ્ય નજારો માણી શકશો, વળી જો મોબાઇલ ફોનને સાઈડમાં મૂકશો અને એ સાતથી દસ મિનિટની જ ક્ષણોનો આનંદ ઉઠાવશો તો આ સાતથી દસ મિનિટ તમે જીવનમાં અનુભવેલી સૌથી રોમાંચક ક્ષણો બની રહેશે. બાળકો, વૃદ્ધો અને અશક્ત લોકો માટે રોપ-વે શ્રેષ્ઠ વિકલ્પ છે. વળી જો તમે યંગ અને ફિટ હોવ પરંતુ થોડા આળસુ હોવ અને સંપૂર્ણ ગિરનાર ચઢાણ કરવું હોય તો, તમે રોપ-વેમાં અંબાજી મંદિર સુધી જઈ ત્યાંથી ગુરુ દત્તાત્રેય શિખર સુધી પગથિયા દ્વારા જઈ શકો છો અને પ્રકૃતિપ્રેમી હોવ તો અંબાજી મંદિરથી આશરે 1000 પગથીયાના અંતરે ગિરનારના સૌથી ઊંચા શિખર ગુરુ ગોરખનાથ શિખર પર પહોંચીને પણ ત્યાં અનુભવાતી હકારાત્મક ઉર્જાનો અનુભવ કરી શકો છો.
હવે વાત કરીએ પગથિયા દ્વારા ગિરનાર ચઢાણની; જો તમારા મનમાં એક અનોખો તરવરાટ હોય તો ચોક્કસ ગિરનાર ચઢાણ પગથિયાં દ્વારા જ કરવું. જો દ્રઢ સંકલ્પ દ્વારા ગિરનાર જશો તો નક્કી સંપૂર્ણ ગિરનાર તમે સર કરી શકશો. હા, પણ પગથિયાં દ્વારા ગિરનાર ચઢાણ કર્યા પછી એકાદ દિવસ સ્પેરમાં રાખવો. જેથી તમારા પગ અને શરીરને લાગેલો થાક ઉતારી શકો. પગથિયાં દ્વારા ગિરનાર ચઢાણમાં તમને ગિરનારની તમામ પ્રકારની પ્રાકૃતિક અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થશે. તમને તમારી પોતાની શારીરિક અને માનસિક ઉર્જા અથવા ક્ષમતાનો પણ ચોક્કસ અહેસાસ થશે!
અંબાજી મંદિર સુધી આવતા હિન્દુ અને જૈન ધર્મના તમામ દેવસ્થાનોની તમે મુલાકાત લઇ શકશો. સૌથી સારી બાબત એ છે કે, પગથિયા દ્વારા ગિરનાર ચઢાણ મોટાભાગે રાત્રી દરમિયાન કરવામાં આવે છે, એટલે રાત્રી દરમિયાન ગિરનારના વૃક્ષો, વનસ્પતિઓ અને વાતાવરણનો અનુભવ જરૂર યાદગાર બની રહે તેમ છે; તેમાં પણ જો તમે તમારા મિત્રો સાથે પૂનમની રાત્રી દરમિયાન પ્લાનિંગ કર્યું હોય તો, એ રૂપલે મઢેલી રાતનો નજારો ગિરનારની ઊંચાઈ પરથી અવિસ્મરણીય બની રહેશે. સ્વાભાવિક વાત એ પણ છે કે, સાત થી દસ મિનિટની જગ્યાએ સાત થી દસ કલાકની ગિરનાર યાત્રા ચોક્કસપણે તમારા એ દિવસને રોમાંચથી ભરી દેશે.
આ મારા અનુભવો હતા. તમને શું લાગે? તમારા મતે ગિરનાર ચઢાણ કઈ રીતે કરવું? તમે પણ તમારી દલીલો સંપૂર્ણ બ્લોગ વાંચીને કમેંટ માં લખી શકો છો.
સૌને જય ગિરનારી
Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh