દેવાયત પંડિત : જેઓએ સદીઓ પહેલા ભજનો થકી કરેલી ભવિષ્યવાણી, આજે સાચી પડતી લાગે છે!

દેવાયત પંડિત

દેવાયત પંડિત દા’ડા દાખવે, સુણી લ્યોને દેવળદે સતીનાર,

આપણાં ગુરુ એ આગમ ભાખિયા, જૂઠડાં નહીં રે લગાર,

લખ્યા રે ભાખ્યા રે સોઈ દિન આવશે!

જો તમે સોરઠ કે સૌરાષ્ટ્રના વતની હો’તો તો ઉપરનું ભજન તમે અચૂક સાંભળ્યુ જ હશે! આ ભજનના રચિયતા જૂનાગઢની નજીક આવેલા વંથલી ગામના ભક્ત અને સંત દેવાયત પંડિત છે. બાળપણથી જ પ્રભુભક્તિ અને અધ્યાત્મિક બાબતોમાં વ્યસત એવા દેવાયત પંડિત એક દિવસ તરણેતરના મેળામાં જાય છે. ત્યાં એ ઘણાંબધા સાધુ-સંતોના સંપર્કમાં આવે છે અને સંસાર પ્રત્યે રસ ઊડી જાય છે. મેળામાંથી પાછા ફરીને દેવાયત વંથલી નહીં પણ ગિરનાર જતાં રહે છે. તે ગિરનારના જંગલોમાં ફરવા લાગ્યા અને સાધુઓની સેવા કરવા લાગ્યા અને તેમના જોડે સત્સંગ પણ કરવા લાગ્યા!દેવાયત પંડિત

આ સમયે તે એક શોભાજી મહારાજ નામના સંતના સંપર્કમાં આવે છે. એ સંત સાથેના સત્સંગની દેવાયતના માનસ પર જબરી અસર પડે છે. તે તેમને ગુરુ બનાવે છે. દેવાયત પંડીતે પોતાના પત્ની સાથેજ સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં આશ્રમ સ્થાપેલો, જ્યાં તેઓ ધાર્મિક પ્રવૃતિ કરતાં અને સાધુઓની સેવા કરતાં.

દેવાયત પંડીત પોતાની આગમવાણીને લીધે પ્રખ્યાત છે. આગમવાણીમાં પ્રખ્યાત એવા સરવણ ઋષિ, સહદેવ જોશી અને પછી દેવાયાત પંડિત! પોતાના ભજનમાં તેમણે પોતાની પત્નીને ઉદ્દેશીને ભવિષ્યનો સચોટ ઉલ્લેખ કર્યો છે. તેમણે આગમવાણીનો શ્રેય પોતાના ગુરુ શોભાજી મહારાજને આપ્યો છે. એમની ભવિષ્યવાણી આ પ્રમાણે છે.

ધરતી માથે રે હેમર હાલશે, સૂના નાગર મોજાર,

લખમી લૂટાશે લોકો તણી, નહીં એની રાવ ફરિયાદ !

ધરતી પર યુદ્ધના વાહનો ચાલશે, નગરો સૂના થવા લાગશે. લક્ષ્મી અર્થાત સંપતિ અને સ્ત્રી બંને લુટાશે, લોકો તણી પણ તેની રાવ કે ફરિયાદ થશે નહીં! અત્યારે આપણે જોઇએ જ છીએ કે આપણી આજુબાજુ કંઈક આવો જ માહોલ છે.

ખોટા પુસ્તક ખોટા પાનિયા, ખોટા કાજીના કુરાન,

અસલ જાદી ચૂડો પહેરશે, એવા આગમના એંધાણ !

પુસ્તકોની કોઈ કિંમત રહેશે નહીં અને જ્ઞાનીઓની પણ નહીં, શાશ્ત્રો કે ધર્મગ્રંથોની વાતો પણ ખોટી લાગશે. જે શૂરવિરો અને નીડર વ્યક્તિઓ હશે એ ડરપોકની જેમ બેસી રહેશે!

પોરો રે આવ્યો સંતો પાપનો, ધરતી માંગે છે ભોગ,

કેટલાક ખડકે સંહારશે, કેટલાક મરશે રોગ!

સંતો પણ પાપનો સહારો લેશે, ધરતી પ્રાણી વનસ્પતિઓનો નાશ કરવા લાગશે, કેટલાક યુધ્ધોમાં મરશે તો કેટલાક ભયાનક રોગોથી મરશે!

પહેલા પહેલા પવન ફરૂકશે, નદીએ નહીં હોય નીર

ઓથાર થકી રે સાયબો આવશે, મુખે હનમો વીર!

શરૂઆતમાં પવન ફૂંકાશે એટલે કે વાવઝોડા થશે, પછી નદીઓમાંથી પાણી ખૂટી જશે! ઉત્તર દિશાથી સાયબો એટલે કે, ભગવાન વિષ્ણુ કલકી અવતાર લઈ આવશે કે જેના રથના મુખ પર હનુમાનજી બિરાજમાન હશે, એવું માનવમાં આવે છે!

કાંકરીએ તળાવે તાંબું તણાશે, સો સો ગામની સીમ,

રુડી દિશે રળીયામણી, ભેળા અરજણ ભીમ!

એવો દિવસ આવશે કે, કાંકરીયા તળાવે અર્જુન અને ભીમ સાથે કલકી અવતાર તંબુ તાણશે અને યુદ્ધનું એલાન કરશે!

જતી, સતી અને સાબરમતી, ત્યાં હશે શૂરાના સંગ્રામ

કાયમ કાલિંગાને મારશે નકલંક ધરી નામ!

યોગીઓ અને સતીઓ પોતાના યોગ અને સતીત્વ મૂકશે. સાબરમતીના કિનારે યુદ્ધ ચાલશે, જે કાળા કામ કરનાર દૂષ્ટો છે તેનો નાશ કરનાર નકળંગ નામ ધારણ કરશે!દેવાયત પંડિત

ઓતર ખંડેથી સાયબો આવશે, આવે મારા જુગનો જીવન,

કળયુગ ઉથાપિ સતયુગ થાપશે એવું બોલ્યા દેવાયત પીર!

ઉતર દિશાથી કલકી ભગવાન આવશે અને કળીયુગનો નાશ કરી ફરીથી સતયુગ સ્થાપશે! જે રીતે ઉપરની બધી આગમવાણી સાચી પડી છે બસ આશા એટલી કે આ આ ભજનના છેલ્લા શબ્દો પણ સાચા જ પડે!

સંદર્ભ: ઇન્ટરનેટ

Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh

Also Read : સુજલામ-સુફલામ જળ અભિયાન રેલી