બેખૌફ કોરોનાગઢ; જૂનાગઢ

સરકાર દ્વારા અનલૉક 5 ની જાહેરાત કરાઈ, મોટા ભાગની બાબતોમાં છૂટછાટ આપવામાં આવી છે. જીમ, સ્વિમિંગ પુલ, મલ્ટિપ્લેક્સ-થીયેટરો, સામાજિક અને ધાર્મિક જમાવડા, લગ્ન કે પારિવારિક પ્રસંગોમાં છૂટછાટ અપાઈ છે. આપણા જૂનાગઢના પણ મોટા ભાગના જાહેર સ્થળો રાબેતા મુજબ ખુલી ગયા છે અને જનજીવન રાબેતા મુજબ ચાલવા માંડ્યું છે.આપણા સૌરાષ્ટ્ર અને જૂનાગઢની ભૌગોલિક સ્થિતિ એવી છે કે, અહીં વધારે કુદરતી આફતો આવવી જોઈએ. જો કે ભગવાનની દયા કહો કે આપણા નસીબ, પણ આપણને મોટા ભાગે આ બાબતે ઝાપટ પડતી નથી. ભગવાનની દયા એટલે કે, ઇતિહાસમાં ત્રણવાર એવું બન્યું કે વાવાઝોડું સૌરાષ્ટ્રને દરિયાકાંઠે ટકરાવાનું જ હોય અને જેવું દ્વારકાના દરિયાકાંઠા ને સ્પર્શે એટલે તેની દિશા બદલાય જાય છે. આને યોગાનુયોગ કહો કે, ઈશ્વરકૃપા પણ હકીકત છે. એક અનુભવ તો આપણે આ વર્ષે જ કર્યો. જોકે વિષયાંતરણ કરીને જોવું એ રહ્યું કે, જૂનાગઢમાં કુદરતી આફતોનો પ્રભાવ નહિવત હોવાથી આપણી અંદર જરૂરી કુદરતી ડર નથી.જાપાનનો બીજા વિશ્વયુદ્ધ પહેલાનો અને પછીનો ઇતિહાસ જુદો છે. વિશ્વયુદ્ધ પહેલા જાપાની પ્રજા અને તેના સેનાપતિઓ (વિશ્વયુદ્ધ વખતે ‘હિરોહિતો’) તુમાખી, હિંસક અને ક્રૂર હતા, પરંતુ વિશ્વયુદ્ધના અનુભવે (ડર પણ કહી શકો) તેમને શાંત અને આંશિક ડરવાળા બનાવ્યા. આ ડર એટલે ડરવું નહીં, પરંતુ સમસ્યાઓ વખતે સાવચેત અને સલામત રહેવું. આ જરૂરી ડર અને ભય આપણી (“એકચ્યુલી” જૂનાગઢ કે સૌરાષ્ટ્રવાસીઓ) અંદર નથી.બસ, આ આંશિક ડર કે સાવચેતી આપણી અંદર બહુ ઓછા જોવા મળે છે. એટલે જ આપણને ઠેર-ઠેર માસ્ક વગર વિચરતા લોકો નજરે ચડે છે અને જે લોકો માસ્ક પહેરે છે, તેમાંથી મોટા ભાગના તો પોલીસના ડરથી માસ્ક ધારણ કરે છે. જૂનાગઢમાંથી એક પણ એવો વ્યક્તિ નહીં હોય જેણે આવા દ્રશ્યો ના જોયા હોય.સ્કૂલના ક્લાસમાં મસ્તી અને વાતો ચાલતી હોય ત્યાંજ એક છોકરો આવીને કહે કે,”સર આવે છે!” એટલે બધા છાનામાના શિસ્તમાં ડાયાડમરા થઈને બેસી જાય. બસ,આજ પધ્ધતિ આપણને હવે રસ્તાઓ પર અને ભીડમાં જોવા મળે છે. પોલીસની ગાડી આવતી જોવા મળે એટલે ઈશારાબાજીઓ અને સમાજસેવા શરૂ થઈ જાય. “લ્યાં ગાડી આવે છે”,”એલા લાઇટ આવે છે, માસ્ક પહેરો નહિતર હજારનો ચાંદલો થશે”,આવા વાક્યો પણ આપણા માટે હવે ન્યૂ નોર્મલ છે.હકીકતે ઊંડાણમાં વિચારતા ખ્યાલ આવે કે, પોલીસની કામગીરી આપણને જીવતા રાખવા માટે છે અને આવું તો ભાગ્યે જ જોવા મળે કે તંત્ર આપણને જીવતા રાખવા અને સલામત રાખવા કાયદાઓ બનાવી રહ્યું છે અને આપણે જીવતા નહિ રહેવા માટેના પ્રયાસો કરી રહ્યા છીએ. અમુક મહાનુભાવો માસ્ક ગળામાં પહેરે છે, એમને તો કોટી કોટી વંદન કરવા રહ્યા. ભાઈ, ગળામાંથી વાઇરસ નથી જતો, નાક અને મોં વાટે ગળામાં જાય છે! હકીકતે કમી છે જાગૃતિ અને ગંભીરતાની!ઉપર જણાવ્યું તેમ આ ગંભીરતાની કમી આપણા પર આવતી કુદરતી આફતોના અભાવના કારણે હોય શકે. જો આ સત્ય હોય તો કુદરતને વિનંતી કે વર્ષે એક-બે ઝાપટ મારી દેવી. બરોબર ને!
Author: Nitesh Mer #TeamAapduJunagadh