ચેલૈયાની જગ્યા : એક દંતકથા અનુસાર, બિલખા એ બલિ રાજાનું રહેઠાણ- બલિસ્થાન હતું, એમ જાણવા મળેલ છે. બિલખામાં ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે જેમ કે- ચેલૈયાની જગ્યા, આનંદ આશ્રમ, રામનાથ મહાદેવ મંદિર અને રાવતસાગર ડેમ. આજે અમે તમને જણાવીશું, શેઠ સગાળશાની અને ચેલૈયાની જગ્યા વિશે…
ઇતિહાસ:
આજથી 1262 વર્ષ પૂર્વે બિલખ ગામે શેઠ સગાળશા, તેમના પત્ની ચંગાવતી અને પુત્ર ચેલૈયો થઈ ગયા. આતિથ્યભાવ કેવો હોય તેનો દાખલો આપવા આજે પણ વાણિયાના ઘરે જન્મનાર શેઠ સગાળશાનું નામ લેવાય છે. અતિથિ બનીને પરીક્ષા કરવા આવનાર ભગવાનને હસતાં મુખે પોતાના પુત્ર ચેલૈયાને ખાંડણિયામાં ખાંડીને પીરસનાર શેઠ સગાળશા અને રાણી ચંગાવતીના તોલે કોઈ ન આવે.
“ભાગું તો મારી ભોમકા લાજે, ભોરિંગ ન ઝીલે ભાર
મેરુ સરિખા ડોલવા લાગે એને આકાશનો આધાર
મેરામણ માઝા ન મૂકે, ચેલૈયો સત ન ચૂકે”
એક દંતકથા મુજબ, દાનવીર કર્ણ મૃત્યુ પછી સ્વર્ગમાં ગયા. ત્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જ્યારે જમવાનો સમય થયો, ત્યારે કર્ણને થાળીમાં સુવર્ણના ટુકડા પીરસાયા. જ્યારે અન્ય સૌને અન્ન. કર્ણને આશ્ચર્ય થયું. દેવરાજ ઇન્દ્રને કારણ પૂછતા જાણવા મળ્યું કે, કર્ણએ પૃથવી પર હંમેશા સુવર્ણદાન જ કર્યું છે, એટલે સ્વર્ગમાં પણ સુવર્ણ જ મળે.જો પૃથ્વી પર અન્નદાન કર્યું હોત તો સ્વર્ગમાં અન્ન મળી શકત.
કર્ણ દેવરાજ પાસે પૃથ્વી પર ફરી જન્મ લેવાની આજ્ઞા માંગે છે અને મૃત્યુલોકમાં કળિયુગમાં વાણીયાના ખોરડે શેઠ સગાળશા રૂપે જ્ન્મ લે છે. શેઠ અને તેમના પત્ની સદાવ્રત ચલાવે છે. સમાજના દરેક વર્ગના લોકોને બંને જણાં જમાડે છે. દુકાળના કપરા વર્ષોમાં પણ શેઠ સગાળશાના અન્નના ભંડારા ખુલ્લા જ રહે છે, બધી વાતે સુખ હોવા છતા એમને શેર માટીની ખોટ છે. એક જોગંદરના કહેવાથી પતિ-પત્ની એક વ્રત રાખે છે કે ઓછામાં ઓછા એક અતિથિને જ્માડયા વગર ભોજન ન લેવું.
એક વખત અંધરાધાર વરસાદ વરસી પડે છે, સતત નવ દીવસ સુધી મુશળધાર વરસાદના કારણે કોઈ અતિથિ નજરે પડતું નથી. અંતે દંપતી શોધવા નીકળે છે, ગામને પાદર અવાવરુ જગ્યામાં તેમને એક અઘોરી મળી જાય છે. સાવ અસ્ત-વ્યસ્ત રૂપ, મેલો – ઘેલો, દેખાવ હોય છે. દંપતી તેમણે જમવા આવવાની આજીજી કરે છે, ત્યારે અઘોરી કહે છે કે- તમે મારી માંગણીઓ પૂરી નહીં કરી શકો. ખૂબ આગ્રહ કરીને તેમને ઘરે લઈ જાય છે, સ્નાન કરાવે છે, અને ત્યારબાદ અનેક વાનગીઓ ભરેલો થાળ ધરે છે. ગુસ્સે થઈ, થાળીને ઠોકર મારી અઘોરી કહે છે કે,”અમે અઘોર પંથના સાધુ છીએ, અમને તો રાંધેલું માંસ ખાવા જોઈએ..!”
દંપતી સ્તબ્ધ થઈ જાય છે, વણિકના ઘરમાં માંસ ચૂલે કઈ રીતે ચડે? પણ, જો માંગણી પૂરી ન થાય તો અતિથિ ઘરેથી ભૂખ્યો જાય અને સગાળશાનું વ્રત તૂટે. આખરે ખાટકીને ત્યાં જઈને તાબડતોબ સગાળશા માંસનો પ્રબંધ કરી આવે છે, અને રાંધેલું માંસ અતિથિને પીરસે છે. ત્યાં અતિથિ ફરી રોષે ભરાઈ થાળીનો ઘા કરે છે. અને કહે છે કે, “શેઠ! અમે રહ્યા અઘોરપંથી. અમને પ્રાણીઓનું માંસ ખવડાવીને અભડાવવા માંગો છો? અમને માનવ-માંસ સિવાય કઈ ન ખપે..!”
હવે દંપતી વિચારે છે કે આપણી ટેક પૂરી કરવા આપણે અન્ય માનવજીવનનો ભોગ ન આપી શકીએ. પ્રબંધ તો ઘરમાંથી જ કરવો જોઈએ, તેઓ ચેલૈયાનો ભોગ આપવાનું વિચારે છે. ભયંકર વેદનાને હૃદયમાં ભંડારીને દંપતી પુત્રના દેહનું ભોજન તૈયાર કરે છે, ત્યારે અતિથિ કહે છે કે,“મારે તો મસ્તકનું ભોજન જોઈએ..!” વધુમાં તેઓ કહે છે કે,”ચેલૈયાનું મસ્તક ખાંડણીમાં મૂકો. માથું ખાંડતી વખતે તમારા આંખમાંથી એક પણ આંસુ ખરવું ન જોઈએ.”
દંપતી તેમની આ શરતોનું પાલન કરે છે. માથું ખાંડતી વખતે તેઓ પોતાના દીકરાને યાદ કરી હાલરડું ગાય છે, જે “ચેલૈયાનું હાલરડું” તરીકે લોકસાહિત્યમાં સચવાયું છે. અંતે હરિ પ્રસન્ન થઈ, સાક્ષાત દર્શન આપે છે અને મૃત પુત્ર ચેલૈયો પણ પાછો આપે છે.
વિશેષતાઓ:
શેઠ સગાળશા અને ચેલૈયાની સાથે જોડાયેલી વસ્તુઓ હાલ પણ આ આશ્રમમાં મોજૂદ છે. આ ઉપરાંત અહીં લક્ષ્મીનારાયણનું અને હનુમાનજીનું મંદિર પણ છે. દિવાળીના દિવસે અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે.
Author: Morvee Raval #TeamAapduJunagadh
Also Read : જુનાગઢમાં ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ વિષય પર સેમિનાર યોજાયો હતો