Animal Ambulance : ઇજાગ્રસ્ત પશુ-પંખીઓ માટે ગુજરાત રાજ્યમાં ચાલતી આ ઈમરજન્સી એમ્બ્યુલન્સ વિશે તમે જાણો છો?

Animal Ambulance : ગુજરાત રાજ્યમાં કોઈપણ જાતની આપાતકાલીન સ્થિતિને નિવારવા રાજ્ય સરકાર દ્વારા 108ની સેવા 29, ઓગષ્ટ, 2007 ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેના વિશે આપણે સૌ માહિતગાર જ છીએ. આ આપતકાલીન સેવા માણસોને ઈમરજન્સી જેવી પરિસ્થિતીમાં મદદ કરી રહી છે. જેની ભવ્ય સફળતા બાદ ગુજરાત સરકાર દ્વારા મૂંગા પશુ-પંખીઓ માટે એક ઈમરજન્સી સેવાની શરૂઆત કરવામાં આવી, જેને “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962” ના નામથી ઓળખાય છે.

ગુજરાત સરકાર દ્વારા કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962ને ઓક્ટોબર-2017 માં ફલેગ ઓફ આપી સંબંધિત જિલ્લાઓમાં પ્રસ્થાન કરાવ્યું હતું. જે પહેલા ગુજરાત સરકારે સંવેદનાસભર અભિગમ દર્શાવી મકરસંક્રાંતિ-ઉત્તરાયણ વેળાએ પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થતાં પક્ષીઓની તત્કાલ સારવાર માટે ‘કરૂણા અભિયાન’ શરૂ કરાવ્યું હતું. આ અભિયાનને મળેલી વ્યાપક સફળતાને પગલે શરૂઆતમાં 108 આપાતકાલિન સેવાઓ જેવીજ “કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ-1962” સેવાઓ અગ્રતાના ધોરણે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જિલ્લા અને મહાપાલિકા તથા મહેસાણા, પાલનપુર, ભાવનગર એમ કુલ 11 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 સેવા 2017થી ઉપલબ્ધ બનાવી હતી. આ સેવાઓ દ્વારા 22 હજાર પશુ-પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી.

Animal Ambulance

ગુજરાત સરકારે અબોલ પશુજીવોની સેવાના આ યજ્ઞને વધુ વ્યાપક ફલક આપવા પશુપાલન વિભાગને પ્રેરિત કર્યુ, જેના પગલે રાજ્યના 26 જિલ્લાઓ આણંદ, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, નડિયાદ, ગાંધીનગર, ગીર-સોમનાથ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, મોરબી, કચ્છ, ડાંગ, વલસાડ, મહિસાગર, નવસારી તેમજ તાપી, ભરૂચ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર તથા નર્મદામાં આ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962નો પ્રારંભ કરાવ્યો હતો.

Animal Ambulance

રાજ્ય સરકારની આરોગ્ય વિભાગની ‘108’ સેવાની જેમ જ GVK-EMRI મારફતે જનભાગીદારીથી રાજ્યના પશુ-પક્ષીઓને અકસ્માત-ઇમરજન્સીમાં સારવાર મળી રહે તે માટે આ સેવાનો આરંભ કરાવ્યો હતો. આ એમ્બ્યુલન્સ વાન દ્વારા પશુચિકિત્સક જે તે સ્થળ પર જ પશુપક્ષીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડે છે. જેના માટે ‘1962’ ટોલ ફ્રી હેલ્પલાઇન સેવા પણ શરૂ કરવામાં આવી છે. હાલ ગુજરાત રાજ્યમાં પશુ આરોગ્ય માટે ૩૩ જિલ્લામાં વેટરનરી પોલિક્લિનીક, પશુ દવાખાના, મોબાઇલ પશુ દવાખાના અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો દ્વારા પશુ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

ગુજરાત સરકારે તમામ જીવ પ્રત્યે કરૂણા દાખવીને મનુષ્યની જેમ પશુ-પંખીઓ માટે પણ ગત ઓક્ટોબર-2017થી રાજયમાં 1962-કરૂણા એનિમલ એમ્બ્યુલન્સનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

ગત ઓક્ટોબર-2018ના રોજ આ ‘1962’ને એક વર્ષ પૂર્ણ થયું હતું, ત્યારે પ્રાપ્ત થયેલા આંકડા મુજબ સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યભરમાંથી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સે 37,672 ઇમરજન્સી કોલ આવ્યા હતા. જેમાં 31, ઓક્ટોબર,2018 સુધીમાં 37 કરૂણા એમ્બ્યુલન્સ દ્વારા 25,564 કોલ સફળતાપૂર્વક પૂર્ણ કરીને પશુ-પંખીઓને બચાવવામાં આવ્યા હતા.

જો આપની આજુબાજુના વિસ્તારમાં કોઈ પશુ-પક્ષી ઘાયલ કે ઇજાગ્રસ્ત અવસ્થામાં જોવા મળે તો તાત્કાલિક નીચે આપેલા ટોલ ફ્રી નંબરનો સંપર્ક કરવો, જેથી કરીને કોઈ મૂંગા પશુ-પંખીનો જીવ બચી શકે.

ટોલ ફ્રી નંબર- 1962

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com

Also Read : Khodaldham : શિલ્પ સ્થાપત્યના ઉત્તમ નમૂનાની સાથોસાથ ભક્તોની આસ્થાનું પ્રતિક: ખોડલધામ