Aarzi Hukumat Junagadh : સાદુળ ભગતની આ રચનામાં તેઓ વાત કરે છે આરઝી હકૂમતની. આપણામાંથી ઘણાને એવો પ્રશ્ન થશે કે, આ વળી નવું શું!! ખાસ કરીને નવી પેઢીના બાળકો અને યુવાનો તો આ શબ્દથી અજાણ જ હશે, પરંતુ જૂનાગઢનાં એક નાગરિક તરીકે આપણને આરઝી હકૂમત વિશે જાણકારી હોય તે જરૂરી છે. જૂનાગઢનાં નવાબે દિવાન ભુટ્ટોની સલાહ માનીને જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાનું નક્કી કર્યું અને એની સામે જૂનાગઢની પ્રજાએ જે શસસ્ત્ર લડાઈ આપી, એ છે આરઝી હકૂમત. ચાલો આજે આપને જણાવીએ આરઝી હકૂમત વિશેની કેટલીક મહત્વની વાતો…
સાદુળ ગ્યાં’તા શહેરમાં, રાખી બંધ મકાન,
આવ્યા ત્યાં તો ઘર મહીં,પેઠું પાકિસ્તાન
આરઝી હકૂમતનો ઇતિહાસ:
ઇ.સ.1947માં ભારત તો આઝાદ થઈ ગયું હતું, પરંતુ જુનાગઢ હજી આઝાદ થયું નહતું. ભારતના કેટલાક રજવાડાઓ અમુક રાજાઓ અને નવાબોના હાથમાં હતા. આ સમયે જૂનાગઢમાં નવાબ મહાબતખાનનું રાજ હતું. દીવાન શાહનવાઝ ભુટ્ટોએ નવાબના દિમાગમાં જૂનાગઢને પાકિસ્તાન સાથે ભેળવી દેવાનો વિચાર બરાબર ઠસાવી દીધો હતો અને નવાબે પણ તેની વાતોમાં આવીને દિલ્હી સરકારને જાણ કર્યા વગર જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડાયેલું જાહેર કરી દીધું હતું. આ સમયે જૂનાગઢનાં કેટલાક આગેવાનો મેદાનમાં આવ્યા. શામળદાસ ગાંધી અને અમૃતલાલ શેઠના નેતૃત્વ હેઠળ 25 સપ્ટેમ્બર, 1947ના રોજ આરઝી હકૂમતની સ્થાપના કરવામાં આવી.
શામળદાસ ગાંધીએ ઢંઢેરો પિટાવ્યો કે, જૂનાગઢની પ્રજાએ આરઝી હકૂમત રચી છે. હવે નવાબના શાસનનો અંત નજીક છે. આરઝી હકૂમત પાસે પોતાની ફૌજ હતી જેનું નામ હતું,‘આઝાદ જુનાગઢ ફોજ’. જેમાં 4000 જેટલા સૈનિકો હતા. 24 ઓકટોબરે આ ફોજ જૂનાગઢની સીમાએ પહોચી અને ધીરે ધીરે બધા ગામો કબ્જે કર્યા. જૂનાગઢની લડત લાંબી ચાલી અને નવાબ પોતાના કુટુંબ સાથે કરાચી નાસી ગયા.
નવેમ્બરમાં સરકારના ચીફ સેક્રેટરી બુચને જૂનાગઢનો કબ્જો સોપવામાં આવ્યો. જૂનાગઢમાં શાંતિ સ્થાપાયા બાદ પ્રજાની ઈચ્છા જાણવા માટે 20 ફેબ્રુઆરી, 1948માં લોકમત લેવામાં આવ્યો. 1,90,870 લોકોમાંથી માત્ર 9 લોકોએ જ પાકિસ્તાન તરફી મતદાન કર્યું અને અંતે આપણું જુનાગઢ પણ અખંડ ભારતનો એક ભાગ બન્યું.
જો આરઝી હકૂમતની સ્થાપના ન થઈ હોત તો જુનાગઢ આજે પાકિસ્તાનનો એક ભાગ હોત. આપણો ગરવો ગિરનાર આપણો ન હોત. નરસિંહ મહેતાનો વારસો ન હોત અને આપણી અસ્મિતાનું પ્રતિક એવું પવિત્ર સોમનાથ મંદિર પણ આપણું ન હોત. ધન્ય છે આ વિરોને જેમણે નવાબ સામે જંગ છેડીને આપણું જુનાગઢ બચાવ્યું અને આપણને પાછું અપાવ્યું.
Author: Urvashi Deshani #TeamAapduJunagadh
Also Read : We hail Supreme Court for passing the verdicts upholding Human Rights!