Junagadh News : આજકાલ જીવદયાના નામે ઘણી ન કરવાની પ્રવૃતિઓ થાય છે અને ભોળા લોકો પાસે કરાવવામાં આવે છે. સમાજમાં રહેતા ભોળા લોકો આવી વાતમાં ભોળવાઈને આંધળું અનુકારણ કરતાં સહેજ પણ નથી વિચારતા. પરંતુ એ જીવને આ બધુ ખવડાવવાથી શું નુકશાન થાય છે, તે અંગે આપણે ક્યારેય વિચાર કર્યો? નહીં..!! કારણ આપણને પૂણ્ય જોઈએ છે, ભલેને પછી એ પાપ થઈને મળે, ખરું ને!
ઘણી બધી એવી બાબતો હશે, જે કરતાં પહેલા આપણે પાંચસો વાર વિચાર કરતાં હોઈશું, પણ પાપ-પુણ્ય કે આપણાં લાભની વાત આવે એટલે કોઈપણ ખરાઈ કર્યા વગર આપણે અનુકરણ કરવા માંડીએ છીએ. પરંતુ આવું ન કરતાં, પહેલા આપણે હકીકત પણ જાણવી જોઈએ. પાણીમાં વિચરતી માછલીનો સાચો ખોરાક નાના જંતુઓ અને સેવાળ છે, જ્યારે આવી માછલીનો શિકાર પાણીમાં રહેતા પક્ષીઓ કરે છે. જે એકબીજા સાથે પરસ્પર જોડાયેલા છે અને એકબીજા પર આધાર રાખે છે.
આપણાં શહેરમાં આવેલા અનેક જળાશયો ઉપર તમે જશો ત્યારે જોશો કે, કેટલાક લોકો જળાશયમાં લોટની ગોળીઓ કે મમરા ઘા કરતાં હોય છે. જેનો ઉદ્દેશ્ય ખરાબ નથી, પરંતુ તેઓ ક્યાંક’ને ક્યાંક જળાશયને દૂષિત કરીને પર્યાવરણને નુકશાન પહોંચાડે છે. તમે કહેશો કે એવું થોડું હોય? તો તમે જ વિચારો કે, આ જળાશયનું પાણી શહેરી વિસ્તારના લોકો શું પીવા માટે ઉપયોગમાં નહીં લેતા હોય?
લોટની ગોળી અને મમરા એ અકુદરતી ખોરાક છે. માછલી આ ખાવા ટેવાય જાય, ત્યારે તે જળાશયમાં ઊગતા સેવાળ અને બીજા જંતુઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી બંધ થઈ જશે. પરિણામે સેવાળ અને બીજા જંતુઓનો ઉપદ્રવ જળાશયમાં વધશે. સેવાળ એ પણ એક પ્રકારની વનસ્પતિ જ છે, તે શ્વાસ લેવા માટે પાણીમાંનો ઓક્સિજન જ વાપરે છે. સેવાળનું પ્રમાણ વધવાથી પાણીમાં રહેલો ઓક્સિજન ઓછો થશે, જેને લીધે માછલીઓને પાણીમાંથી મળતો ઓક્સિજન નહિવત મળતા તે મૃત્યુ પામશે, જેની આડકતરી અસર પર્યાવરણ અને માનવ સૃષ્ટિ પર પણ થશે.
બીજી બાજુ માછલીનો શિકાર કરનારા જળચર પક્ષીઓને ગાંઠિયા ખવડાવી એક નવી આદત પાડી દીધી છે. એ તો ના સમજ જીવ છે, એના શરીરને એ માફક આવશે કે કેમ? એ બાબત એ પક્ષીઓ નહીં સમજી શકે, પરંતુ આપણે તો સમજવું જ પડશે ને. ઈશ્વરે જેને જન્મ આપ્યો છે, તેનું પેટ ભરવાનું એ નહીં ભૂલે. જેથી માનવીને એમાં જીવદયાના નામે ખલેલ પહોંચાડવાનો કોઈ જ અધિકાર નથી…
કડવું છે પણ સત્ય છે…
અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.
Email Id: aapdujunagadh@gmail.com
Also Read : સંપૂર્ણપણે પ્રાકૃતિક અને ભેળસેળ રહિત વસ્તુઓ, ખેડૂતો પાસેથી ખરીદવાનો અવસર એટલે “અમૃત આહાર ઉત્સવ”