ભગવાન શ્રીકૃષ્ણ થી મોટો શિક્ષક આ દુનિયામાં કોઈ હોય જ ન શકે!
કેવી રીતે આવો જાણીએ..
વૃંદાવનનો નટખટ કનૈયો અને દ્વારકાના કુશળ રાજનીતિજ્ઞ ભગવાન શ્રીકૃષ્ણ એ યોગ, જ્ઞાન, ધર્મ, કર્મ વગેરે વિષયોમાં દ્વાપરયુગથી માંડીને કલિયુગમાં પણ મનુષ્યોનું પથદર્શન કર્યું છે! એટલે જ તો આપણે ત્યાં કહેવાય છે કે;
कृष्णं वंदे जगद्गुरुम्
શ્રીમદ્ ભગવદ્ ગીતા સમગ્ર વિશ્વનો અજોડ ધર્મગ્રંથ છે, જેણે માનવજાતને જીવન જીવતા શિખવ્યું છે. મહાનાયક શ્રીકૃષ્ણની ઉત્તમ શિક્ષક(ગુરૂ) તરીકેની લાક્ષણિકતાનો પૂર્ણ સ્વરૂપે પ્રકટ થતી દેખાય છે. ગીતાજીના 18 અધ્યાયમાં જે જ્ઞાન પીરસવામાં આવ્યું છે અને જીવનપથ પર ચાલવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે તે વિશ્વના ભાગ્યે જ કોઇ ગ્રંથમાં જોવા મળે છે! મેકોલેના રંગે રંગાઇને ઘડાયેલી આપણી શિક્ષણ પદ્ધતિમાં ઉછરેલા અને મટિરિયલ્સ કે મેનેજમેન્ટ જ નહિ, પરંતુ માહિતી અને જ્ઞાન માટે પણ પશ્ચિમને જ આદર્શ માનનારા આપણા દેશી સાહેબોને’ય મોડે મોડે એવું જ્ઞાન લાધ્યું છે કે, મોડર્ન મેનેજમેન્ટ, કમ્યુનિકેશન, રણ કૌશલ અને વ્યુહરચના જેવા અર્વાચીન સિદ્ધાંતોને ભગવદ્ ગીતામાં જગદ્ગુરૂ શ્રીકૃષ્ણએ જ નિરૂપિત કર્યા છે.
ડિપ્રેશનમાં હજ્જારો રૂપિયા ખર્ચીને ગોળીઓ ખાઇ ખાઇને જીવતા દર્દીઓને અર્જુનનું ડિપ્રેશન (વિષાદયોગ) કેટલો ગંભીર હશે; તે એ બાબત પરથી ખ્યાલ આવવો જોઇએ કે, એકબીજાના માથાં વાઢી લેવા તત્પર થયેલી આધાર અક્ષૌહિણી સેનાની વચ્ચે કુરૂક્ષેત્રમાં ધનુર્ધર અર્જુન ગાંડીવ મુકીને ભાંગી પડ્યો હતો, એ ડિપ્રેશનમાંથી પ્રશ્નો અને જવાબો વિગેરે મળીને માત્ર 700 સંવાદો વડે અર્જુનને ઉગારી લેવાનું કામ તો આ ગુરૂએ કર્યુ જ, પરંતુ પાંચ હજાર વર્ષ પછી પણ એ 700 શ્લોકો આજે’ય રોજેરોજ હજારો લોકોને ઉગારે છે.
શ્રીકૃષ્ણએ કહેલી ગીતા પણ બ્રહ્મવિદ્યા અને ઉપનિષદ્ જ છે, ક્યારેય તેઓ વૈશ્વિક સુખને વળગી નથી રહ્યા! તેઓ સતત સાંસારિક બાબતો, રાજ-કાજ વગેરેની વચ્ચે રહેવા છતાં જળકમળ વત રહ્યા અને કર્મયોગનું નિદર્શન કર્યું. શ્રીકૃષ્ણએ કોઇપણ જાતના હર્ષ કે શોક વગર અર્જુનનો વિષાદ સાંભળ્યો અને તેને પોતાના કર્મનું પાલન કરવા પ્રેરિત કર્યો. શ્રીકૃષ્ણએ ભક્તોને સંપૂર્ણ પ્રભુમય બની અને સમર્પણ ભાવ રાખવા માટે જણાવ્યું છે, પરંતુ કુરૂક્ષેત્રમાં અર્જુન દ્વારા પૂછવામાં આવેલા દરેક સવાલના જવાબ તર્કબદ્ધ રીતે આપ્યા છે!
આ ઉપરાંત શિક્ષક કે ગુરૂ વિદ્યાર્થી કે શિષ્યને ખાતરી પણ આપતા હોય છે કે, તેમને દર્શાવેલા રસ્તા પર ચાલવાથી તેનું ભવિષ્ય ઉજળું બનશે અને સમાજ કે દેશનું પણ ભલું થશે! શ્રીકૃષ્ણએ પણ અર્જુનને કહ્યું હતું કે, તેણે આ યુદ્ધમાં તેના સગાં-વ્હાલાંનો સામનો ધર્મની સ્થાપના માટે કરવાનો છે અને જો તે જીતશે તો પૃથ્વીનું સામ્રાજ્ય મળશે અને વીરગતિને પ્રાપ્ત થશે તો સ્વર્ગ મળશે! ગુરૂ કે શિક્ષકનું કાર્ય વિદ્યાર્થી કે શિષ્યના જીવનના મહત્વના નિર્ણય લેવાનું નથી, પરંતુ જીવનની વાસ્તવિકતાથી તેનો પરિચય કરાવવાનો છે! સાથે-સાથે સાચા અને ખોટાની સમજ આપીને તેને પોતાની જાતે નિર્ણય લેવા સમર્થ બનાવવાનું કાર્ય સાચો શિક્ષક કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ અર્જુનને પોતાની રીતે સાચો નિર્ણય લેવા સમર્થ બનાવ્યો.