જૂનાણાં એ સાહિત્ય ક્ષેત્રે આ ઉત્તમ સાહિત્યકારો આપીને આપ્યો છે અમૂલ્ય ફાળો

જૂનાણાં

જૂનાણાં શબ્દ પર ક્યાં કોઈનો અધિકાર છે, આસ્થા રાખો તો અનરાધાર છે..!! દક્ષિણ સૌરાષ્ટ્રના એક ખૂણે આવેલું, વર્ષો સુધી નવાબી અમલમાં રહેલું જૂનાગઢ સાહિત્ય ક્ષેત્રે અમૂલ્ય ફાળો ધરાવે છે. સાહિત્ય જગતના ઈતિહાસમાં જૂનાગઢનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે તો, આવો વાત કરીએ જૂનાગઢના એ સાંપ્રત સાહિત્ય પ્રવાહોની…

જૂનાગઢ “વૈષ્ણવજન” દ્વારા આખા’ય ભારતમાં જ નહીં સંપૂર્ણ જગતમાં જાણીતા બનનાર નરસિંહ મહેતાની એ લીલી ભૂમિ-કવનભૂમિ છે, જૂનાગઢમાં જ રણછોડજી અમરજી દીવાને કાવ્ય રચના કરવા ઉપરાંત ફારસીમાં ‘તવારીખ-એ-સોરઠ’ (સોરઠની તવારીખ)ની રચના દ્વારા ઈતિહાસવિદોમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

સૌરાષ્ટ્રનો ઈતિહાસ લખનાર ભગવાનલાલ છત્રપતિ, ‘શાકુંતલ’ના અનુવાદક રા.સા. દલપતરામ પ્રાણજીવનદાસ ખખ્ખર, દલપત શૈલીના કેટલાક સરસ કાવ્યો આપનાર મણિલાલ નાણાવટી અને ગિરનાર તળેટીના શિલાલેખો ઉકેલી પુરાતત્વવિદ્દ તરીકે સમગ્ર જગતનું ધ્યાન ખેંચનાર ડો. ભગવાનલાલ જેવી વ્યક્તિઓની સાહિત્ય ક્ષેત્રે આગવી ઓળખ રહેલી છે.

‘રાણકદેવી’ જેવી નવલકથાના સર્જન ઉપરાંત અનેક આખ્યાનો અને કાવ્યોની રચના તેમજ ‘આનંદ’ માસિક દ્વારા ભક્તિસ્ત્રોતને સજીવન રાખનાર ભક્તરાજ અનંતપ્રસાદ ત્રિકમલાલ વૈષ્ણવ અને ઇસ્લામ વિશે ગુજરાતીમાં ગ્રંથો રચનાર મૌલાના પીર સૈયદ મોટામીયાં માંગરોળના વતની હતા.

પોતાની અનેક વિચિત્રતાઓથી જાણીતા નારાયણ હેમચંદ્ર દીવના વતની હતા. જેમની શતાબ્દી ગુજરાતી સાહિત્ય પરિષદની સાથે જ ઉજવાય છે અને જેમના સ્વર્ગવાસ પછી ‘સૌરાષ્ટ્ર સાધુસૂનો થતો જાય છે’ એવા ઉદ્દગારો આપનાર ન્હાનાલાલ કવિ અમૃતલાલ સુંદરજી પઢિયાર જુનાગઢ પાસેના ચોરવાડના વતની હતા.

બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કરી સાહિત્ય ક્ષેત્રે ઝળકનાર તેજસ્વી તારકોનો નિર્દેશ કરવાનું મન રોકી શકાતું નથી. એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડોલરરાય માંકડ, ‘ધૂમકેતુ’, ઝવેરચંદ મેઘાણી, ‘ગજેન્દ્ર મૌતિક’ ના લેખક ગજેન્દ્ર બુચ, પત્રકાર રવિશંકર મહેતા આદિનો સમાવેશ થાય છે.

“અવગમની એંધાણી, ચાતક પીએ એઠા પાણી” જેવી ભજનપંક્તિ આપનાર ‘રામરસ’ના કવિ ‘સરોદ’, મીરાંબાઈ અને મીર બંનેનું ખેંચાણ જાણનાર, ગઝલકાર ‘ગાફિલ’ મનુભાઈ ત્રિવેદી (બહાઉદ્દીન કોલેજના જ વિદ્યાર્થી) ન્યાયતંત્રમાં જુનાગઢ આવ્યા, યુવાનમિત્રોને નવી પ્રેરણા મળી, તેમનો ઉત્સાહ વધ્યો, તેમજ મુશાયરાઓનું આયોજન થવા લાગ્યું.

ફક્ત ‘ગાફિલ’ જ નહિ, મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, ‘બરબાદ’ જૂનાગઢી, પ્રફુલ્લ નાણાવટી, ઉમાકાંત ભટ્ટ જેવા પ્રસિદ્ધ કવિઓ, લેખકો, ગઝલકારો પણ ભાગ લેવા લાગ્યા.

ગઝલકારોનો ઉલ્લેખ થતો હોય ને, મનોજ ખંડેરિયા વિશે વાત ન થાય એ કઈ રીતે બને? અત્યંત સરળ રીતે, સહજતાથી, વાતચીતના લય લહેકાથી, સૂક્ષ્મ-ઊંડા અધ્યાત્મ-શૃંગાર કે માનવ સહજ ભાવોની તીર્થક અભિવ્યક્તિ શ્રી મનોજ ખંડેરિયાની ગઝલબાનીનું સૌંદર્ય ગણાવી શકાય..

‘ગઝલગઢ’ની આ વિસ્તૃત પરિક્રમા પૂર્ણ કરી બહાર આવતા પહેલા ‘ગઢ’ ના દ્વારે જ સ્થિત એવા ગઝલકાર પર દ્રષ્ટિ સ્થિર થાય છે. હું વાત કરું છું. સ્વ. ‘સવા’ મઝલુમી સાહેબની.!! એમનો પરિચય એટલો જ કે તેઓ ગઝલનો સાક્ષાત ઈતિહાસ જ છે.

સાહિત્ય ક્ષેત્રે જૂનાગઢ આમને આમ ઝળહળતું રહે તેવી શુભકામનાઓ…!

Author: Morvee Raval #TeamAapduJunagadh

Also Read : જાણો શરૂ થનારી લીલી પરિક્રમા વિશેની સંપૂર્ણ માહિતી | About Lili Parikrama 2018 | Junagadh