શાહી સ્નાન અને મૃગીકુંડનો અલૌકિક મહિમા

શાહી સ્નાન

શાહી સ્નાન : મહાશિવરાત્રીનો મેળો એટલે સંસારી લોકોની સાથે સાથે સંન્યાસી અને સાધુ સંતોનો મેળો. ગુજરાત અને દેશભરના સાધુ-સંતો આ મેળામાં ધૂણી ધખાવીને બેઠા હોય છે અને લોકો તેમના દર્શન કરીને આશીર્વાદ મેળવીને ધન્ય બને છે, પરંતુ આ મેળો માત્ર હરવા-ફરવા અને મોજમજા કરવા માટેજ જાણીતો નથી.

ભવનાથનાં મહાશિવરાત્રિના મેળાનું મુખ્ય આકર્ષણ નાગાસાધુઓની રવેડી પણ છે અને આ રવેડી બાદ કરવામાં આવતું શાહી સ્નાન! કહેવાય છે કે, આ શાહીસ્નાનમાં સ્વયં ભોલેનાથ પણ ઉપસ્થિત રહે છે અને જ્યારે બધા નાગાસાધુઓ મૃગીકુંડમાંથી શાહીસ્નાન કરીને બહાર નીકળે છે, ત્યારે તેમાંના એક સાધુ બહાર નથી આવતા અને આ સાધુ એટલે ભગવાન ભોલેનાથ પોતે જ. એવું તો શું હશે મૃગીકુંડમાં કે ખુદ ભગવાન પણ તેમાં સ્નાન કરવાં આવે છે? તો ચાલો જાણીએ મૃગીકુંડ વિશે અને જાણીએ તેનાશાહી સ્નાનનો મહિમા…

મૃગીકુંડનો સીધો અર્થ થાય હરણીનો કુંડ, એટલે આની પાછળ રહેલી કથા પણ એક મૃગલી સાથે સંકળાયેલી જ છે. એક કથા અનુસાર ભગવાન શિવજી માતા પાર્વતિને કોઈ સવાલનો જવાબ આપતા વાર્તા કહે છે કે, ” કાન્યકુબ્જ દેશમાં ચંદ્રવંશી રાજાભોજ રાજ કરતો હતો અને તે તેની પ્રજાને ખૂબ પ્રેમ કરતો હતો. તેના મહત્તમ સેવકો જંગલમાં અને પર્વતોમાં રહેતા હતા. ત્યારે એક દિવસ તેના એક સેવકે આવીને જણાવ્યું કે, મૃગ એટલે કે હરણનું એક ટોળું જંગલમાંથી પસાર થઈ રહ્યું છે અને તેમાં એક મૃગમુખી સુંદરી પણ સામેલ છે. રાજાને આ જાણીને ખૂબ આશ્ચર્ય થયું અને તે તરત જ પોતાની સેના લઈને જંગલ તરફ રવાના થયો અને પેલી મૃગમુખી સુંદરીને પોતાની સાથે રાજમહેલમાં લઈ આવ્યો.

રાજાએ તે સ્ત્રીને ઘણા સવાલો પૂછ્યા, પરંતુ તે કઈ ઉત્તર આપતી નહોતી. જેથી બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા અને આ સુંદરીને સવાલ પુછવામાં આવ્યા. જેના ઉત્તરમાં એ મૃગલી પોતાના અસ્તિત્વની વાતો કહેવા માંડી કે, “હું પૂર્વ જન્મમાં વાંગ દેશના રાજાની કુંવરી હતી અને મારા પિતાજીએ મને આ રાજાના હાથમાં સોપી હતી, પરંતુ આ રાજા અવળે રસ્તે ચઢી ગયો હતો અને યુદ્ધમાં દુશ્મનોના હાથે મરાયો હતો અને હું તેની પાછળ સતી થઈ હતી. ત્યારબાદ બીજો જન્મ થયો હતો, જેમાં આ બ્રાહ્મણ હતા અને હું તેમને પરણી હતી, પરંતુ એ બ્રાહ્મણ ખૂબ લાલચુ અને ત્રાસ આપનારો હતો. ત્યારબાદ મગર તેમજ અન્ય સ્વરૂપે પણ મારો જન્મ થયો અને એક જન્મમાં એક ઋષિએ મને કહ્યું કે, તું સૌરાષ્ટ્ર પ્રદેશના રેવતાચળ પર્વત પાસે જા અને ત્યાં તારો મોક્ષ થશે, એટલે હું અહી રેવતાચળમાં આવી છું.”

રાજાએ મૃગલીની આ વાતો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા અને મૃગલીને પોતાની પટરાણી બનાવી લીધી જેથી મૃગમુખી સુંદરીનો મોક્ષ થઈ ગયો. જેના કારણે રાજાએ ત્યાં એક કુંડ બનાવ્યો જેનું નામ “મૃગીકુંડ” રાખવામાં આવ્યું. આ કુંડમાં સ્નાન કરનારને મુક્તિ મળે છે તેવું મહાત્મ્ય ત્યારથી રચાયું. આ મૃગીકુંડમાં કરોડો તીર્થ વસેલા છે અને તેમાં ગંગેશ્વર, સહસ્ત્રબિંદુ, સુવર્ણરેખા નદી વહે છે,જે સર્વે પાપનો નાશ કરે છે. આમ, આ મૃગીકુંડ રાજા ભોજે બંધાવ્યું તેવું કહેવાય છે અને જૂના સમયમાં તેમાં તરતા પથ્થરો પણ જોવા મળતા હતા.

‘સ્કંદપુરાણ’માં તો કહેવાયું છે કે મૃગીકુંડ જેવુ સ્થળ સમગ્ર પૃથ્વી પર છે નહિ અને કદાચ બનશે પણ નહીં. મૃગીકુંડ પાસે કાળમેઘ નામના ક્ષેત્રપાળનાં સ્વરૂપે સાક્ષાત શંકર ભગવાન બિરાજે છે. આ કુંડે મૃગલીને સાતમા જન્મમાં મોક્ષ આપ્યો હતો, જો કોઈ આ કુંડમાં સ્નાન કરે તો તેના ભવેભવનાં પાપ ધોવાઇ જાય છે.  કહેવાય છે કે, પહેલા તો આ કુંડમાં પ્રજાજનો પણ સ્નાન કરતાં હતા, પરંતુ કાળક્રમે માત્ર નાગાસાધુઓ જ મહાશિવરાત્રિની રવેડી પૂર્ણ થયા બાદ મહાશિવરાત્રિની રાતે 12વાગ્યે આ કુંડમાં શાહીસ્નાન કરે છે અને પોતાના ગંતવ્ય સ્થાન તરફ રવાના થાય છે.

આમ, જેટલું મહત્વ મહાશિવરાત્રીનું છે, તેટલું જ મહત્વ મૃગીકુંડ અને તેમાં કરવામાં આવતા સ્નાનનું છે. આ કુંડમાં સ્નાન કરવાથી ઘણા મહાત્માઓને મુક્તિ મળેલી છે.

Also Read : JMC’s health department raided the ice factory