મહાબત મકબરા : વ્યસ્ત સડકોની વચ્ચે ધબકતું જૂનાગઢનું હૃદય

મહાબત મકબરા

મહાબત મકબરા : જૂનાગઢ એટલે ઐતિહાસિકતાનો પર્યાય. જૂનાગઢના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો, અનેક એવા રાજ-રજવાડા અને તેમના દ્વારા મળેલો અમૂલ્ય વારસો આપણી નજર સમક્ષ આવીને ઊભો રહે. દેશ વિદેશથી આવતા પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનીને ઊભેલી આ પૌરાણિક ઇમારતો જૂનાણાંના મહત્વમાં ચાર ચાંદ લગાવી દે છે.

જો વાત કરીએ જૂનાગઢ શહેરની મધ્યમાં વ્યસ્ત સડકોની વચ્ચે અવિરત ધબકતા હૃદય સમાન મહાબત મકબરાની તો…
મહાબત મકબરો એ નવાબી કાળનાં બેનમૂન અને સમૃદ્ધ વારસાની નિશાની છે. ઇ.સ. 1800 ના ઉત્તરાર્ધમાં નિર્માણ પામેલ આ વૈભવશાળી ઇમારત હિંદુ, મુસ્લિમ, યુરોપીય અને ગૉથિક વાસ્તુકલાનું મિશ્રણ છે. આ મહાબત મકબરો એ જૂનાગઢના નવાબ મહાબત ખાનજી બીજાનો તથા બાજુમાં આવેલો બહાઉદ્દીન મકબરો એ નવાબ રસુલ ખાનજીના વજીર બહાઉદ્દીનભાઈનો છે. ભારતને આઝાદી મળ્યા બાદ તેને રક્ષિત સ્મારક તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.

જૂનાગઢનાં નવાબ રસુલખાનજીને જ્યાં દફનાવવામાં આવ્યા છે એ સ્થળ એટલે મહાબત મકબરો, તેમજ બાબી પરીવારનાં અન્ય સભ્યોને પણ અહિયાં દફનાવવામાં આવ્યા હતા, જેની સાક્ષી અહિયાં સ્થિત થયેલી કબરો પૂરે છે. આ મકબરાનું નિર્માણકાર્ય ઇ.સ.1878 માં મહાબત ખાનજી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જે નિર્માણકાર્ય ઇ.સ.1892 માં બહાદુર ખાનજી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું.

ઈતિહાસવીદોના કહેવા અનુસાર નવાબી કાળમાં તેમાં સોના-ચાંદી અને હીરા ઝવેરાતની હાંડીઓથી શણગારવામાં આવ્યો હતો. આ મકબરો આજે પણ એ વખતની સ્થાપત્ય કલાની સાક્ષી પૂરે છે.

આ બંને ઇમારતોની ખાસ વિશેષતાઓમાં નાના ગુંબજો, અત્યંત બારીકીથી કરેલ નકશીકામ, ફ્રેન્ચ શૈલીની બારીઓ, ગૉથીકશૈલીની કોલમ અને ચળકતા ચાંદીના દરવાજા સામેલ છે. આ મકબરાનો અંદરનો અને બહારનો ભાગ પથ્થરો પર બેનમૂન કોતરણી કરીને તૈયાર કરેલ છે ઉપરાંત બંને ઇમારતો ડુંગળી આકારનાં ગુંબજો ધરાવે છે. અન્ય આકર્ષણમાં મકબરાની ચારે બાજુએ ચાર મિનાર છે જેની ફરતે વક્રાકારે સીડીઓ છે.

જો કે હાલમાં તંત્ર દ્વારા કોઈ કાળજી લેવામાં ન આવતી હોવાથી તથા લોકોની જાગૃતિના અભાવે આ મકબરાની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. તો આવો આપણને પ્રાપ્ત થયેલી આ વિરાસતોનું રક્ષણ કરીએ અને લોકોને તેનું મહત્વ સમજાવી તેનું નુકશાન કરતાં અટકાવીએ.

Author:SumitJani#TeamAapduJunagadh

Also Read : મહાબત મકબરા: વ્યસ્ત સડકોની વચ્ચે ધબકતું જૂનાગઢનું હૃદય