Narsinh Mehta Jayanti : જ્યારે કોઈ પૂછે મેવાડ કોનું? તો તરત જવાબ મળે કે મેવાડ તો મીરાંબાઈનું હો! મીરાંબાઈએ મેવાડ પર ક્યારેય રાજ નહોતું કર્યું, તેમ છતાં આજે મેવાડ મેવાડ મીરાંબાઈનું કહેવાય! એમ જ્યારે પુછવામાં આવે કે, આપણું જૂનાગઢ કોનું? તો દિલમાંથી ગર્વ સાથે જવાબ નીકળે કે મહેતા નરસિંહનું.
રા’નવઘણ, માંડલીક, મહોમદ્દ બેગડા અને બાબી વંશના કેટલાય નવાબોએ જૂનાગઢ પર રાજ કર્યું, તેમ છતાં જૂનાગઢ તો નરસિંહ નું જ કહેવાય. આ જ તાકાત છે ભક્તિની. પોતાની ભક્તિની શક્તિ જેણે તારણહારને પામી લીધા એ નરસિંહ મહેતા મૂળ વડનગરા બ્રાહ્મણ હતા. તેઓ કાળક્રમે તળાજા આવી ને વસ્યા. ત્યાંના રાજા સાથે સૂમેલ થવાથી, તેઓ જાગીરદાર બન્યા અને એમની અટક પંડ્યામાંથી ‘મહેતા’ થઇ ગઈ. એમના પિતા કૃષ્ણ દામોદર લશ્કરમાં સિપાહી હતા. વંથલી પાસેના એક સંગ્રામમાં તેઓ શહીદ થઇ ગયા. ત્યારબાદ એમની માતા દયાકોર પણ ગુજરી જતા નરસિંહે માત્ર 5 વર્ષ ની ઉંમરે માતાપિતાની છત્રછાયા ગુમાવી.
નરસિંહ મહેતા હવે ભાઈ-ભાભીની સાથે રહેવા લાગ્યા. આશરે ઈ.સ.1414 માં વૈશાખી પૂર્ણિમાએ જન્મેલા નરસિંહ મહેતા વિશે કહેવાય છે કે, તેઓ 8 વર્ષની ઉંમરે બોલતા શીખ્યા અને 9 વર્ષની ઉંમરે એમના લગ્ન માણેકબાઈ સાથે થયા હતા. એકવાર ભાભી ઝવેરબાઈએ મહેણું માર્યું કે,“રોજ-રોજ મફતના રોટલા કાતરો છો, તો તમારા ભગવાનને જ કહો કે તમારું હોજરૂ ભરે.” આવા વેણથી મહેતાજીને હૈયે લાગી આવ્યું અને હવે તો ભગવાન જ ભરશે એમ કહીને ઘરમાંથી નીકળી ગયા. ગામની બહાર એક જર્જરિત શિવજીના મંદિરમાં બેસીને ભક્તિ કરવા લાગ્યા અને આઠ દિવસ શિવ સાધના કરી.
“હવે તો તું જ તારણહાર, હરિવર ઝાલજે મારો હાથ.”
એવું માનવામાં આવે છે કે, ચૈત્રી સુદ ચૌદસના દિવસે શિવજી પ્રસન્ન થયા અને ભગવાને આ નાગરનો હાથ નંદકુંવરને સોંપ્યો. એ વખતે નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણ-રાધાજીની રાસલીલાના સાક્ષાત દર્શન થયા. એ પછી તો નરસિંહ મહેતાએ ગોકુળ, મથુરા, દ્વારિકાની યાત્રા કરી અને તેઓ કુટુંબ સાથે જુનાગઢમાં જ સ્થાઈ થયા.
તેઓએ વૈષ્ણવ જન, નાગદમન જેવા ભક્તિગીતો રચ્યા તેમજ હાર, હૂંડી, શામળશાના વિવાહ, રાસસહસ્ત્રપદી, ચાતુરી જેવા કેટલાય અધ્યાત્મ પદોની રચના કરી. કેદાર રાગ તો જાણે નરસૈંયા માટે જ રચાયો હતો. તેઓ નિત્ય દામોદર કુંડમાં ન્હાવા જતા હતા. એમના પિતાનું શ્રાદ્ધ, કુંવરબાઈનું મામેરું, શામળશાનો વિવાહ, હારની ચોરીનો આળ વગેરે પ્રસંગોએ મદદ માટે ખુદ દ્વારિકાનાથને દોડતા આવવું પડ્યું હતું.
દીકરા શામળશાનો વિવાહ વડનગરના દીવાન મદન મહેતાની દીકરી સુરસેના સાથે થયેલા અને પુત્રી કુંવરબાઈના લગ્ન ઉનાના શ્રીરંગ મહેતાના પુત્ર સાથે કરેલા. કુંવરબાઈનું મામેરૂ ખુદ દ્વારકાધીશ ભરે, અને એનું વર્ણન પણ ન થઇ શકે એવી અદ્દભુત ઘડી હતી. જૂનાગઢના રાજા માંડલીકે લોકોની ખોટી કાન ભંમભેરણીથી નરસિંહને જેલમાં પૂર્યા. દ્વારકાધીશના ચમત્કારથી નરસિંહને છોડ્યા અને માફી પણ માંગી, પરંતુ એ પછી જૂનાગઢ પરથી મન ઉઠી ગયું અને તેઓ માંગરોળ જતા રહ્યાં. ઇ.સ.1489માં નરસિંહ મહેતાનું અવસાન થયું અને તેઓ વૈકુંઠ સીધાવ્યા. માંગરોળનું સ્મશાન આજે પણ “નરસિંહનાં સ્મશાન”ને નામે ઓળખાય છે.
ભક્ત કવિશ્રી નરસિંહ મહેતાની જન્મજયંતી નિમિતે આપ સૌને જય શ્રીકૃષ્ણ…
અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.
Email Id: aapdujunagadh@gmail.com
Also Read : Forest Department – ધગધગતા તાપની વચ્ચે તરસ્યા પશુઓ માટે વન વિભાગ કરી રહ્યું છે આ પ્રકારની ખાસ કામગીરી!