Vanzari Chowk Junagadh Garbi : સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન ગુજરાતીઓમાં કંઈક અલગ જ જુસ્સો અને જુનુન હોય છે. ઘણાં લોકો નવરાત્રીમાં આકર્ષક દેખાવા અને અલગ તરી આવવાં નવરાત્રી પહેલાં જ ગરબે રમવાની અને અલગ અલગ પહેરવેશની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે, તો કોઈક બસ પોતાના જ અંદાજમાં સઘળી ભાન ભૂલીને ગરબે ઘૂમતા હોય છે. આ બધી વાત તો અત્યારે ચાલી રહેલા ટ્રેન્ડની થઈ પણ જૂનાગઢમાં પહેલાંના સમયમાં નવરાત્રીમાં કંઈક અલગજ માહોલ જોવા મળતો.
જૂનાગઢની નવરાત્રીના ઇતિહાસને ચકાસતા એવું નજરે ચઢે છે કે, અહીં આઝાદીનાં સમય પહેલાં પણ નવરાત્રી ઉજવવામાં આવતી અને આ નવરાત્રીની પરંપરા હજુએ વણઝારી ચોકમાં થતી પ્રાચીન ગરબીમાં ગરબે ઘૂમતી બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે.
ઘણાં વર્ષોથી ચાલી રહેલી આ ગરબીઓમાં કળા-નૃત્યોને સાંકળતા રાસ રમાડવામાં આવે છે, જેમાં મુખ્યત્વે સળગતી ઈંઢોણીનો રાસ, વીંછુડો રાસ, ટિપ્પણી રાસ, આવળમાંનો જોડીયો રાસ જેવાં વગેરે રાસ રમાડવામાં આવે છે. આ રાસમાં માત્ર માતાજીનું સ્વરૂપ મનાતી નાની બાળાઓ દ્વારા જ રજુ કરવામાં આવે છે. જેમાં પુરુષોના અને માતાજીના પાત્રો આ બાળાઓ દ્વારા જ અલગ અલગ વેશભૂષામાં રજૂ કરવામાં આવે છે.
વણઝારી ચોકમાં યોજાતી આ પ્રાચીન ગરબીમાં ચોટીલાના ડુંગરની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ વર્ષે જૂનાગઢ કલા જગતના નામાંકિત ચિત્રકારો અને કલાકારો દ્વારા ચોટીલાના ચામુંડા માતાજીની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. જેમાં ચોટીલા હાઇવે પરના એન્ટ્રી ગેટથી શરૂઆત કરીને બંને સાઇડ પરની માર્કેટ, પાર્કિંગ, અન્નક્ષેત્ર, ધર્મશાળા, ડુંગર અને ડુંગર ઉપરના ગર્ભગૃહની આબેહૂબ વર્ણન કરતી પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી છે. આ નવલી નવરાત્રી દરમિયાન તેને લોકોના દર્શનાર્થે તેને ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.
10×12 ફૂટની સાઈઝનો આ પર્વત 10 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે છે. પર્વતની પ્રતિકૃતિ સાથે વીજળી બચાવવાના સંદેશ સાથેની સોલાર પેનલ, સોલાર વોટર હીટર, સેવ ઇલેક્ટ્રિકસીટી, સ્વચ્છ ભારત વગેરેના સંદેશા પણ રજૂ કરવામાં આવ્યા છે. 10 કલાકારોની 20 દિવસની અથાગ મહેનત બાદ થર્મોકોલ અને આર્ટિફિશિયલ મટિરિયલમાંથી ચોટીલા સ્થિત ચામુંડા માતાજીના ડુંગરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.
Also Read : જુનાગઢ શહેરમાં સૌ પ્રથમ વાર ગુજરાત રાજય અંડર – 19 બેડમીન્ટન ટુર્નામેન્ટનું આયોજન