Malbapa Manekvada : બે ગામના કજિયા વચ્ચે એક સાપએ ચિરાઈને પોતાનો જીવ આપી દીધો. જાણો માલબાપા ની અલૌકિક ગાથા…

Malbapa Manekvada

Malbapa Manekvada : જૂનાગઢથી ૩૦ કિલોમીટરના અંતરે વેરાવળ ફોરલાઈન હાઇવે પર જતા અને કેશોદ તરફથી 15 કિલોમીટરના અંતરે સાબરી નદીના કાંઠે માણેકવાડા ગામ આવેલું છે. માણેકવાડા ગામમાં આવેલું માલબાપા નાગદેવતાનું મંદિર વર્ષોથી શ્રદ્ધાળુઓ અને તેમના ભક્તો માટે એક આસ્થાનું પ્રતીક રહ્યું છે. આજે વાત એ જ નાગદેવતાના ઇતિહાસની કરવાની છે.

Malbapa Manekvada

એક લોકવાયકા મુજબ, વર્ષો પહેલા જૂનાગઢ તાબાના બે ગામમાં એક માનેકવાડા અને મગરવાડા વચ્ચે ગામના સીમાડાને લઈને વર્ષોથી કંકાસ ચાલતો હતો. ઘણા વર્ષો થયા પરંતુ આ બંને ગામ વચ્ચે કોઈપણ કારણસર સમાધાન થતું ન હતું. એક દિવસ તો વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે બંને ગામના લોકો એકબીજા સામે હથિયારો સાથે મારામારી કરવા પહોંચી ગયા, પરંતુ એ જ સમયે ગામજનોએ જોયું કે ત્યાંથી એક વિશાળ સાપ પસાર થઇ રહ્યો છે. ગામજનોને લાગ્યું કે આ કોઈ સાધારણ સાપ નથી પરંતુ કોઈ દૈવી સાપ લાગે છે. તેમણે સાપને વિનંતી કરી કે અમારા આ ઝઘડાનું કંઈક નિવારણ આપો.

Malbapa Manekvada

ગામના લોકોની આજીજી સાંભળીને સાપ અચાનક રોકાઈ જાય છે અને તેમનો સર્પાકાર માર્ગ બદલીને એકદમ સીધો અને સપાટ ચાલવા લાગે છે બંને ગામની વચ્ચે તે સીધો ચાલતો જાય છે અને બંને ગામ લોકોએ નક્કી કર્યું સાપ જે અમારા સીમાડા નક્કી કરે તેજ માન્ય રાખવા. સાપ આગળ ચાલતો જાય છે અને પાછળ ગામજનો ચાલતા જાય છે.

કુદરતનું કરવું અને ત્યાં સાપના માર્ગમાં એક કેરડાના સૂકા ઝાડનું ઠુઠુ પડેલું હોય છે, ગામલોકો પણ મુંઝાય છે કારણ કે જો તારવીને ચાલશે તો એક ગામને વધુ જમીન આવશે અને એક ગામના ભાગમાં ઓછી જમીન આવશે અને જો સાપ તેના માથે ચાલશે તો અણીદાર ઠુઠુ સાપને વાગી જશે પણ સાપ તો સીધો ચાલતો ગયો અને ઠુઠા પર ચાલીને સીમાડે ચીરાઈ ગયો અને એ બંને ગામજનોના ઝઘડાનું નિવારણ પણ થઈ ગયું.

આમ બે ગામના લોકોના ઝઘડાના નિવારણ કરવા માટે એક ચમત્કારિક સર્પે પોતાના જીવનું બલિદાન આપ્યું. આ વાત પછી ત્યાં એ નાગદેવતાની નાનકડી ડેરીની સ્થાપના કરવામાં આવી. સવંત સુદ 2032, જેઠ નોમ, રવિવાર અને તારીખ 6-6-1976ના સવારે નાગદેવતા બધાને દર્શન આપે છે. લગભગ મંદિરમાં છ કલાક સુધી નાગદેવતા દર્શન આપે છે, જેની તસવીરો આજે પણ જોવા મળે છે. માણેકવાડા ગામમાં વર્ષોથી કોઈ સાપ કરડવાથી મૃત્યુ પામ્યું નથી. શ્રાવણ મહિનામાં અને અવારનવાર શ્રદ્ધાળુઓ આજુબાજુના ગામોથી ચાલીને આવે છે, માનતાઓ રાખે છે અને નાગદેવતા સૌને તેમની શ્રદ્ધા પ્રમાણે ફળ આપે છે.

Malbapa Manekvada

જય માલબાપા

Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh

Also Read : Ganesh A Clay Modelling Workshop