Cricket Grounds : ક્રિકેટનું નામ પડતાં જ આપણને આપણું બાળપણ યાદ આવી જાય! પરીક્ષાઓ પતાવીને ફટાફટ વેકેશનની રાહ જોતાં આપણે પરિક્ષાની તૈયારી કરતાં વેકેશનની વ્યુહરચનામાં વધુ સમય વિતાવતા. દિવાળી વેકેશન તો ટૂંકૂ ટચૂકડું હોય એટલે એમાં કોઈ ખાસ પ્લાનિંગની જરૂર ન પડે પણ ઉનાળામાં પડતું લાંબુ વેકેશન વિતાવવા અગાઉ થી તૈયારી તો કરવી જ પડે ને! બાળકોની પરીક્ષાઓ હાલમાં પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે ઘણા બાળકો માતપિતા સાથે ફરવા નીકળી ગયા હશે, તો કેટલાક કાળા તડકામાં પણ બેટ-દડો લઈને મેદાનમાં જમાવટ કરતાં હશે. Cricket grounds
આજના બાળકોને જ્યારે મોબાઇલનું ઘેલું લાગ્યું છે, ત્યારે 90ના દાયકામાં પોતાના બાળપણની અસલી મજા લૂંટનાર પેઢીએ કરેલી મજા તો આજના બાળકો ન જ કરી શકે! ત્યારના સમયની વાત કરીએ તો આઠ-દસ ટેણીયાઓ મેદાનમાં ભેગા થાય અને કોઈકના મકાનની ભીંતે સ્ટમ્પ ચિંતરીને ક્રિકેટની રમત માંડે. એક કોરથી બોલવામાં ફોરાં હોય એવા લોકો દેશી ભાષામાં કોમેંટરી કરી ખેલાડીઓનો ઉત્સાહ વધારે, જ્યારે બીજી બાજુ નાના સચિન અને ધોની બનીને, લાંબા-લાંબા શર્ટ અને ચડ્ડીઓ પહેરીને આવેલા એ ખેલાડીઓ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરે! પોતે જાતે ઘડેલા નિયમો દ્વારા રમાતી એ ક્રિકેટ મેચ ખરેખર આનંદ આપતી.
ક્રિકેટ એ માત્ર રમત જ નથી, પરંતુ દરેક શેરીના બાળકો અને ક્રિકેટપ્રેમીઓ માટે એક અનોખો ધર્મ છે. પહેલાના સમયમાં આજ જેવા ટ્રેનીંગ કેમ્પ કે સુવિધાયુક્ત મેદાનો ન હતા, પરંતુ ક્રિકેટ રસિયાઓ ક્રિકેટ રમવા બધી વ્યવસ્થાઓ જાતે ઊભી કરી લેતા. જો જૂનાગઢને કેન્દ્રમાં રાખીને વાત કરવામાં આવે તો, વેકેશન દરમિયાન શહેરની શેરીઓ, રસ્તાઓ કે રહેણાંક વિસ્તારમાં આવેલા મેદાનોમાં બાળકોની ક્રિકેટ અવિરતપણે ચાલું રહેતી. જૂનાગઢનાં અનેક એવા મેદાનો છે, જ્યાં સાંજ પડતાં જ તરુણો અને યુવાનો ક્રિકેટ રમવા માટે ઉમટી પડતાં હતા.
ખાસ કરીને વેકેશનના સમયગાળા દરમિયાન વિવેકાનંદ વિદ્યાલય તથા બહાદ્દીન કોલેજના ગ્રાઉન્ડમાં ક્રિકેટપ્રેમીઓનો મેળાવળો જામતો હતો. જૂનાગઢ શહેરમાં અનેક જગ્યાઓએ રાત્રિ ટૂર્નામેન્ટનું પણ આયોજન થાય છે, જેમાં અનેક ખેલાડીઓ હોંશે હોંશે ભાગ લેતા હોય છે. ઝફર મેદાન જેવા વિશાળ મેદાનોમાં એકીસાથે કેટલીય પિચો બનાવીને ક્રિકેટ રમવામાં આવે છે. ત્યારે તમે પણ તમારી જૂની ક્રિકેટી યાદોને અહિયાં નીચે કોમેન્ટ બોક્સમાં શેર કરો અને ટેગ કરો તમારા ક્રિકેટ મિત્રોને…
#TeamAapduJunagadh