વિલિંગ્ડન ડેમ કે કિલિંગડન ડેમ?

આર્ટિકલનું શીર્ષક વાંચીને તમને કદાચ ચિત્ર તો સ્પષ્ટ થઈ ગયું હશે, કે આજે વિલિંગ્ડન ડેમની વાત કરવાના છીએ! જી હા વાત તો વિલિંગ્ડન ડેમની જ છે, પણ વાત કિલિંગડન ડેમની પણ છે. અનેક જળચર પ્રાણીઓ આ જળાશયમાં વસવાટ કરે છે, પરંતુ એ કદાચ એમના કમનસીબ છે! વાત ગોળ-ગોળ કરવા કરતાં આવો સીધા મુદ્દા પર જ જઈએ…

ગિરનારની ગોદમાં અનેક ટેકરીઓ વચ્ચે ઘેરાયેલો વિલિંગ્ડન ડેમ જૂનાગઢની જીવાદોરી સમાન છે. ખાસ કરીને ચોમાસુ આવે એટલે ગિરનારની પ્રકૃતિ આ ડેમને ચાર ચાંદ લગાવી દે છે. ચોતરફ હરિયાળી, દૂર દૂર સુધી શાંત પાણી, સામે આવેલી ટેકરીઓ પરથી પડતાં નાના-મોટાં ઝરણાઓ, આકાશના ઘેઘુર વાદળો, પક્ષીઓનો કલરવ; આ બધુ મળીને એક સ્વર્ગથી પણ ચઢિયાતું લાગે, ખરું ને!

આ સ્વર્ગની મજા માણવા રજાના દિવસોમાં વિલિંગ્ડન ડેમ ખાતે લોકોનું ભારે ઘોડાપૂર ઉમટી પડે છે. આ ઉપરાંત મકાઇના ડોડા, કાવો, માંડવીના ઓળા તથા બીજા કેટલાય ફેરિયાઓ વિવિધ ફૂડ પેકેટ્સ લઈને ત્યાં ઉભતા હોય છે. મોજ-મજા માણવા આવેલા લોકો ત્યાં બેસીને ખુલ્લી હવામાં નાસ્તો-પાણી કરે છે અને ઢગલાબંધ વાતો કરે છે. અહિયાં વાત પૂરી થઈ જાય તો ક્યાં વાંધો જ છે, પરંતુ વાત હવે શરૂ થાય છે…

સ્વર્ગની મોહમાયામાં અંજાય ગયેલા લોકો નાસ્તો-પાણી કરીને ખાલી રેપર કે પ્લાસ્ટિકનો કચરો ત્યાંને ત્યાં ફેંકી દે છે. મકાઇના ખવાઇ ગયેલા ડોડા કે માંડવીના ફોફાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવાનો સહેજ એવો ખ્યાલ પણ લોકોના મનમાં આવતો નથી! જેથી આ બધોજ કચરો જળચર પ્રાણીઓના નિવાસસ્થાનમાં એટલે કે ત્યાં ડેમમાં જ પધરાવી દેવામાં આવે છે. પાણીમાં ફેંકાયેલો આ કચરો ભોળા જળચર પ્રાણીઓ માટે મોત સમાન બની જાય છે.

એટલું જ નહીં, ડેમના બંધ પર આવતા વાનરોને બટેટા ખવડાવી આપણે એને પતન તરફ તો લઈ જ જઈએ છીએ, સાથે સાથે ત્યાં ગંદકીનો ગંજ ખડકવામાં પણ રાજીખુશીથી ભાગીદારી કરીએ છીએ. કોઈક આપણાં ઘર-આંગણે કચરો નાખી જાય તો એ આપણને સહેજ પણ નથી ગમતું, તો આપણે કોઈકના ઘરને ઉકરડો શા માટે બનાવીએ છીએ? નિર્દોષ પ્રાણીઓનો સરેઆમ શિકાર શા માટે કરીએ છીએ? વિલિંગ્ડન ડેમને કિલિંગડન ડેમ શા માટે બનાવીએ છીએ?

પ્રજામાં પ્રકૃતિ પ્રત્યેની જાગૃતિ ક્યારે આવશે? જ્યારે વિલિંગ્ડન ડેમને તાળાં લાગશે ત્યારે?

મહેરબાની કરીને નિર્દોષ અને મૂંગા પ્રાણીઓનો અંતરનો અવાજ સાંભળીએ અને પ્રકૃતિનું જતન કરીએ…

Author: Sumit Jani ‘શિવાય’(Team Aapdu Junagadh)