જંગલ છોડી નીકળેલા પ્રાણીઓને પાછાં લાવવા, વનતંત્ર દ્વારા થઈ રહી છે આ વિશિષ્ટ કામગીરી

ગિરનું જંગલ અનેક વન્ય પશુ-પંખીઓને આશરો આપી રહ્યું છે. ગીરમાં ઉભેલા ઘટાદાર વૃક્ષોથી સૂર્યપ્રકાશ રોકાતા ઘાસ નથી ઉગી શકતું, આથી ઘાસ આરોગતા પ્રાણીઓ જંગલની બહાર નીકળી જાય છે, અને બહાર નીકળેલા માંસાહારી પ્રાણીઓ પાલતુ-પ્રાણીઓને પોતાનો ભોગ બનાવે છે. તેને અટકાવવા માટે ગીર જંગલને પાંખુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેનાથી તૃણભક્ષી પ્રાણીઓનો વસવાટ ઘાસ ઉગતા વધશે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

સિંહ સહિતના કેટલાક વન્ય પ્રાણીઓ ગીરનું જંગલ છોડી બહાર નીકળી ગયા છે. તૃણભક્ષી પ્રાણીઓમાં વધારો થતાં બહાર નીકળી ગયેલા વન્યપ્રાણીઓ ફરીથી જંગલમા સ્થિર થશે. વર્ષ 1982ના ભયંકર વાવાઝોડા દરમિયાન વ્યાપક પ્રમાણમાં ઘેઘુર વૃક્ષો તુટી પડયા હતા અને કુદરતી રીતે જ ગીરનું જંગલ પાંખુ થયું હતું. જંગલને આછું કરવાની આ પ્રક્રિયા, શરૂઆતમાં ગિર પશ્ચિમના 50 હેક્ટર જંગલ વિસ્તારમાં શરૂ કરી દેવામાં આવી છે.

જંગલનો રાજા સિંહ અને બીજા કેટલાક તૃણભક્ષી પ્રાણીઓ પાંખા જંગલના વન્યપ્રાણીઓ છે. ઘટાદાર તથા પાસપાસેના વિશાળ વૃક્ષો ખુબ વધી જવાને કારણે ગિર જંગલ વિસ્તારમાં કુણા-તાજા ઘાંસનો વિસ્તાર ઘટી જતા તૃણભક્ષી પ્રાણીઓ ખાસ કરીને સાંભર વગેરે જંગલ છોડી ખેતરાવ વિસ્તારમાં નીકળી પડે છે, જેની પાછળ શિકારની શોધમાં સિંહ પણ જંગલની બહાર નિકળી જાય છે.

નાયબ વનસંરક્ષક ધીરજ મિત્તલના કહેવા મુજબ, ગિર જંગલ વિસ્તારના સાસણ, જામવાળા, બાબરીયા અનેઆંકોલવાડી એમ 4 રેન્જમાં આવી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ જંગલ વિસ્તારના સાગી વૃક્ષો સહિત કેટલાક વૃક્ષોમાં નવી ફુંટ નજીક-નજીક ઉગી નિકળી છે અને વૃક્ષો ખુબ ઘેઘુર બન્યા છે. ત્યાં વૃક્ષોની આ જાતોમાં ગીંચતા ઘટાડવા અને હેક્ટરે કેટલા વૃક્ષો હોવા જોઈએ તેના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે.

સાગ એક એવું વૃક્ષ છે, જેની નીચે ઘાંસ ઉગવા દેતુ નથી અને બે પાસપાસેના સાગના ઝાડ વચ્ચે પાંદડાઓ એકબીજાને અડી જતા સુર્યપ્રકાશ જમીન પર પહોંચતો નથી. જેથી નીચે જમીનમાં ઘાસ ઉગતું નથી. આથી તૃણભક્ષી અને માંસાહારી પ્રાણીઓની ફુડ ચેઈનમાં અનિયમીતતા ઉભી થાય છે. આવી ફુડ ચેઈન ઉપરાંત અન્ય હેતુઓને સિધ્ધ કરવાના આશયથી જંગલને પાંખુ કરવાના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આયોજન થઈ રહ્યું છે.

આ થીનીંગ કામગીરીમાં ઉપરના ભાગને કાંપી ઝાડના નીચેના ભાગને પ્રાણી પાંદડા ખાઈ શકે તેટલી ઉંચાઈ સુધી ઝાડમાં નવી ફુંટ આવે તે રીતે કાંપીને જંગલને પાંખુ કરવામાં આવે છે. વન્યપ્રાણીઓની હેરાફેરીનો વિસ્તાર અને તૃણભક્ષી પ્રાણીઓના ખોરાક એટલે કે ઘાંસને ધ્યાનમાં રાખી આ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રીતે માંસભક્ષી પ્રાણીઓ અને ગ્રાસ મેનેજમેન્ટ એકબીજાને માટે અનુકુળ થાય તેવું આયોજન કરાયું છે. જો કે અત્યારે ગિર જંગલના 500 હેક્ટર વિસ્તારમાં આ કામગીરી પૂર્ણ થયા બાદ, સંપૂર્ણ ગિર જંગલના 1100 ચો.કિ.મી. વિસ્તારમાં જરૂરીયાત મુજબ આ કામગીરી વિસ્તારાશે. ઉપરાંત ગિરની આજુબાજુમાં વનખાતાની વીડી વિસ્તારોમાં પણ આ કામગીરી હાથ ધરવા સર્વે થઈ રહ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે.

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com