ગુજરાત પ્રવાસન મંત્રીએ ઉપરકોટના વિકાસ ઉપરાંત સૌરાષ્ટ્રને પ્રવાસન હબ બનાવવા ફાળવ્યા કરોડો રૂપિયા!

ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાનશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત ટુરિઝમને વેગવંતો કરીને ચોમેર ગુજરાતની ખ્યાતિ પ્રસરાવ્યા બાદ ગુજરાતમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો હતો. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યામાં 14 ટકાનો વધારો થયો હોવાનું પ્રવાસન પ્રધાનશ્રી જવાહર ચાવડાએ જણાવ્યું છે.

પ્રવાસન વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો વિશે જવાબ આપતાં પ્રવાસન પ્રધાને જાહેર કર્યું કે, જૂનાગઢમાં આવેલો પ્રાચીન ઉપરકોટનો કિલ્લો હેરિટેજ સ્થળ છે, તેના વિકાસ માટે રૂપિયા 7 કરોડ ખર્ચાશે. સાસણ ગીરમાં સિંહને જોવા માટે પ્રવાસીઓનો ખુબ ધસારો રહેતો હોય છે, ત્યારે ત્યાં પ્રવાસી સુવિધાના વિકાસ માટે રૂપિયા 5 કરોડ ખર્ચાશે, એટલું જ નહીં નડાબેટ ખાતે લોકો સીમા દર્શન કરવા જાય છે, ત્યારે આ સ્થળે રૂપિયા 50 કરોડના ખર્ચે કાયમી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જરૂરી માળખાકીય સુવિધા ઊભી કરાશે.

સૌથી મહત્વની ઘોષણા કરતા તેઓએ કહ્યું કે, રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર 10 સ્થળોએ પ્રવાસીઓ માટે વે-સાઈટ એમેનિટીઝ ઊભી કરાશે અને તેના માટે રૂપિયા 7 કરોડનો ખર્ચ થશે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા અને સોમનાથ મંદિર ખાતે કેન્દ્ર સરકાર દ્વારા પુરુસ્કૃત પ્રસાદ યોજના અંતર્ગત રૂ.2355 લાખ અને રૂ.3744 લાખ ખર્ચાશે.

તેઓએ વધુમાં જણાવ્યું કે, મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણીની પૂર્વ તૈયારી રૂપે સાબરમતી આશ્રમ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો માટે રૂપિયા 12 કરોડ ખર્ચનું આયોજન કરાયું છે. જ્યારે રાજ્યમાં ઈકો ટુરિઝમને પ્રોત્સાહન મળે તે માટે ઇકો ટૂરીઝમના સ્થળોને વિકસાવવા માટે રૂપિયા 2 કરોડ ખર્ચવામાં આવશે. જ્યારે નવી ટુરીઝમ સર્કિટનો વિકાસ કરવા માટે રૂપિયા 5 કરોડ ખર્ચાશે.

તેમણે કહ્યું કે, પ્રવાસન વિકાસને દેશમાં અનેરૂ સ્થાન બનાવવા માટે 2019-20માં 401 કરોડની જોગવાઇ અને નવી બાબતો હેઠળ 71 કરોડ મળી કુલ 472 કરોડની જોગવાઈ કરાઈ છે. તેમણે એમ પણ જણાવ્યું કે, રાજ્યમાં 352 નોંધાયેલા પ્રવાસન એકમોમાં સંભવિત રૂ.12,437 કરોડનું મૂડીરોકાણ થશે અને રાજ્યમાં 20 હજારથી વધુ લોકોને રોજગારી મળશે તેવો તેમણે દાવો પણ કર્યો હતો.

Uparkot Fort- Top 10 place in Junagadh