જાણો બે નંદી ધરાવતા જૂનાગઢની નજીક આવેલા આ અનોખા શિવાલય વિશે…

શીર્ષક વાંચતાં જ એમ થાય કે એકજ મંદિરમાં બે પોઠિયા હોય એ શક્ય જ નથી! સાચું ને? પણ, આ શક્ય છે. જૂનાગઢની નજીક આવેલા આ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર. તો, આવો જાણીએ આ મંદિરની રસપ્રદ ઐતિહાસિક ગાથા…

જૂનાગઢ શહેરથી ફક્ત 38 કી.મી.ના અંતરે આવેલા માણાવદર તાલુકામાં આ મંદિર આવેલું છે. સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવનું આ મંદિર “મહાદેવિયા” તરીકે ઓળખાય છે. બે અનોખા ચમત્કારીક નંદીઓ(પોઠિયાઓ) અને ચાર શિખરબંધ મંદિરોની વિરાટ ધર્મ ધજાથી છલોછલ પ્રાકૃતીક સૌંદર્ય ધરાવતું આ મંદિર એક અદ્ભુત અનુભૂતી કરાવે છે. મંદિર સુધી પહોંચાડતો રસ્તો ‘મહાદેવીયા રોડ’ તરીકે ઓળખાય છે. મંદિરના પ્રાંગણ વિશે જણાવું તો, પગથિયાં ચડતા જ સામે ચાર શિખરબંધ મંદિરો આવે, જેમાનું એક ભવ્ય શિવ મંદિર સૌથી પહેલા નજરે આવે, તેની સામે જોડીમાં બેઠા હોય તેવા બે અનોખા પોઠિયા તરત જ આપણું ધ્યાનકેન્દ્રિત કરી લે છે.

મંદિરના ગર્ભગૃહમાં વચ્ચે સ્વયં પ્રગટ થયેલા દેવાધિદેવ મહાદેવ, તેમની પાછળ દેવી પાર્વતીની મોટાકદની મુર્તિ અને આ પાર્વતીજીની મુર્તિની આજુબાજુ ભગવાન ગણેશની બે મૂર્તિઓ અને હા, સાથે પાર્વતીજીની વધુ એક નાની મુર્તિ પણ અહી જોવા મળે છે. બાજુમાં રહેલા શિખરબંધ મંદિરમાં હનુમાનજી બિરાજમાન છે. આ મંદિરમાં પૂરા કદની પૂર્વ મુખી હનુમાનજીની મુર્તિ તેમજ બટુક ભૈરવ દાદા સ્થાપિત છે.

આ બે મંદિરોની પાછળ આવેલા અન્ય એક શિખરબંધ મંદિરમાં શ્રી લક્ષ્મી તેમજ વિષ્ણુ ભગવાનના દર્શન થાય છે. આ જ પ્રાંગણમાં જમણી બાજુએ વધુ એક શિખરબંધ મંદિર આવેલું છે, જ્યાં અંબાજીના દર્શન થાય છે. આ તો થઈ, ફક્ત મંદિરના પ્રાંગણની વાત, હવે વાત કરીએ અહીં જોવા મળતા બે અનોખા પોઠિયા વિશે…

વર્ષ 1968માં ડોંગરેજી મહારાજની ભાગવત સપ્તાહ પ્રસંગે એક ચમત્કારીક ઘટના ઘટી. આ જ સમયગાળા દરમિયાન મંદિરમાં પ્રતિમાઓ સ્થાપિત કરવાનો પણ મહોત્સવ યોજાઈ રહ્યો હતો. સ્વયંભૂ શ્રી ત્રંબકેશ્વર મહાદેવની સમક્ષ આવેલો જૂના પથ્થરનો પોઠિયો ખસેડી ત્યાં આરસ પહાડનો નવો પોઠિયો મૂકવાનો હતો. ખૂબ પ્રયત્નો કરવા છતાય તે પોઠિયો સોઈભાર પણ ખસ્યો નહીં. મુહૂર્તનો સમય થતો હતો, માટે પોઠિયાને ખસાડવો કઈ રીતે? એ પ્રશ્ન ઊભો થયો. અંતે ભક્તોએ મંદિરના સંત પૂ. રઘુવીરદાસ બાપુને વિનંતી કરી લે તેઓ કોઈ રસ્તો સૂઝાવે. રઘુવીરદાસ બાપુ ડોંગરેજી મહારાજ સાથે ત્યાં આવ્યા અને જૂના પથ્થરના પોઠિયાને હાથ અડાડીને કહ્યું કે, “ચલ… થોડી જગા…દે…” પછી તે પોઠિયો શિવલિંગ સામેથી સહજ રીતે થોડો આસાનીથી ખસી ગયો. ત્યારબાદ જૂના પોઠિયાની સાથે નવા પોઠિયાની પ્રતિષ્ઠા વિધિ થઈ. તેમજ અન્ય મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી.

અહી, શ્રાવણ માસના દરેક સોમવારે મેળો ભરાય છે. ભક્તિ-ભજનની રમઝટ સાથે સૌ ભાવિકો શિવ આરાધના કરે છે તેમજ મેળાની મજા માણે છે. દર વર્ષે હનુમાન જયંતીની ઉજવણી રૂપે સમગ્ર ગામ અહીં પ્રસાદ લેવા ઉમટી પડે છે. દર વર્ષે નવરાત્રિની ઉજવણી રૂપે અહી ગરબીનું આયોજન થાય છે. નાત-જાતના વિચાર કર્યા વગર અહી તમામ ધર્મની બાળાઓને એકસાથે રાસ રમતી જોઈ કોમીએક્તાના દર્શન થાય છે. શહેરની તમામ ગરબીમંડળની બાળાઓ અહી અલગ-અલગ નોરતે રાસ રમવા આવે છે. આવા અનેક ઉત્સવો તેમજ તહેવારો ઉજવતું આ અનોખું મંદિર એક ચોક્કસ મુલાકાત લેવા લાયક સ્થળ છે…!!!

મહાદેવ હર…
Author: Morvee Raval #TeamAapduJunagadh