આ શ્રાવણ મહિને કંઈક આવા નિયમો અને સંકલ્પો કરીને પણ ભોળાનાથને રિઝવી શકાય !

1. શ્રાવણ મહિનો શરૂ થતાં જ ઘણા માણસો અમુક પ્રકારના આહાર નો ત્યાગ કરે છે પણ તેમના શરીરને સૌથી વધુ નુકસાનકારક એવા વ્યસનનો ત્યાગ નથી કરી શકતા, તો આ શ્રાવણ મહિનો જો આપણે માવો, બીડી, સિગારેટ કે ગુટકા જેવા વ્યસનનો ત્યાગ કરવાનો નિયમ રાખીએ તો પણ ભોળાનાથ રીજે, મહાદેવ ના નામ પર કોઈપણ પ્રકારનું વ્યસન કરવું એ એક મુર્ખામી થી ઓછું નથી, મહાદેવ એ તો ઝેર પણ પીધું હતું પણ આપણી એટલી ત્રેવડ ક્યાં ! તો વ્યસન કરો નહીં અને બીજા ને પણ રોકો !

2. આ શ્રાવણ મહિનામાં ઘણા લોકો ઉપવાસ અને એકટાણાં કરે છે, આપણે ભલે ભૂખ્યા રહીએ પણ આ એક આખો  મહિનો ત્રણેય ટાઈમ ન બની શકે તો કઇ નહીં પણ જો બની શકે તો એકટાણું કોઈ ભૂખ્યાને અથવા ગરીબ ને ભોજન કરાવવાનો પણ નિયમ રાખી શકીએ તો પણ ભોળીયો રાજી થશે.

3. આપણે રોજે શિવાલય પર દૂધથી અભિષેક કરીએ છીએ હું પણ કહું છું કરવો જ જોઈએ પણ જો આપણે રોજે જેટલું દૂધ શીવ પર અભિષેક કરવા લઈ જતાં હોય એનાથી બમણું લઈ જઇએ, અડધા દૂધ થી શિવ પર અભિષેક કરીએ અને અડધુ દૂધ કોઈ ભિખારી અથવા જરૂરિયાત વાળા ને આપીએ તો આપણી ભક્તિ પણ સફળ થશે અને કૈલાશપતી ને આપણાં પર ગર્વ પણ થશે.

4. શ્રાવણ મહિનામાં વરસાદને લીધે રસ્તા પર પાણી, કીચડ અને કાદવ હોય જ છે. જો મહાદેવ ની કૃપાથી આપણી પાસે કાર અથવા બાઇક હોય તો કાર અને બાઈક એ રીતે સાચવીને અને ધીમે ચલાવીએ કે રસ્તા પર જતા કોઈ રાહદારીને કે બાઇકસવાર ને પાણી કે કીચડ ઉડે નહીં, જો આવો નિયમ પણ આ મહિનો પાળશું તો સાચા અર્થ માં મહાદેવ ના ભક્ત કહેવાશુ !


5. આ મહિનામાં સાપ જેવા સરીસૃપોના રહેઠાણમાં પાણી ભરાવવાથી તેઓ બહાર આવતા હોય છે તો એને મારવા કે રંજાડવાની જગ્યાએ યોગ્ય સંસ્થાઓનો કોન્ટેકટ કરી અને તેમના સલામત સ્થળે પહોંચાડવા માટે પણ આપણે પ્રયત્ન કરીએ તો મહાદેવ પર આપણું ઋણ ચડી જશે.

6. મહાદેવના પ્રિય એવા નંદી કે ગાય માતા વરસાદના પાણીથી બચવા સોસાયટીમાં રહેલા મકાનો ની છત નીચે આશરો લેતા જોવા મળતા હોય છે તો એ તમારા ઘરના છત ની નીચે થોડો સમય આશરો લેતા જોવા મળે તો મહેરબાની કરીને તેને મારીને કાઢતા નહીં. આવા સમાન્ય કાર્યને પણ ભક્તિ થી ઓછું ના આંકી શકાય.

7. મહાદેવ માટે સમગ્ર સૃષ્ટિનો દરેક જીવ એક સમાન છે એટલે જ કહેવામાં આવ્યું છે કે દરેક જીવમાં શીવ છે તો આ જ તર્ક અને નિયમનું આ મહિનો ખાલી પાલન કરીએ અને દરેક મનુષ્ય અથવા તો દરેક જીવમાં પણ આપણે શિવ દર્શન કરી, બધા વેરઝેર ભૂલી જવાનો સંકલ્પ કરી મહાદેવના રંગમાં રંગાઈએ તો પણ આપણી ભક્તિ આ મહિને જરૂર ફળશે!

ભોળાનાથ ભાવના ભૂખ્યા છે આપણી ભૂખ ના નહી. જો આ એક મહિનો પણ આવા નિયમો પાળશું અને આવા સમાન્ય લાગતા છતાં પણ અસામાન્ય એવા સંકલ્પ કરશું તો જરૂરથી મહાદેવ આપણાં પર પ્રસન્ન થશે !
મહાદેવ સૌનું કલ્યાણ કરે !
જય મહાદેવ જય ગિરનારી
Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh