ઝુંપડી બાંધી લોકોની સેવામાં સદાવ્રત શરૂ કરનારા સંતશ્રી આપગીગાની આ ટેક હજું સુધી અણનમ છે, જાણો સત્તાધારનો વિશેષ મહિમા…

આપણું જૂનાગઢ સંત, શૂરા અને સાવજની ભૂમિ ગણાય છે. અનેક નામી અનામી સંતો આપણી આ પવિત્ર ભૂમિ પર થઈ ગયા છે. આવા જ એક સંત એટલે આપા ગીગા. જૂનાગઢનાં વિસાવદર શહેરથી 7 કિલોમીટર દૂર આંબાઝળ નદીને કાંઠે આપા ગીગાએ સતાધારનો ટીંબો બાંધ્યો હતો.

આપા ગીગાના પિતાનું નામ અલીભાઇ અને માતાનું નામ સુરઇ હતું. એક સમયે સોરઠમાં દુકાળ પડતાં સુરઇ પોતાના પુત્ર ગીગા સાથે ચલાળા ગામે આપા દાનાના આશ્રમમાં રહે છે. આપા દાનાએ આપા ગીગાને પોતાના પુત્રની જેમ ઉછેર્યા હતા. આપા ગીગા પણ આપા દાનાની સેવા કરતાં અને ઈશ્વરને ભજતાં. આપા ગીગા ઉંમરલાયક થયા બાદ આપા દાનાએ પાળિયાદ જગ્યાના આપા વિસામણના કહેવાથી આપા ગીગાને દિક્ષા આપી અને અલગ આશ્રમ બનાવવાનું કહ્યું.

આ સાંભળી આપા ગીગાને ખૂબ દુ:ખ થયું. તેમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી અને તેઓ આપા દાનાને પૂછે છે, કે મારાથી શું ભૂલ થઈ કે તમે મને તમારાથી અળગો કરો છો? ત્યારે આપા દાના કહે છે કે, ગીગા તું મારાથી પણ સવાયો થઈશ અને પીર થઈને પૂજાઈશ. તું ગાયોની, દુ:ખીયારાઓની અને જરૂરિયાતમંદોની સેવા કરજે. આપા ગીગા ગુરુની વિદાઇ લઈ ફરતા ફરતા હાલનું સતાધાર છે ત્યાં આવે છે અને ત્યાં ઝૂપડી બાંધી ત્યાંજ વસી જાય છે.

આપા ગીગા સાથે ઘણી બધી ચમત્કારિક વાતો જોડાયેલી છે. હાલમાં પણ આપા ગીગાએ શરૂ કરેલી સદાવ્રતની પરંપરા મુજબ સતાધારની જગ્યામાં આપા ગીગાએ શરૂ કરેલ સદાવ્રત ચાલુ છે. સતાધારનું વિશાળ રસોડુ ત્યાંની વિશેષતા છે. એક સાથે 3 હજાર કરતાં વધારે માણસોની રસોઈ થઈ શકે એવી વ્યવસ્થા છે. બ્રહ્મલીન સંતશ્રી શ્યામબાપુના નામ પરથી બનાવવામાં આવેલ શ્યામ ભુવન અતિથિ ગૃહમાં 4 હજાર માણસો રોકાઈ શકે એવી વ્યવસ્થા છે.

આ પવિત્ર સ્થાનની પાછળ આંબાઝળ નદી વહે છે. જ્યાં ઘાટ, નયનરમ્ય બગીચા અને કુંડ બનાવવામાં આવ્યા છે. હરિદ્વાર કે વારાણસીના ઘાટની યાદ અપાવતા આ ઘાટનું નામ શામજીબાપુના ગુરુના નામ પરથી લક્ષ્મણ ઘાટ રાખવામાં આવ્યું છે. ગરવા ગિરનારની પરિક્રમા બાદ લોકો આ પવિત્ર ધામના દર્શને આવે છે. આ ઉપરાંત અહી અષાઢી બીજ, કાર્તિકી પુર્ણિમાના રોજ મેળો પણ ભરાય છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો આવે છે.

ગીરના જંગલમાં આવેલી આ જગ્યા કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. ચોમાસામાં તો જાણે કૂદરત સોળે કળાએ ખીલી ઊઠે છે. રસ્તામાં ક્યાંક જંગલી પ્રાણી પણ જોવા મળી જાય, તો આ વીકેન્ડમાં આ સુંદર અને પવિત્ર સ્થાનની મુલાકાત લેવા અવશ્યથી જજો!

Author: Urvashi Deshani #TeamAapduJunagadh