પુરાણોના સમયમાં આ નદીમાંથી સોનુ નીકળતું હતું, જાણો “સુવર્ણરેખા” અથવા “સોનરખ” નદી વિશે…

ભારત ભૂમિ પર સંપત્તિ અને સમૃદ્ધિથી ભરપૂર કઈ કેટલાયે સ્થળો આવેલા છે. તેમાં પણ આપણા ગિરનાર પાસે જે સંપત્તિ અને સમૃદ્ધિ રહેલી છે, તે માત્ર અમૂલ્ય જ નહીં, પરંતુ અભિન્ન પણ છે. આજે અહીં આવી જ એક નદીની વાત કરવી છે, જે પોતાની સંપત્તિ અને સમૃદ્ધિ માટે પુરાણ કાળથી જ લોકોમાં આશ્ચર્ય જગાડતી આવી છે.

સામાન્યતઃ બધી નદીઓ સમૃદ્ધિનો સાક્ષાત્કાર જ કહેવાય છે, કારણ કે દરેક માનવ સંસ્કૃતિની શરૂઆત નદી કિનારે થતી હોય છે અને નદીના પાણી થકી જ માનવ સંસ્કૃતિ આગળ વધતી હોય છે, પરંતુ જો જાણવા મળે કે કોઈ નદીમાં સોનાની રાખ એટલે કે સોનાની ભૂકી મળી આવે છે તો? હા, ભારતના ગુજરાત રાજ્યના જૂનાગઢ શહેર પાસે આવેલ ગિરનારના જંગલોમાંથી વહેતી સુવર્ણરેખા નદી આવી જ એક નદી છે.

જૂની લોકવાયકાઓ મુજબ અને મળી આવતા અમુક ધર્મગ્રંથોમાં દર્શાવ્યા મુજબ ગિરનારના જંગલોમાંથી પસાર થતી સુવર્ણરેખા નદીમાં સોનાની રાખ વહેતી હતી. તેમજ આ નદીની પવિત્રતા પણ સોનાની જેટલી જ છે. ગિરનારના જંગલોમાંથી નીકળતી આ નદી સમગ્ર જંગકને વીંધીને જ્યારે જટાશંકર મહાદેવના મંદિર પાસે આવે છે, ત્યારે સૂર્ય પ્રકાશથી ઝળહળતો તેનો પ્રવાહ જાણે સોનાની કોઈ ચાદર પાથરેલી હોય તેવો જણાય છે.

Related image

જટાશંકરથી આગળ વધતી વધતી આ નદી દામોદર કુંડમાં આવે છે. અહીં તે પોતાના વીશાળ પટમાં દામોદર કુંડ અને તેની આસપાસના તીર્થક્ષેત્રને પોતાનામાં સમાવી લે છે. દામોદર કુંડમાં રહેલું સુવર્ણરેખા નદીનું પાણી એટલું પવિત્ર માનવામાં આવે છે કે, અહીં લોકો પોતાના પૂર્વજોના અસ્થિ વિસર્જિત કરે છે અને આ અસ્થિઓ અહીં જ પીઘળી જાય છે. જે એક ચમત્કાર સમાન છે.

દામોદર કુંડથી આગળ વધીને આ નદી ભવનાથના જંગલમાંથી પસાર થઈને હાલના ધારાગઢ દરવાજા નજીક નીકળે છે અને ત્યાંથી અન્ય નદીઓ સાથે ભળીને આગળ વધે છે. અમુક લોકોના માનવા મુજબ હાલ પણ આ “સુવર્ણરેખા” અથવા “સોનરખ” નદીમાંથી સોનાની રાખ એટલે કે સોનાની ભૂકી મળી આવે છે. જો કે ગિરનાર અને ભવનાથ જેવા ધર્મક્ષેત્રમાંથી વહેતી નદી પોતાની સોનાથી પણ વધુ પવિત્રતાથી સમગ્ર ગિરનાર ક્ષેત્રને ઉજવળ કરે છે, તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.