9 વર્ષ પછી જૂનાગઢમાં ફરી યોજાશે ટપાલટિકિટનું પ્રદર્શન …..

આધુનિક વિશ્વના વિકાસમાં ટપાલ વ્યવસ્થા(પોસ્ટલ સિસ્ટમ)નો મોટો ફાળો છે, એ બાબતથી આપણે સૌ વાકેફ છીએ. ટપાલ ટિકિટો(પોસ્ટલ સ્ટેમ્પ્સ)ના શાસ્ત્રીય અભ્યાસને ફિલાટેલીના નામે ઓળખવામાં આવે છે. છતાં, આજકાલ ટપાલ ટિકિટ સંગ્રહના શોખ/કલાને ફિલાટેલી તથા ટપાલ ટિકિટ સંગ્રાહકને ફિલાટેલિસ્ટ કહેવામાં આવે છે.વિશ્વની પ્રથમ ટપાલ ટિકિટ (ગુંદર લગાડેલ એડહેસિવ પોસ્ટલ સ્ટેમ્પ) બહાર પાડનાર દેશ ઇંગ્લેન્ડ હતો. જેના પર પ્રિન્સેસ વિક્ટોરિયા ચહેરો અંકિત હતો.

જે બાદ ભારત (તત્કાલીન બ્રિટીશ રાજ હેઠળના હિંદુસ્તાન)માં સર્વ પ્રથમ ટપાલ ટિકિટ ઉત્તર હિંદુસ્તાનના સિંધ પ્રાંતમાં 1852માં બહાર પડી, ત્યારેટપાલ ટિકિટ બહાર પાડનાર ભારત એશિયા ખંડનો સૌથી પહેલો દેશ બન્યો. પોસ્ટલ સર્વિસીઝનો વ્યાપ વધતાં પોસ્ટેજ સ્ટેમ્પ્સનો બહોળો ઉપયોગ થતો ગયો. જુદા જુદા દેશો ભાતભાતની રંગબેરંગી ટિકિટો બહાર પાડવા લાગ્યા. સાથે લોકોમાં ટિકિટ સંગ્રહનો શોખ જાગતો ગયો. આ શોખને લોકો સમક્ષ પ્રદર્શિત કરવા ભારતીય ટપાલ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાનો ટપાલટિકિટોના પ્રદર્શનનું આયોજન  ટૂંક સમયમાં જુનાગઢમાં કરવામાં  આવશે.

જૂનાગઢ જિલ્લાના ખ્યાતનામ ટપાલ ટિકિટ સંગ્રહકો પોતાના અલભ્ય સંગ્રહ આ પ્રદર્શનમાં રજૂ કરશે. આ અગાઉ 9 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2010માં આ આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ ઘણા સમય પછી જૂનાગઢ જિલ્લા અને શહેરમાં રહેતા નાગરિકોને ટપાલટિકિટોનો અલભ્ય સંગ્રહ નિહાળવાનો ફરીથી લાભ મળશે . જેના લોગો માટે જૂનાગઢ જિલ્લાની આગવી ઓળખ સમાન ગીરના સિંહને આકૃતિની પસંદગી કરવામાં આવી છે.

પ્રદર્શનની સાથે-સાથે શાળાના બાળકો માટે ફિલાટેલી અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ અને ચિત્ર તથા ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આથી દરેક શાળાને તેમના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત લેવા ખાસ અપીલ કરવામાં આવે છે.

ફિલાટેલિક દ્વારા વ્યક્તિના જ્ઞાનની સાથે વ્યક્તિનો સર્વાંગી વિકાસ પણ થાય છે.આ પ્રદર્શન નિહાળવું એ જીવનનો અમૂલ્ય લહાવો છે. કેન્દ્ર સરકારના ભારતીય ટપાલ વિભાગ દ્વારા જૂનાગઢને યજમાન બનવાનો મૌકો મળ્યો છે, જે આપણા માટે ખુબ ગૌરવની વાત છે. જેથી તમામ નગરજનોને પોતાના બાળકો સાથે આ પ્રદર્શન નિહાળવા અધિક્ષક ડાક ઘર જુનાગઢ વિભાગ તરફથી આમંત્રણ આપવામાં આવે છે.

આ કાર્યક્ર્મની માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં  આવશે…