આપણા જૂનાગઢનાં નિવૃત શિક્ષકો દ્વારા થયું 91 પરિવારોને રાશન કીટનું વિતરણ

એક સાચો શિક્ષક એજ છે કે,જે પોતાનું સંપૂર્ણ જીવન લોકોની મદદ કરવામાં વિતાવી સમાજોપયોગી સેવાઓ કરવા સદા તત્પર રહે. આપણાં જૂનાગઢનાં એવાજ નિવૃત શિક્ષકોનું એક મંડળ કે જેમણે પોતાના કાર્યકાળ દરમિયાન તો ઉત્તમ કાર્ય કર્યું જ છે, પરંતુ હાલ નિવૃતિના સમયમાં પણ સેવાકીય પ્રવૃતિ કરી લોકોને મદદરૂપ થાય છે.

જૂનાગઢ જિલ્લા પ્રાથમિક નિવૃત શિક્ષક સંઘ દર મહિનાની 5 તારીખે જરૂરિયાતમંદ લોકોને નિ:શુલ્ક રાશનકિટનું વિતરણ કરી મદદરૂપ થાય છે. જેમાં હાલમાં આર્થિક રીતે પછાત લોકો, વૃદ્ધો તેમજ વિકલાંગો એમ કુલ મળી 91 જેટલા લોકોના પરિવારને આ રાશન કીટ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત વૃદ્ધ માતાઓ માટે સાડીનું વિતરણ પણ અહીથી કરવામાં આવે છે. આ રાશન કીટમાં 5 કિલો ઘઉંનો લોટ, 2 કિલો ચોખા, 1 કિલો ખાંડ, 1 કિલો ખાદ્યતેલ, કપડાં ધોવાનો સાબુ, 250 ગ્રામ ચાની ભૂકી, 250 ગ્રામ મગદાળ જેવી જીવનજરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવે છે.

આ સેવાનો દોર તા. 5, સપ્ટેમ્બર, 2017 ના રોજ  શિક્ષકદિન નિમિતે શરૂ કરવામાં આવ્યો. આ સંઘના સભ્યો જ્યારે 1988 થી 94 ની સાલમાં નિવૃત થયા ત્યારે તેમને 10 ટકા વ્યાજ સાથે 4,75,000 જેટલી રકમ આવી હતી. નિવૃત શિક્ષકોની એક કારોબારી મીટિંગમાં આ આવેલી રકમમાંથી સેવાભાવી કાર્યો કરી જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનું નક્કી કરાયું. નિવૃત શિક્ષક સંઘના 20 થી 25 સિનિયર સિટીઝનો દ્વારા આ સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે.

આ સેવાકીય પ્રવૃતિમાં આ સંઘના સભ્યો જ મદદરૂપ થાય છે તેવું નથી પરંતુ અન્ય સેવાભાવી લોકો પણ આ પ્રવૃતિમાં યથાશક્તિ દાન આપી લોકોની સેવા કરવામાં અહિયાં મદદ કરતાં હોય છે.તેથી જે લોકો આ સેવાકીય પ્રવૃતિમાં દાન આપી સહયોગ આપવા ઇચ્છતા હોય તો તે લોકો અમારો સંપર્ક કરી શકે છે.

સરનામું: જૂનાગઢ જિલ્લા નિવૃત પ્રાથમિક શિક્ષક સંઘ કાર્યાલય, ભવાની બૂક સ્ટોરની બાજુમાં, ટીંબાવાડી બસ સ્ટેશન પાસે, જૂનાગઢ.

મોબાઈલ નં.: 99792 46846, 98256 46170, 94275 97957

Author: Sumit Jani #TeamAapduJunagadh