જૂનાગઢમાં જન્મેલા અને પોતાની સુંદરતા અને પોતાની આગવી અદાથી હિન્દી ફિલ્મોમાં ટોચની અભિનેત્રી બનેલા પરવીન બાબીનો જન્મ 4, એપ્રિલ, 1949માં થયો હતો. ખુબસુરત અને પ્રતિભાશાળી અભિનેત્રી પરવીન બાબી જો આજે જીવતા હોત તો, તેઓએ 70 વર્ષ પૂર્ણ કર્યા હોત! એક સમયે હિન્દી ફિલ્મોમાં ટોચના અભિનેતાઓ સાથે પોતાની ભૂમિકા બખૂબી નિભાવતા પરવીન, એકદમ ગ્લેમરસ રૂપે દર્શકો સામે આવવાનું પસંદ કરતાં હતાં. કેટલીક સુપરહિટ રહેલી ફિલ્મોના આ નાયિકાને દીવાર, નમક હલાલ, અમર અકબર એન્થની કે શાન માટે યાદ કરવા જ જોઈએ! અંદાજે દસ વર્ષના ફિલ્મક્ષેત્રના પોતાના કરિયરમાં તેમણે પચાસ જેટલી ફિલ્મો કરી હતી. જેમાંથી દસેક ફિલ્મો ખુબજ સફળ રહી હતી. એ સમયે પરવીન સૌથી વધુ ફી લેતાં અભિનેત્રી પણ હતાં, જેથી પરવીન લેડી સુપર સ્ટાર તરીકે પણ ઓળખાતા. Parvin Babi
જુનાગઢના બાબી વંશના મુસ્લિમ પરિવારમાં પરવીનનો જન્મ થયો હતો. તેઓએ અમદાવાદની માઉન્ટ કાર્નેલ હાઈસ્કૂલમાં અને પછી સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદમાં શિક્ષણ લીધું. અંગ્રેજી સાહિત્યમાં તેઓ એમ.એ. થયાં હતાં. તેમના પિતા વલી મોહંમદ બાબી જુનાગઢના નવાબના વહીવટદાર અને શાહી બાબી વંશના વારસદાર હતા. માતાપિતાના લગ્ન બાદ 14 વર્ષે જન્મેલા પરવીન તેમના એક માત્ર સંતાન હતા. પરવીન દસ વર્ષના હતાં ત્યારે જ તેઓના પિતાજીનું નિધન થયું હતું. પરવીને લગ્ન કર્યા ન હતા, પરંતુ મીડિયાની વાતો મુજબ તેમના સંબંધ મહેશ ભટ્ટ, કબીર બેદી કે ડેની સાથે હતાં. તેમની અનેક ફિલ્મોના સહકલાકાર અમિતાભ બચ્ચન સાથે પણ તેમના સંબંધ હોવાની વાતો થઈ રહી હતી. પોતાના પરવીન સાથેના સંબંધ આધારિત તથ્યોની વાતો કહેતી ફિલ્મ ‘અર્થ’ અને ‘વોહ લમ્હે’ મહેશ ભટ્ટે લખી અને નિર્દેશિત કરી હતી. જોકે આ બાબતે કોઈ નિશ્ચિત રૂપે કઈ પણ કહી શકાય નહીં!
વર્ષ 1972થી પરવીનના મોડેલિંગ કરિયરની શરૂઆત થઇ, અને બીજા જ વર્ષે તો તેઓ ‘ચરિત્ર’ ફિલ્મમાં સલીમ દુરાની સાથે તેઓએ નાયિકાનો રોલ કર્યો. તે ફિલ્મ નિષ્ફળ ગઈ પણ પરવીનની નોંધ જરૂરથી લેવાઈ. જે પછી પરવીનને અનેક ફિલ્મો મળવાની શરૂ થઈ. અમિતાભ બચ્ચન સાથેની 1974ની ‘મજબૂર’ એમાંની એક હતી. ઝીનત અમાન સાથે પરવીન બાબીએ ભારતીય ફિલ્મોની સાડી પહેરતી નાયિકાની આખી છબી બદલી નાખી હતી.
જુલાઈ, 1976માં ‘ટાઈમ’ મેગેઝીનના પહેલે પાને ચમકનાર પરવીન બાબી હિન્દી ફિલ્મોના પહેલાં સ્ટાર હતા. એમની આખી કારકિર્દીમાં પરવીનને ગંભીર અભિનેત્રીને બદલે ગ્લેમરસ સ્ટાર રૂપે જ જોવામાં આવ્યા. તેઓ ફેશન આઇકોન બની ગયાં હતા. તેમના સમયની અભિનેત્રીઓની સરખામણીમાં પરવીન વધુ સફળ રહ્યાં એવું કહી શકાય. તેઓ અમિતાભ બચ્ચન સાથે આઠ ફિલ્મોમાં આવ્યા, જે તમામ હીટ કે સુપર હીટ બની હતી. ‘નમક હલાલ’માં શશી કપૂર સામે, ‘કાલા સોનામાં ફિરોઝ ખાન સામે, ‘ચાંદી સોના’માં સંજય ખાન સામે તો ‘જાની દોસ્ત’માં ધર્મેન્દ્ર સામે પરવીન નાયિકા હતાં. કારકિર્દીના આખરી મુકામે તેઓ ઓફબીટ ફિલ્મોમાં દેખાયા, જેમકે માર્ક ઝુબેર સામે ‘યે નઝદીકિયાં’ કે નસીરુદ્દીન શાહ સામે ‘દિલ આખીર દિલ હૈ’માં તેઓ નાયિકાને બદલે ‘અધર વુમન’ રૂપે દેખાતા હતાં. ‘ક્રાંતિ’ જેવી સુપરહિટ ફિલ્મમાં તો પરવીનને નાયિકા હેમા માલિની સામે તેઓનું મહત્વ વધી ગયું હતું. તો તેમની કેટલીક યાદગાર ભૂમિકાવાળી ફિલ્મોમાં ‘અમર અકબર એન્થોની’, ‘શાન’ કે ‘દીવાર’માં આવી. ‘સિલસિલા’માં રેખા અને જયાને બદલે યશ ચોપડાની મૂળ પસંદગી પરવીન બાબી અને સ્મિતા પાટીલની હતી.
પરંતુ વર્ષ 1983થી પરવીન ફિલ્મી દુનિયામાંથી જાણે અદ્રશ્ય થઇ ગયાં! તેઓ ક્યાં હતાં તે કોઈ જાણતું ન હતું. તેમના વિશે ઘણીબધી વાતો ફેલાઈ હતી, જેમકે તેઓ અન્ડર વર્લ્ડના કબજામાં હશે! તેમણે પુરી કરેલી ફિલ્મો રજૂ થતી રહી, જેમાં ‘આકર્ષણ’ (1988) છેલ્લી હતી. તેઓ જયારે સફળતાની ટોચ પર હતાં ત્યારે તેમને સાઈન કરવા માટે નિર્માતાઓની રીતસર લાઈન લાગતી. બાબીનું વ્યક્તિત્વ જ એવું હતું કે તેમને ભારતીય નારીની ભૂમિકા અપાતી નહોતી. પરવીન બાબીને આ જગત છોડ્યાને 14 વર્ષ થઈ ગયાં. 20, જાન્યુઆરી, 2005ના રોજ પરવીનનું અવસાન 55 વર્ષની વયે થયું હતું. તેમના નિધનના બે દિવસ પછી, મુંબઈ પોલીસને પરવીનની સોસાયટીના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, તેઓ ત્રણ દિવસથી દૂધ-છાપા કઈ લેતા નથી. જેથી તપાસ કરતાં તેઓ તેના 72 કલાક પહેલાં મૃત્યુ પામેલા માનવમાં આવ્યા. પોસ્ટમોર્ટમના રીપોર્ટ મુજબ ડાયાબિટીસ(તેમને પગે ગેગરીન હતું, જેથી તે ઘરમાં વ્હીલચેર પર ચાલતા) તેમના મૃત્યુનું મુખ્ય કારણ બન્યું.
#TeamAapduJunagadh