નરસિંહ મહેતા : જૂનાગઢને કર્મભૂમિ બનાવી ભક્તિરસથી તરબોળ કરનાર આદિકવિ

જૂનાગઢ એ ‘આદિકવી’ તરીકે ઓળખાતા ભક્તકવિ નરસિંહ મહેતાની કર્મભૂમિ છે. નરસિંહ મહેતાએ ગુજરાતી સાહિત્યમાં એક અમીટ છાપ છોડી છે. ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા’ કહીને ઈશ્વરને જગાડનાર આ કવિના ભક્તિકર્મથી જૂનાગઢ સમૃદ્ધ થયું છે, તો તેમના કવિકર્મથી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ થયું છે. પ્રભાતિયાં હોય કે ભજન, લોકગીત હોય કે ગરબા દરેકને ભક્તિરસમાં ઢાળીને ઈશ્વરને સાક્ષાત થનાર કવિના ચોરામાં આજે પણ ગરબી રમાય છે, તો તેમના નામનો ગુજરાતી સાહિત્ય સર્વોચ્ચ એવોર્ડ પણ અપાય છે. હમણાંથી જૂનાગઢને તેમના નામની યુનિવર્સિટી પણ મળી. આટઆટલો સમય વીતી જવા છતાં પણ હજુ એ ચિરંજીવ છે. એટલેજ તો મનોજ ખંઢેરિયાને લખવું પડ્યું હશે કે…

“તળેટી એ જતા એવું લાગ્યા કરે છે,

હજુ ક્યાંક કરતાલ વાગ્યા કરે છે.”

નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ઇ.સ. પૂર્વે આશરે 1414 માં શ્રીકૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો. તેમના પત્નીનું નામ માણેકબાઈ હતું. પુત્ર શામળદાસ અને પુત્રી કુંવરબાઈ એમ બે સંતાનો હતા. કૌટુંબીક કારણોસર તેઓ જૂનાગઢ આવીને વસ્યા હતા અને જૂનાગઢને કર્મભૂમિ બનાવી હતી. તેઓનું મૃત્યુ ઇ.સ. 1481માં માંગરોળ મુકામે થયું હોવાનું માનવામાં આવે છે. નરસિંહ મહેતાની આ માહિતી મેળવ્યા બાદ હવે તેમના સાહીત્ય સર્જનમાં પણ ડોકિયું કરીએ…

જૂનાગઢને કર્મભૂમિ બનાવનાર આ ભક્તકવિએ સાહિત્યિક ગૌરવ પ્રદાન કર્યું છે. ગુજરાતી ભક્તિ સાહિત્યમાં પોતાની અમીટ છાપ છોડી જનાર આ ભક્તકવિની રચનાઓ મોટેભાગે ઝૂલણા છંદમાં જોવા મળે છે. ગાંધીજીને પ્રિય એવું…

“વૈષ્ણવ જનતો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે,

પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ના આણે રે. “

જેવું માનવતાના સાચા લક્ષણો દર્શાવતું ભજન નરસિંહ મહેતાએ આ જગતને આપેલી અણમોલ શીખ છે. માત્ર ભજનની બેજ પંક્તિઓમાં આટલી સહજતાથી લોકોને જીવનનો ખરો બોધ આપી ગયા છે, તો વળી ઈશ્વરના અસ્તિત્વ અને સ્વરૂપનું નિરૂપણ તેમની એક બીજી રચનામાં ખૂબ સુંદર કર્યું છે.

“અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ,

જૂજવે રૂપે અનંત ભાસે.

દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,

શૂન્યમાં શબ્દ થઈ વેદવ્યાસે.”

નરસિંહ મહેતાએ કૃષ્ણની રાસલીલાની ઝાંખી કરાવતા ગરબા પણ ખૂબ સુંદર રચ્યા છે. એક-એક ગરબાના તાલે માણસનું મન અને તન હિલ્લોળે ચઢે છે. માનવ સ્વભાવને સારી પેઠે જાણનાર આ કવિના કેટલાક ગરબાને અહીં યાદ કરીએ તો…

“નાગર નંદજીના લાલ !

રાસ રમતા મારી નથળી ખોવાણી”

 

“અમે મૈયારા રે…ગોકુળ ગામના,

મારે મહીં વેચવાને જાવા મૈયારા રે…ગોકુળ ગામના”

“વા વાયાને વાદળ ઉમટ્યા,

ગોકુળમાં ટહુક્યા મોર…મળવા આવો સુંદિરવર શામળિયા…”

હરિ મળ્યાનો હરખને હરખાઈ હરખાઈને આ રચનામાં કેવો વર્ણવ્યો છે એતો જુઓ…

“આજની ઘડી તે રળિયામણી…

હા રે! મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે…આજની ઘડી તે…”

અંતમાં એક એવું રચના કે જે મન મોહી લે…

“ઉંચી મેડી તે મારા સંતની રે…

મેં તો માલી ના જાણી રામ…હો… રામ….”

તો આ આદિકવિ નરસિંહ મહેતાની અદ્દભુત રચનાઓ…

Author: Nilesh Limbola #TeamAapduJunagadh