મિની કુંભમેળામાં વિવિધ તંત્ર દ્વારા થઈ રહી છે આ ઉત્કૃષ્ટ કામગીરી

ગિરનાર શિવરાત્રી લઘુ કુંભ મેળાની શરૂઆત તા.27 ના રોજ ભવનાથ મંદિરના ધ્વજારોહણથી થઈ ચૂકી છે. જેને લઈને માનવમહેરામણ ધીમે ધીમે ઉમટવા લાગ્યું છે. ત્યારે વિવિધ તંત્રના કર્મચારીઓ પણ ખડેપગે થઈને આ મેળામાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યાં છે. જે અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા, વીજ વિભાગ, એસ.ટી.તંત્ર, પોલીસ, આરોગ્ય વિભાગ, ફોરેસ્ટ સિક્યુરિટી વિભાગ વગેરેનો કાફલો ભવનાથ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યો છે.minikumbh 2019

minikumbh 2019

મહાનગરપાલિકાની કામગિરી સંદર્ભે ભવનાથ વિસ્તારને અલગ અલગ 34 ઝોનમાં વહેંચીને સફાઈ, પીવાનું પાણી અને યાત્રાળુઓ માટે સંલગ્ન સુવિધાઓ ઉભી કરવાનું આયોજન થયું છે. જેમાં 600 થી વધુ સફાઈ કર્મચારી રાઉન્ડ ક્લોક કામગીરી બજાવશે, તેમજ રસ્તાઓ આસપાસ મોબાઈલ ટોયલેટની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. દામોદર કુંડમાં ભાવિકો દર્શન અને સ્નાન કરી શકે તે માટે શુદ્ધ વહેતુ પાણી ઉપલબ્ધ કરાવાયું છે. આ જૂનાગઢમાં મેળાનો માહોલ સર્જાયો છે ત્યારે, શહેરની જુદી જુદી જાહેર ઇમારતોને રોશનીથી ઝળહળતી તથા તેની દીવાલો પર મેળાની ભાતીગળ સંસ્કૃતિ અને શિવ આરાધના પ્રસ્તુત કરતા ચિત્રો કંડારવામાં આવ્યા છે.

યાત્રાળુઓની સલામતી અને સુરક્ષા માટે એક્શન પ્લાન તૈયાર કરાયો છે, જેમાં સમગ્ર મેળા પર બાજ નજર રાખવા વિવિધ સ્થળોએ 55 જેટલા સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે, તેમજ ડ્રોન કેમેરા વોચિંગ, ખાસ કંટ્રોલરૂમ તથા વોચ ટાવર ઊભા કરાયા છે. યાત્રાળુઓને અગવડતા ન પડે તે માટે મેળામાં અલગ અલગ પ્રવેશ પોઇન્ટ ઉપર સ્થાનિક અને અનુભવી પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા બેટી બચાવો અભિયાનને સમર્થન અપાઈ રહ્યું છે.

આ ઉપરાંત મેળામાં વીજ વિભાગ દ્વારા પણ વિશિષ્ટ કામગીરી થઈ રહી છે. જુદાં જુદાં સ્થળોએ જરૂરી વીજ પુરવઠો મળી રહે તે માટે પાવર સપ્લાય ગોઠવવામાં આવી છે. સમગ્ર ભવનાથ વિસ્તાર 24 કલાક પ્રકાશિત રહે તે માટે જનરેટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી જગ્યાઓમાં કામચલાઉ દવાખાના તેમજ આઈસીયુ ઊભા કરાયા છે. આપત્તકાલીન સંજોગોમાં દર્દીઓને સારવાર આપવા 108 એમ્બ્યુલન્સ સાથે કર્મચારીઓ પણ તૈનાત કરવામાં આવ્યા. ત્યારે વનવિભાગ દ્વારા પણ સાવચેતી ભર્યા કર્યો થઈ રહ્યાં છે. કોઈપણ વન્યપ્રાણીને મુશ્કેલી ન પડે તેમજ જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે.

આ તમામ તંત્ર દ્વારા થઈ રહેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ જૂનાગઢવાસીઓ વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ…

હર હર મહાદેવ…

#TeamAapduJunagadh