જૂનાગઢમાં યોજાઇ રહ્યો છે, “માટીના ગણેશ” બનાવતા શીખવાનો ફ્રી વર્કશોપ

“ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ..!!”

આવા અનેકવિધ નારા સાથે વિદાય કરેલા ભગવાન ગણેશજીને ફરી લાવવાનો અને લાડ-કોડથી સેવા-પૂજા કરવાનો અવસર ગણેશ ચતુર્થી કે ગણેશ મહોત્સવ હવે નજીકમાં જ છે, ત્યારે ગણેશ ભક્તો અત્યારથી જ તેની આગામી તૈયારીઓમાં લાગી ગયા છે. ઘણાં લોકોએ તો ગણેશજીની પ્રતિમાં બનાવવા કારીગરોને ઓર્ડર પણ આપી દીધા છે! જે પ્રતિમા મોટેભાગે પીઓપીમાંથી જ તૈયાર કરવામાં આવે છે.

ગણપતિ મહોત્સવ એ આમ જોવા જઈએ તો એક મરાઠી મહાતહેવાર છે, પરંતુ આ તહેવારનું મહત્વ ગુજરાતી લોકો અને ગુજરાતમાં પણ રંગેચંગે ઉજવવામાં આવે છે. એકી સંખ્યામાં દિવસની ગણતરી કરીને ગણપતિનું સ્થાપન કરવામાં આવે છે, જે દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. ગણેશ મહોત્સવના અંતે ગણેશજીના વિસર્જનના સમયે વાતાવરણ ભાવૂક બની જતું હોય છે.

આ ભાવુકતા સાથેની ભક્તિ વચ્ચે થતાં વિસર્જન સમયે પ્રકૃતિના જતનનો સહેજપણ ખ્યાલ આપણાં મગજમાં રહેતો નથી! જેને કારણે કુદરતી જળાશયો પીઓપીની મૂર્તિથી ભરાઈ જાય છે. જેને કારણે પ્રકૃતિને મોટાપાયે નુકસાન પહોંચે છે. પીઓપીની મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી, જેથી તે જળાશયની સપાટી ઢાંકી દે છે અને જળાશયમાં વસતા કેટલાય જળચર પ્રાણીઓના જીવને નુકસાનકર્તા બને છે.

અહીં વાત ધાર્મિકતા દુભાવવાની નથી, પરંતુ પ્રકૃતિના જતનની છે. આપણે આપણી ભક્તિને અણનમ રાખીને પીઓપીની મૂર્તિ કરતાં માટીના ગણેશ બેસાડી તેની પૂજા-અર્ચના કરીએ તો! જેના ઉપયોગથી ગણપતિ પણ ખુશ થશે અને પ્રકૃતિ પણ! તમને સવાલ થશે કે, માટીના ગણેશ બનાવવા કેવી રીતે? તો જરા પણ મૂંઝાવાની જરૂર નથી કેમકે, ટીમ આપણું જૂનાગઢ અને જૂનાગઢ મ્યુઝિયમ સાથે મળીને “માટીનાં ગણેશ” શીર્ષક હેઠળ ક્લેય મોડેલિંગ વર્કશોપનું આયોજન કરી રહ્યાં છે.

જેમાં તમામ વયના ઉમેદવારો નિઃશુલ્કપણે ભાગ લઈ શકશે. આ વર્કશોપમાં જરૂરિયાતની તમામ સામગ્રી સ્થળ પરથી જ આપવામાં આવશે. એટલું જ નહીં, પરંતુ જે તે વ્યક્તિએ બનાવેલા ગણપતિ તેઓ ઘરે લઈ જઈને તેની સ્થાપના પણ કરી શકશે. પીઓપીની મૂર્તિઓનાં કુદરતી જળાશયમાં વિસર્જનથી પ્રકૃતિને મોટા પાયે નુકસાન થતું હોય છે, એવું ન થાય અને લોકો માટીનાં ગણેશ બનાવતા શીખે અને તેની સ્થાપના કરી ઇકો-ફ્રેન્ડલી ગણેશ મહોત્સવ મનાવે તેવો હેતુ આ વર્કશોપ યોજવા પાછળ રહેલો છે.

આ વર્કશોપમાં મહત્તમ લોકો, આયોજક મંડળોના સભ્યો, એનજીઓ કે પ્રકૃતિપ્રેમીઓ જોડાઈ, જેથી તેઓ અન્ય લોકોને પણ માટીનાં ગણેશ બનાવતા શીખવી તેની સ્થાપના અંગે પ્રેરિત કરી શકે, તેવી અપીલ કરવામાં આવી છે.

વર્કશોપની વિગતો:

તારીખ: 17 & 18, ઓગસ્ટ, 2019

સમય: સવારે 11 થી 5 વાગ્યા સુધી

સ્થળ: ઓપેરા હાઉસ, જૂનાગઢ મ્યુઝિયમની બાજુમાં, સરદારબાગ, જૂનાગઢ.

રજિસ્ટ્રેશન માટે નીચેની લિંક પર ક્લિક કરો.
https://docs.google.com/forms/d/1EzEovzB5XLSdh2W8p637BD3JcdF3Cg8KmqZC5HH8NAQ/edit?fbclid=IwAR0a4WTC2C7vrCDoKSKuM_cCKFI83bERWKrHZ-XeYprth9ApcCAT8VuiGeM

વધુ વિગતો માટે સંપર્ક: 95108 12000