ઉનાળો હોય અને કેરીની યાદ ન આવે એવું તો બને જ નહીં, તેમાં પણ આપણા જૂનાગઢવાસીઓ અને સોરઠવાસીઓને તો ઉનાળા પહેલા જ કેસર કેરીની યાદ આવવા માંડે. વાત આટલેથી અટકતી નથી, પણ સોરઠવાસીઓ તો ઉનાળો આવે તે પહેલાં જ એડવાન્સમાં કેરીના બોક્સનું બુકીંગ પણ કરાવવા માંડે છે. જો કે ચાલુ વર્ષે લોકડાઉનના કારણે ઘણા લોકો માટે કેરીની યાદ બસ યાદ જ રહી ગઈ છે, ત્યારે ચાલો આ યાદોને તાજી કરીએ અને કેસર કેરી વિશેની અવનવી વાતો જાણીએ…
આપણે જાણીએ જ છીએ કે કેસર કેરીનું સૌથી સારું ઉત્પાદન આપણાં ગીર વિસ્તારમાં થાય છે. જો કે કચ્છની કેસર કેરી પણ સ્વાદમાં ખૂબ મીઠી અને રસભર હોય છે, પરંતુ કેસર કેરીનો પર્યાય એટલે માત્ર ગીર અને સોરઠ. આવી સોરઠની આન, બાન અને શાન સમી કેસર કેરીની પ્રથમ બાગાયતી ખેતી ક્યારે થઈ એ જાણીને તમને વધુ મજા આવશે, તો ચાલો જાણીએ તેના ઉત્પાદન અને નામકરણ વિશેની રસપ્રદ કથા.
કેસર કેરીનું સૌ પ્રથમ ઉત્પાદન વર્ષ 1931માં જૂનાગઢના વજીર સાલે ભાઈ દ્વારા વંથલીમાં કરવામાં આવ્યું હતું. (આજે પણ જૂનાગઢ જિલ્લાનો વંથલી તાલુકો કેસર કેરીનું મોટું કેન્દ્ર છે.) ત્યારબાદ જૂનાગઢના ગિરનાર તળેટીના લાલઢોરી ખેતરમાં આશરે 75 કેસર કેરીના આંબા ઉગાડવામાં આવ્યા હતા. ત્યારથી માંડીને આજ સુધી કેસર કેરી સોરઠ અને ગીરની આન, બાન અને શાન બનીને રહેલી છે, પરંતુ આ કેરીને “કેસર કેરી”નું નામ કઈ રીતે મળ્યું એ પણ એક રોચક કથા છે.
વજીર સાલે ભાઈ આ કેરીનું ફળ લઈને જૂનાગઢના તત્કાલીન નવાબ મોહમ્મદ મહાબત ખાન બાબીને ચખાડવા પહોંચ્યા, ત્યારે કલા-રસને સારી રીતે જાણનાર નવાબશ્રી એ કેરીના કેસરી રંગ અને કેસર જેવી મીઠાશ જોઈને તરત જ કહ્યું કે, “આ તો કેસર છે.” અને ત્યારથી જ આ રસ અને ગરથી ભરપૂર કેરીનું નામ કેસર કેરી કરવામાં આવ્યું. અહીં ઉલ્લેખનીય છે કે, આ ઘટના વર્ષ 1934ની છે, એટલે કે, વર્ષ 1934માં કેસર કેરીને પોતાનું આગવું નામ મળ્યું.
કેસર કેરી સ્વાદમાં અને ગુણોમાં સર્વશ્રેષ્ઠ ફળ છે. સોરઠની સાહ્યબી કેસર કેરી થકી વધુ ઉજાગર થાય છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે, માત્ર ગીર વિસ્તારમાં ઉગાડવામાં આવતી કેરીને જ “ગીર કેસર કેરી” કહેવામાં આવવા છે. પોતાના દેખાવ અને સ્વાદની ભવ્યતાના કારણે કેસર કેરીને સૌથી મોંઘી કેરીની જાત ગણાય છે.