જૂનાગઢનાં દાણાપીઠ વિસ્તારમાં બિરાજતા: માઁ મહાલક્ષ્મી

નમસ્તેસ્તુ મહામાયે શ્રી પીઠે સૂરપૂજિતે |

શંખચક્રગદાહસ્તે મહાલક્ષ્મી નમોસ્તુતે ||

દેવીશક્તિના મુખ્ય ત્રણ સ્વરૂપ એટલે, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. આ ત્રણ દેવીશક્તિઓમાં ધન, સંપદા, શાંતિ અને સમૃદ્ધિની દેવી તરીકે જાણીતા છે મહાલક્ષ્મીજી. દિવાળીના તહેવારો ઉપર મહાલક્ષ્મી માતાજીનું ખાસ પૂજન-અર્ચન થતું હોય છે, ત્યારે આપણાં જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી સ્ટ્રીટ ખાતે મહાલક્ષ્મી માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે.

Maa Mahalakshmi

જૂનાગઢ શહેરના વ્યાપારી વિસ્તાર તરીકે જાણીતા દાણાપીઠ વિસ્તારમાં આવેલું આ મહાલક્ષ્મી મંદિર અંદાજે 450 વર્ષ જૂનું છે. નવાબીકાળ દરમિયાન આ મંદિરનું નિર્માણ થયા હોવાની માન્યતા સેવાઇ રહી છે. લોકમાન્યતા અનુસાર અહિયાં મહાલક્ષ્મી માતાજી બાળ સ્વરૂપે બિરાજમાન છે. જૂનાગઢ શહેરના સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિરે ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતું વર્ષ ઈત્યાદી શુભ તહેવારો ઉપર ભાવિકોની ભારે ભીડ જોવા મળે છે. સંપૂર્ણ વર્ષ દરમિયાન ફક્ત જૂનાગઢ જ નહીં, પરંતુ દૂર દેશાવરથી પણ ભક્તો અહિયાં દર્શનાર્થે આવતા હોય છે.

જૂનાગઢના ચહેલ પહેલ ભરેલા દાણાપીઠ વિસ્તારમાં રહેણાંકોની વચ્ચે આવેલું આ મંદિર પ્રથમ નજરે તો કોઈ પ્રાચીન નિવાસસ્થાન જ જણાય! મહાલક્ષ્મી મંદિરમાં બિરાજતા માતાજીનો પાટોત્સવ માગસર સુદ નોમને દિવસે ઉજવવામાં આવે છે. પાટોત્સવના શુભ દિવસે માતાજીને સુંદર મજાનાં સ્વાદિષ્ટ ભોગ ધરાવવામાં આવે છે. ઉપરાંત બેઠા ગરબાનું પણ આયોજન થાય છે. હોળી-ધૂળેટીના તહેવારો પર આઠ દિવસ દરમિયાન તથા બીજા ધાર્મિક તહેવારો પર માતાજીને મનમોહક શણગારથી સજાવવામાં આવે છે. પ્રતિવર્ષ આસો મહિનામાં આવતી નવરાત્રિના નોમના દિવસે અહિયાં માતાજીનો યજ્ઞ કરવામાં આવે છે.

અહિયાં બાજુમાં એક મહાદેવનું પણ દેવાલય આવેલું છે, જ્યાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે. દર સોમવારે ભાવિકોની ભારે ભીડ જામે છે. મહાલક્ષ્મી માતાજીનાં મંદિરે નવરાત્રિ દરમિયાન રાત્રિના દસ વાગ્યાથી બેઠા ગરબાનું પણ આયોજન થાય છે. દશેરા તહેવારની પણ ભાવપૂર્વક ઉજવણી થાય છે. દશેરા તહેવારની પણ ભાવપૂર્વક ઉજવણી થાય છે. દિવાળીના તહેવારો દરમિયાન મહાલક્ષ્મીના દર્શન કરી તેમની અસિમ કૃપા પ્રાપ્ત કરવા ભક્તોની લાંબી લાંબી કતારો લાગે છે.

મહાલક્ષ્મી માતાજીનાં દર્શન સવારે 7.30 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ખુલ્લા રહે છે. ત્યારબાદ માતાજીને ભોગ ધરાવવામાં આવે છે. બપોરે 12 થી 5 વાગ્યા સુધી માતાજીને વિશ્રાંતિ માટે દર્શન બંધ રાખવામાં આવે છે. સાંજે 5 વાગ્યે ફરી મંદિર ખૂલે છે, જે પછી સાંજે 7.30 કલાકે માતાજીની આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ 8 કલાકે માતાજીને શયન કરાવી દર્શન બંધ કરવામાં આવે છે. જૂનાગઢ નગર પર સુખ-શાંતિ અને સ્મૃદ્ધિ વરસાવતા માઁ મહાલક્ષ્મીના ચરણોમાં કોટિ કોટિ વંદન…

આભાર: રાજેન્દ્રભાઈ પંડિત(પૂજારીશ્રી)

સૌને જય માતાજી…

Author: Sumit Jani(શિવાય) #TeamAapduJunagadh